Sun Oct 04 2026

Logo

અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનાચાંદીમાં સાધારણ નરમાઈ

2026-09-04 19:56:35
Author: Ramesh Gohil
અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનાચાંદીમાં સાધારણ નરમાઈ

સ્થાનિક સોનામાં રૂ. 943નો અને ચાંદીમાં રૂ. 2923નો ચમકારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ અથવા તો જોબ ડેટાની જાહેરાત પૂર્વે સોના અને ચાંદીમાં ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 939થી 943નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2923નો ચમકારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2923 વધીને રૂ. 2,35,456ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હતી. વધુમાં આજે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, પરંતુ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 939 વધીને રૂ. 1,54,264 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 943 વધીને રૂ. 1,54,884ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 4467.30 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4513.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 66.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા 

ગઈકાલે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે જો ફુગાવાના આગામી ડેટામાં ઘટાડાતરફી વલણ જોવા મળશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી શક્યતા નકારી ન શકાય. આમ તેમના નિવેદનને પગલે ગઈકાલે વૈશ્વિક સોનામાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએથી સુધારો જોવા મળ્યો હોવાનું વિશ્લેષક રોઝ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે જો આર્થિક ડેટાઓ અપેક્ષા કરતાં નબળા આવે તો સોનામાં જોવા મળેલો સુધારો ઉભરા જેવો નિવડી શકે છે. 

નોંધનીય બાબત એ છે કે આજે મોડી સાંજે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત થનાર છે, જ્યારે આગામી સપ્તાહે ઑગસ્ટ મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થનાર છે. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ હાલના તબક્કે જો ફુગાવામાં વધારો થાય તો ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે.

તેમ છતાં સિટી બૅન્કે એક નોટ્સમાં આગામી ત્રણ મહિના સુધીમાં સોનાના ભાવ માટે આૈંસદીઠ 4800 ડૉલરનો અને છથી બાર મહિનાના માટે 5000 ડૉલરનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમ જ વર્ષ 2026ના બીજા છમાસિકગાળામાં સોનામાં રિટેલ રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.