નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે વરસાદને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI Airport) પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજધાની દિલ્હીમાં આજે બપોરથી આવેલા અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો, જ્યાં બપોરે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. બીજી બાજુ એરપોર્ટ પરિસરના રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે ફ્લાઈટ્સની સર્વિસ પર ગંભીર અસર પડી હતી.
બપોરે પડેલા ભારે વરસાદે એક તરફ રાજધાનીના વાતાવરણને ઠંડક આપી હતી, તો બીજી તરફ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધારી દીધી હતી. ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટરે પેસેન્જર માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી, જ્યારે દિલ્હી-મુંબઈ, દિલ્હી અમદાવાદ, પોર્ટ બ્લેર સહિત અન્ય ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ મોડી પડતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
ભારે વરસાદ બાદ એરપોર્ટના ટર્મિનલ-૩ના આગમન પરિસરમાં તેમજ મીટ એન્ડ ગ્રીટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. એવી સ્થિતિ સર્જાઈ હતી કે એરપોર્ટનો આ વિસ્તાર જાણે ‘સ્વિમિંગ પૂલ’ બની ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા સાથે ભારે વરસાદને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું હતું.
મીટ એન્ડ ગ્રીટ વિસ્તાર સુધી પહોંચ્યું પાણી
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે દિલ્હીમાં અચાનક ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના આગમન પરિસરમાં પાણી ભરાવા લાગ્યું હતું. થોડા જ સમયમાં આ પાણી રસ્તાઓ પાર કરીને ટર્મિનલ-૩ના મીટ એન્ડ ગ્રીટ વિસ્તાર સુધી પહોંચી ગયું હતું. મીટ એન્ડ ગ્રીટ વિસ્તાર ટર્મિનલના બહાર નીકળવાના દરવાજા અને રસ્તા વચ્ચેનો વિસ્તાર છે. અહીં મુસાફરોના પરિવારજનો અને પરિચિતો તેમને લેવા માટે રાહ જોતા હોય છે. ભારે પાણી ભરાવાને કારણે હવાઈ મુસાફરી પૂર્ણ કરીને ટર્મિનલ-૩માંથી બહાર આવેલા મુસાફરોને પોતાના વાહનો સુધી પહોંચવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.
પગરખા વિના પાણીમાંથી પસાર થવું પડ્યું
ટર્મિનલ-૩માંથી બહાર આવેલા મુસાફરો સામે પાણી ભરાયેલો વિસ્તાર જોઈને મુશ્કેલી ઊભી થઈ હતી. પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે કેટલાક મુસાફરોએ પોતાના પગરખા ઉતારવા પડ્યા હતા. કેટલાક મુસાફરોએ પેન્ટને ઘૂંટણ સુધી ચડાવીને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ સમગ્ર સ્થિતિને કારણે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પાણી ભરાયેલા વિસ્તારના દૃશ્યો સામે આવ્યા બાદ એરપોર્ટની પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
હવાઈ સેવા પર કોઈ અસર નહીં
જોકે રાહતની વાત એ રહી કે પાણી ભરાવાની આ સ્થિતિની સીધી અસર હવાઈ સેવાઓ પર પડી નહોતી. વિમાનોનું સંચાલન સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. પરંતુ ટર્મિનલ-૩ના આગમન અને મીટ એન્ડ ગ્રીટ વિસ્તારમાં મુસાફરો તથા તેમને લેવા આવેલા પરિવારજનો માટે પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
દિલ્હી એરપોર્ટ તરફથી શું કહેવામાં આવ્યું?
દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારે બપોરે ભારે વરસાદના કારણે પહોંચવાના માર્ગ અને આગળના વાહન વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી ભરાયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ભરાયેલું પાણી થોડા જ સમયમાં બહાર કાઢી દેવામાં આવ્યું હતું. તમામ મુસાફરો માટે સુરક્ષિત અને સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ વ્યવસ્થાપન પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું.
એરપોર્ટ પર અગાઉ સર્જાઈ છે પરિસ્થિતિ
દિલ્હી એરપોર્ટ પર ભારે વરસાદ બાદ પાણી ભરાવાની ઘટના નવી નથી. અગાઉ પણ ટર્મિનલ-૩ના આ જ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. આ ઉપરાંત, થોડા વર્ષો પહેલાં ભારે વરસાદ દરમિયાન ટર્મિનલ-૧ના છત્ર વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે છત્રનો એક ભાગ ધરાશાયી થયો હતો અને તેની નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ નવા બનેલા ટર્મિનલમાં પણ વરસાદ દરમિયાન છતમાંથી ધોધની જેમ પાણી પડતું હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.
પાણી-નિકાલની વ્યવસ્થા સામે સવાલ
દિલ્હીમાં ચોમાસા દરમિયાન થોડા સમયના ભારે વરસાદથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. હવે દેશના સૌથી મહત્વપૂર્ણ એરપોર્ટ પૈકીના એક એવા ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના આગમન અને મીટ એન્ડ ગ્રીટ વિસ્તારમાં પાણી ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. હાલમાં પાણી બહાર કાઢી લેવામાં આવ્યું છે અને હવાઈ સેવાઓ સામાન્ય હોવાનું જણાવાયું હતું.
કાયમી ઉકેલની જરૂરિયાત સ્પષ્ટ વર્તાય છે
જોકે, વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવાથી આગામી ભારે વરસાદ દરમિયાન મુસાફરોને ફરી મુશ્કેલી ન પડે તે માટે કાયમી ઉકેલની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે. ભારે વરસાદ બાદ દિલ્હી એરપોર્ટનો મીટ એન્ડ ગ્રીટ વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં મુસાફરોની હાલાકીનો આ બનાવને કારણે ફરી એક વખત મોટા માળખાકીય સ્થળોએ પાણીના નિકાલની વ્યવસ્થા પર સવાલો નિર્માણ થયા છે.