Thu Nov 19 2026

Logo

ટેનિસના ફિક્સિંગે સનસનાટી મચાવી, જૉકોવિચના દેશના ખેલાડી ઉપર 24 વર્ષનો પ્રતિબંધ...

London   2026-10-16 16:10:25
Author: Ajay Motiwala
ટેનિસના ફિક્સિંગે સનસનાટી મચાવી, જૉકોવિચના દેશના ખેલાડી ઉપર 24 વર્ષનો પ્રતિબંધ...

લંડનઃ ક્રિકેટમાં મૅચ-ફિક્સિંગ કે સ્પૉટ ફિક્સિંગના ઘણા કિસ્સા બની ચૂક્યા છે, ફૂટબૉલમાં પણ કોઈક ખેલાડી કે ટીમે મૅચ ફિક્સ કરી હોવાનું ભૂતકાળમાં બની ચૂક્યું છે ત્યારે હવે ટેનિસમાં પણ ફિક્સિંગ (Fixing)ના કિસ્સાએ સનસનાટી મચાવી દીધી છે. સર્બિયાના ટેનિસ ખેલાડી સ્ટેફાન Stefan) મિલીસેવિચે કેટલીક મૅચો ફિક્સ કરી હોવાના આક્ષેપને પગલે તેના રમવા પર 24 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને 70,000 ડૉલર (અંદાજે 66 લાખ રૂપિયા)નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

એક તરફ સર્બિયાનો નોવાક જૉકોવિચ 23 વર્ષથી પોતાના દેશ સર્બિયાનું નામ રોશન કરી રહ્યો છે અને વિશ્વવિક્રમી 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા પછી પચીસમા ટાઇટલ માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યાં સ્ટેફાને આ દેશનું નામ બોળ્યું છે. સ્ટેફાન 29 વર્ષનો છે. તેના ટેનિસ રમવા પર 2050 સુધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે તે 50થી વધુ વર્ષનો થઈ ગયો હશે એટલે તેની ટેનિસ કરીઅર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે એવું માની શકાય. સ્ટેફાનના કૃત્યએ ફિક્સિંગ માટે અન્ય કેટલાક ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હોવાનું મનાય છે.

સ્ટેફાનની કઈ (ક્યાંની અને કઈ ટૂર્નામેન્ટની) મૅચો ફિક્સ કરાવવામાં સંડોવણી હતી એ જાહેર નહોતું કરાયું અને સંકળાયેલા અન્ય કોઈ ખેલાડીના નામ પણ બહાર નહોતા પાડવામાં આવ્યા. જોકે સ્ટેફાને ફિક્સ થયેલી મૅચોને લગતી તપાસકાર્યમાં સહકાર નહોતો આપ્યો 

સ્ટેફાનના ફિક્સિંગ સાથેની કથિત સાંઠગાંઠ 2022થી 2024 દરમ્યાનની છ કરતાં વધુ મૅચો સાથે હોવાનું મનાય છે. એમાંથી પાંચ મૅચમાં તેણે પોતાની રીતે ફિક્સિંગ કર્યું હતું અને બીજી છ મૅચને ફિક્સ કરાવવાની તેણે કોશિશ કરી હતી.

સ્ટેફાન કરીઅરમાં વધુમાં વધુ 1,338ની રૅન્ક સુધી પહોંચ્યો હતો. તે સિંગલ્સ અને ડબલ્સની મૅચો રમીને કુલ 4,858 ડૉલર (લગભગ 4.60 લાખ રૂપિયા) કમાયો છે.