પટિયાલાઃ અહીં નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ (એનએસએનઆઇએસ)ના મથકમાં કેટલાક શિપિંગ કન્ટેનર બનાવવામાં આવ્યા છે જેમાં જાપાનમાં આ મહિને યોજાનારી એશિયન ગેમ્સમાં ઍથ્લીટો માટે જે પ્રકારની સુવિધાઓ રાખવામાં આવશે એવી જ સગવડો તૈયાર કરવામાં આવી છે અને એનો અનુભવ કેટલાક ભારતીય ઍથ્લીટોને કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં દેશ-વિદેશના ઍથ્લીટો માટે ક્રૂઝ શિપની હૉટેલમાં તેમ જ સ્ટીલથી બનેલા કન્ટેનરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ)એ આવા કન્ટેનર રૂમ બેંગ્લૂરુના કેન્દ્રમાં પણ બનાવ્યા છે જેમાંની રૂમમાં પલંગ છ ફૂટથી થોડો લાંબો છે, દીવાલો વચ્ચેનું અંતર ઓછું છે અને આવશ્યક ચીજોથી વધુ કંઈ આ રૂમમાં રાખી શકાય એમ નથી. જાપાનની એશિયન ગેમ્સમાં ઍથ્લીટોને આવા જ પ્રકારના રૂમ મળશે એટલે એની તેઓ અત્યારથી આદત પાડી શકે એટલે પટિયાલા તથા બેંગ્લૂરુમાં માત્ર નમૂના તરીકે આ કન્ટેનર રૂમ બનાવવામાં આવ્યા છે.
VIDEO | Patiala, Punjab: SAI sets up container rooms to prepare athletes for Asian Games.
— Press Trust of India (@PTI_News) September 4, 2026
The beds are a little over six feet long, the walls are close, and there is little room for anything beyond the essentials.
For some of India's athletes, however, spending a night inside a… pic.twitter.com/qEUDQz0FYm
એશિયાડ માટે જાપાન જનારા ઍથ્લીટોને આ શિપિંગ કન્ટેનરનો થોડો અનુભવ લેવા વારાફરતી બોલાવવામાં આવે છે. ઍથ્લીટો આ કન્ટેનરમાં રાત વીતાવે છે, સવારે વહેલા જાગીને પ્રૅક્ટિસના સ્થળે પહોંચી જાય છે. તેઓ જાપાન પહોંચશે એ પહેલાં તેમણે રહેવા માટે ત્યાં મળનારી સગવડોનો મોટા ભાગે અનુભવ ભારતમાં જ કરી લીધો હશે.
એસએઆઇના ડેપ્યૂટી ડિરેકટર જનરલ વિનીત કુમારે પટિયાલામાં પત્રકારોને કહ્યું, `જાપાનમાં ઍથ્લીટો માટે શિપિંગ કન્ટેનરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે એ બે વર્ષ પહેલાં નક્કી થઈ ગયું હતું એટલે એ સમયના ખેલકૂદ પ્રધાને દીર્ઘદૃષ્ટિ વાપરીને નક્કી કરી લીધું હતું કે ભારતીય ઍથ્લીટોને જાપાન જતાં પહેલાં એવી અનોખી સુવિધાઓનો ભારતમાં જ અનુભવ કરવા મળશે કે જેથી તેમને ત્યાં પહોંચીને કોઈ આંચકાનો સામનો ન કરવો પડે.'
એશિયન ગેમ્સમાં બે વખત ગોળા ફેંકની સ્પર્ધામાં ચૅમ્પિયન બનેલા તેજિન્દરપાલ સિંહ તૂરે પીટીઆઇને કહ્યું, `આ કન્ટેનર બહારથી નાના લાગે છે, પરંતુ અંદર ખૂબ સુંદર અને મોકળાશવાળા છે. તમામ સગવડો અંદર છે. આવા જ ક્ન્ટેનર ભારતીય ઍથ્લીટોને જાપાનમાં રહેવા માટે મળશે.'