બર્લિનઃ એઆઈ દુનિયાને બદલી રહી છે, જેમાં સૌથી પહેલા આઈટી સેક્ટર હોમાયું છે, ત્યારે વૈશ્વિકસ્તરે યુદ્ધના નકારાત્મક માહોલ વચ્ચે હવે ઓટોમોબાઈલ સેક્ટરમાં મહામંદીના એંધાણ છે. જર્મનીની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની લગભગ એક લાક જેટલા કર્મચારીઓને છૂટા કરવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.
જર્મનીની દિગ્ગજ કાર કંપની ફોક્સવેગન (Volkswagen) હાલ પોતાના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. આઈટી કંપનીઓમાં ચાલી રહેલી છટણીની સિઝન હવે ઓટોમોબાઈલ કંપનીઓમાં શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે. આઈટી કંપનીઓએ છટણી કરવાનું શરૂ કર્યા બાદ હવે ઓટો ક્ષેત્રની દિગ્ગજ કહેવાતી કંપનીએ લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મેનેજમેન્ટ અને યુનિયનો સાથે લાંબી ચર્ચા બાદ આ દાયકાના અંત સુધીમાં લગભગ 1 લાખ લોકોને નોકરીઓમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વૈશ્વિક અસર જોવા મળી રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં સૌથી મોટી છટણીમાંથી એક માનવામાં આવી રહી છે.
કંપનીની મુશ્કેલીઓ પાછળ અનેક કારણ
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અગાઉ નક્કી કરવામાં આવેલી 50 હજાર નોકરીઓની કપાત ઉપરાંત વધુ 50 હજાર પોસ્ટ પરથી લોકોને છૂટા કરવામાં આવી શકે એમ છે. આ રીતે ફોક્સવેગનના કુલ વૈશ્વિક કર્મચારી વર્ગના આશરે 15 ટકા લોકો પર તેની સીધી અસર પડી શકે છે. ફોક્સવેગનની મુશ્કેલીઓ પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
સૌથી મોટું કારણ છે અમેરિકાના ટેરિફ, ઇલેક્ટ્રિક વાહનોની ધીમી પડતી માંગ અને ચીનની કાર કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધાને માનવામાં આવે છે. ફોક્સવેગન ગ્રુપમાં ફોક્સવેગન ઉપરાંત Audi, Porsche, Škoda, SEAT અને Lamborghini સહિત અનેક જાણીતા બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ તમામ બ્રાંડ એક જ કંપનીની હોવાથી હવે એની સર્વિસમાં અસર ઊભી થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે.
કંપનીનું માનવું છે કે, બદલાતા વૈશ્વિક ઓટો માર્કેટ અને આર્થિક પરિસ્થિતિ વચ્ચે ખર્ચ ઘટાડવો તથા કંપનીનું માળખું વધુ સરળ બનાવવું જરૂરી બની ગયું છે. આ કારણે લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે.
પાછલું વર્ષ યાદ આવ્યું
આ છટણીનો વ્યાપ એટલો મોટો છે કે, તેની સરખામણી 2009ના ઓટો સેક્ટરના સંકટ સાથે પણ થઈ રહી છે. તે સમયે અમેરિકાની જનરલ મોટર્સે દિવાળિયા પ્રક્રિયા બાદ મોટા પાયે નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. ફોક્સવેગનની મુશ્કેલી માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી. જર્મનીમાં આવેલા તેના કેટલાક મુખ્ય પ્લાન્ટ્સના ભવિષ્યને લઈને પણ ચિંતા વધી છે.
ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીના પ્લાન્ટ્સ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીંયાથી મોટી સંખ્યામાં લોકો જતા રહેશે તો કેટલાક ઑપરેશન પર આની સીધી અસર થાય એવી ભીતિ સેવાઈ રહી છે. જો આ પ્લાન્ટ્સમાંથી કોઈ મોટો પ્લાન્ટ બંધ થાય છે, તો તેની અસર માત્ર કંપનીના કર્મચારીઓ પર નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર પર પણ પડી શકે છે. કારણ કે, આનાથી નાની-નાની રેવન્યૂ આવતી એ અટકી શકે એમ છે.
સર્વિસ સેક્ટરમાં અસર
કારના પાર્ટ્સ બનાવતા સપ્લાયર્સ, નાના વ્યવસાયો અને સ્થાનિક રોજગાર પર પણ તેની અસર થવાની શક્યતા છે. 1 લાખ નોકરીઓ ઘટાડવાની ચર્ચા સામે આવ્યા બાદ ફોક્સવેગનના મેનેજમેન્ટ અને યુનિયનો વચ્ચે લાંબી અને તણાવપૂર્ણ વાટાઘાટો થઈ હતી. શરૂઆતમાં યુનિયનોએ નોકરીઓમાં આટલા મોટા ઘટાડાના અહેવાલોનો વિરોધ કર્યો હતો. જોકે, ત્યારબાદ કંપનીના CEO ઓલિવર બ્યુલ્મ તરફથી ફ્યુચર પ્લાન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું. આ પછી 1 લાખ લોકોને આખરે નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિયનોએ પણ ચર્ચા દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓની નોકરી બચાવવાની સાથે જ કંપનીના પ્લાન્ટ્સને સુરક્ષિત રાખવાનો છે. ફોક્સવેગન કારના ગ્રાહકો માટે સૌથી મોટો સવાલ છે. શું કારની સર્વિસ, સ્પેર પાર્ટ્સ અથવા નવી કારની ડિલિવરી પર અસર પડશે?
ગ્રાહકોને શું અસર થશે?
હાલમાં કંપનીનું મુખ્ય ધ્યાન ખર્ચ ઘટાડવા અને પોતાના બિઝનેસને વધુ કાર્યક્ષમ બનાવવા પર છે. આટલી મોટી કર્મચારી કપાત બાદ કેટલાક વિસ્તારોમાં નવી કારની ડિલિવરી, સ્પેર પાર્ટ્સની સપ્લાય અથવા સર્વિસિંગ પ્રક્રિયામાં સમય લાગી શકે છે, પરંતુ તેની સીધી અસર તમામ ગ્રાહકો પર પડશે એવું હાલ કહેવું યોગ્ય નથી.
ફોક્સવેગનનો ઉદ્દેશ્ય પોતાના ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે રીતે કંપનીને વધુ મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. ફોક્સવેગનની સ્થાપના 1937માં જર્મનીમાં થઈ હતી. કંપનીનું નામ જર્મન ભાષાના બે શબ્દો Volks એટલે લોકો અને Wagenએટલે કાર એમ બે શબ્દો દ્વારા બનેલો છે. એટલે તેનો અર્થ થાય છે “લોકોની કાર”