મુંબઈ: શાહરૂખ ખાનની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક ગણાતી 'સ્વદેશ' આજે પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ ફિલ્મની જ્યારે પણ વાત નીકળે છે ત્યારે એક ક્નેક્શન સામે આવે છે. વતનની બાહર રહેતા ભારતીયો પણ આ ફિલ્મ જોઈને ભાવુક થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ શરૂઆતથી જ શાહરૂખ ખાન માટે બનાવવામાં આવી ન હતી? ફિલ્મનું બધુ ફાઈનલ થયું એ સમયે કિંગ ખાનની સ્ટારકાસ્ટ લીસ્ટ પસંદગી તો શું નામ પણ ન હતું. આ વાત ફિલ્મ સાથે જ જોડાયેલા એક વ્યક્તિએ જાહેર કરી છે.

બે સુપરસ્ટારને ઓફર થઈ હતી ફિલ્મ
મૂળ વાત એવી છે કે, ફિલ્મના લેખક અને અભિનેતા અમિન હજી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક ખુલાસા પ્રમાણે, ‘સ્વદેશ’માં મોહન ભાર્ગવનું પાત્ર શરૂઆતમાં આમિર ખાનને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું. તે સમયે ફિલ્મનું નામ પણ ‘સ્વદેશ’ નહીં, પરંતુ 'દેશ' રાખવામાં આવ્યું હતું. પાત્ર લખાયું એ સમયે ફોક્સમાં શાહરૂખ ખાન નહીં પણ આમીર ખાન હતો. દિગ્દર્શક આશુતોષ ગોવારિકર 'લગાન'ની સફળતા બાદ ફરી એકવાર આમિર ખાન સાથે કામ કરવા માગતા હતા. એટલા માટે આ પ્રોજેક્ટને એક ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો અને પછી ફિલ્મ રૂપે નક્કી કરવામાં આવ્યો. આ ફિલ્મ બોલિવૂડના બે સુપરસ્ટાર ગણાતા વ્યક્તિને ઓફર કરવામાં આવી હતી. આર. માધવને તો આ ફિલ્મનું ઓડિશન પણ આપી દીધુ હતું.
કોનું ઓડિશન એકદમ પર્ફેક્ટ હતુ
આમિર ખાનને વાર્તા પસંદ હોવા છતાં કેટલાક ક્રિએટિવ પ્રોડક્શનને લગતા મુદ્દાઓ અને સમયની અછતને કારણે તેઓ આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યા નહીં. આ પછી આમિર બાદ ફિલ્મના મુખ્ય પાત્ર માટે રીતિક રોશન પાસે સ્ક્રિપ્ટ ગઈ હતી. રીતિકને તો આ ફિલ્મના આરંભથી એન્ડ સુધી બધી જ ખબર હતી. જ્યારે માધવનનું ઓડિશન એટલું પર્ફેક્ટ હતું કે ફિલ્મના લેખક અમિન હજી આજે પણ તેની પ્રશંસા કરે છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાને પોતે જ આશુતોષ ગોવારિકર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પછી 'સ્વદેશ' ફિલ્મમાં શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ. શાહરૂખે ગોવારિકરની આગામી ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે ગોવારિકરનો સંપર્ક કર્યો અને આખરે મોહન ભાર્ગવનું પાત્ર તેમને મળ્યું. એ પછી જે થયું તે હિન્દી સિનેમાના ઇતિહાસનો એક યાદગાર અધ્યાય બની ગયો.
ફિલ્મની આ ખાસિયત હતી
'સ્વદેશ' વર્ષ 2004માં રિલીઝ થયેલી આશુતોષ ગોવારિકરની સોશિયલ ડ્રામા ફિલ્મ હતી. તેમાં શાહરૂખ ખાને NASAમાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિક મોહન ભાર્ગવ ની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ગાયત્રી જોશીએ ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. સ્ટોરીમાં મોહન અમેરિકા જેવી વિકસિત દુનિયામાં સફળ કારકિર્દી ધરાવતો હોય છે, પરંતુ ભારત પરત આવ્યા બાદ તેને ગામડાની વાસ્તવિક સમસ્યાઓ—શિક્ષણ, વીજળી, વિકાસ અને સામાજિક અસમાનતાનો સામનો થાય છે. ફિલ્મની ખાસિયત એ હતી કે, તેમાં દેશભક્તિને માત્ર સૂત્રો સુધી મર્યાદિત રાખવામાં આવી નહોતી, પરંતુ દેશ માટે કંઈક કરવાની જવાબદારી તરીકે રજૂ કરવામાં આવી હતી.
ફિલ્મનું શુટિંગ નાસા સ્પેસ સ્ટેશનમાં થયેલું
‘સ્વદેશ’ની સૌથી મોટી ખાસિયતોમાંની એક તેનું NASA સાથે જોડાયેલું શૂટિંગ હતું. ફિલ્મના કેટલાક શોટ અમેરિકાના Kennedy Space Centerના Launch Pad 39A ખાતે શૂટ કરવામાં આવ્યા હતા. આ કારણે ફિલ્મને વાસ્તવિકતા અને પ્રામાણિકતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિલીઝ સમયે ‘સ્વદેશ’ને ફેન્સ તરફથી ખૂબ પ્રશંસા મળી, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ અપેક્ષા પ્રમાણે સફળ રહી ન હતી. સમય જતાં ફિલ્મની વાર્તા, શાહરૂખ ખાનનું અભિનય પાસુ અને તેનો સોશિયલ મેસેજ દર્શકોમાં વધુ લોકપ્રિય બન્યો. આજે ‘સ્વદેશ’ને શાહરૂખ ખાનની સૌથી યાદગાર ફિલ્મ માનવામાં આવે છે.