(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ વધીને 109 ડૉલર સુધી પહોંચ્યાના અહેવાલો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ક્રૂડ તેલમાં વધ્યા મથાળેથી જોવા મળેલી પીછેહઠ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 480થી 482નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2168નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2168ના ઘટાડા સાથે રૂ. 2,08,750ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 480 ઘટીને રૂ. 1,45,360ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 482ના ઘટાડા સાથે રૂ. 1,45,944ના મથાળે રહ્યા હતા.
ક્રૂડ તેલના ભાવઘટાડા સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે સાધારણ 0.2 ટકા વધીને આૈંસદીઠ 4172.87 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4193.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.2 ટકા વધીને આૈંસદીઠ 57.67 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહ્યું હોવા છતાં ક્રૂડ તેલના ભાવ ઘટી આવતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ રશિયા પર મુકેલા ટૅરિફ પ્રતિબંધો દૂર કરતા રશિયાની ઈંધણની નિકાસ વધે તેવી શક્યતા વધતા ક્રૂડ તેલના ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફર્યાં હતાં. અગાઉ ગેસોલિનના ભાવ વધી આવતા ગત સપ્તાહે અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.
જોકે, હવે રોકાણકારોની નજર આગામી 27-28 ઑક્ટોબરની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર અને ફેડરલના વ્યાજદરના નિર્ણય પર અસર કરે તેવાં જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશ એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, આ બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા હોવાથી તેની સોનાના ભાવ પર ખાસ અસર જોવા નહીં મળે પરંતુ હવે પછીથી જાહેર થનારા ફુગાવાના અને રોજગારીના ડેટાની અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળશે, એમ સ્ટુનોવોએ ઉમેર્યું હતું.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી માત્ર 15 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 89 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આ વર્ષમાં અથવા તો શેષ વર્ષ 2026માં વધુ એક વખત વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વ્યક્ત કરી હોવાના અહેવાલ હતા.