ઈમ્ફાલઃ મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ વણસી રહી છે. વિવિધ ઘટનાઓમાં 7 લોકોનાં મોત થયા છે. જ્યારે સીઆરપીએફના ત્રણ જવાનો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ અને સુરક્ષા દળોએ આરોપીઓની સર્ચ આપરેશન શરૂ કર્યું છે.
મણિપુરમાં 18 અને 19 ઓક્ટોબરે હિંસાની ત્રણ અલગ અલગ ઘટનાથી તણાવ વધી ગયો છે. એક તરફ થૌબલ જિલ્લાના ખાંગાબોકમાં પથ્થરબાજી બાદ બે ગ્રુપોમાં તણાવ ફેલાયો હતો, બીજી તરફ કાકવા લામદાઈબુંગમાં આઈઆઈડી વિસ્ફોટ થયો હતો. આ ઉપરાંત સાગોલમાંગમાં પહાડી વિસ્તામાં લાકડા કાપવાને લઈ ગ્રામીણો પર હથિયારધારીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા હતા. જ્યારે સીઆરપીએફના ત્રણ જવાનો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.
મણિપુર પોલીસના એડીજીપી લ્હારી દોરજી લ્હાતુએ ઘટનાઓની વિગતો આપતાં જણાવ્યું કે તમામ કેસોની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 18 ઓક્ટોબરની રાત્રે આશરે 11:20 વાગ્યે થૌબલ જિલ્લાના ખાંગાબોક પાલી બજારમાં એક સંગીત કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો અને ખાંગાબોક તથા સંગકફામના લોકો પણ તેમાં સામેલ થઈ ગયા. પરિસ્થિતિ વણસતાં ગોળીબાર અને હિંસાની ઘટનાઓ બની હતી. આ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી. તેને રાજ મેડિસિટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં રાત્રે આશરે 12:40 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરએએફ, સીઆરપીએફ, આસામ રાઇફલ્સ અને પોલીસની વધારાની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સુરક્ષા દળોએ રાત્રે આશરે 1:50 વાગ્યા સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. પોલીસ હવે પથ્થરમારો અને ગોળીબારમાં સામેલ લોકોની ઓળખ કરવામાં લાગેલી છે. પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની શોધ પણ ચાલી રહી છે. બીજી ઘટના રાત્રે આશરે 11:41 વાગ્યે કાકવા લામદાઇબુંગ લમ્ફાક વિસ્તારમાં બની હતી. અહીં સિંગજામેઈ પોલીસ સ્ટેશન નજીક આઈઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં સીઆરપીએફના ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને સારવાર માટે રાજ મેડિસિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એડીજીપીએ જણાવ્યું કે પોલીસને આ ઘટના સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
19 ઓક્ટોબરની સવારે આશરે 9:40 વાગ્યે સુનુલોક પહાડી વિસ્તારમાં સશસ્ત્ર લોકોએ 14 મૈતેઈ ગ્રામજનોના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગ્રામજનો ખોંગબલથી આગળ તાંગખુલ વિસ્તારમાં લાકડાં કાપવા અને લઈ જવાના કામમાં રોકાયેલા હતા. આ સ્થળ સાગોલમાંગ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. આ ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં સામેલ લોકો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રોન અને હેલિકોપ્ટરથી ચાંપતી નજર
સતત બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મણિપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ, સીઆરપીએફ, કોબ્રા કમાન્ડો, આસામ રાઇફલ્સ અને બીએસએફની સંયુક્ત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન કાર્યવાહી ચલાવી રહી છે. શંકાસ્પદોની શોધખોળ માટે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સાથે સ્નિફર ડૉગ્સ અને ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. હવાઈ દેખરેખ માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરે કટોકટી યોજનાઓ સક્રિય કરી દેવામાં આવી છે. ઠેર-ઠેર સંયુક્ત નાકાબંધી કરવામાં આવી છે અને મોબાઈલ ચેકપોસ્ટ દ્વારા વાહનો તથા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.