Fri Sep 04 2026

Logo

સુપરસ્ટાર મેસીની 21 વર્ષની કારકિર્દીના 15 સુપરડુપર નંબર અને રોનાલ્ડો સાથેની તુલના

Buenos Aires   2026-09-01 17:39:00
Author: Ajay Motiwala
સુપરસ્ટાર મેસીની 21 વર્ષની કારકિર્દીના 15 સુપરડુપર નંબર અને રોનાલ્ડો સાથેની તુલના

AP


બ્યુનોઝ ઍરીઝ (આર્જેન્ટિના): 39 વર્ષના ફૂટબૉલ સુપરસ્ટાર અને આર્જેન્ટિનાના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીએ સોમવારે 21 વર્ષની આંતરરાષ્ટ્રીય સફર પર પડદો પાડી દીધો એને પગલે તેની શાનદાર કારકિર્દીના રસપ્રદ આંકડા સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં ખાસ કરીને 2022ની સાલની વર્લ્ડ કપ ટ્રોફીનો સમાવેશ છે. મેસી પ્રોફેશનલ ફૂટબૉલ રમતો રહેશે જે એક રીતે તેના કરોડો ચાહકો માટે ગુડ ન્યૂઝ છે.

મેસીના જાદુઈ આંકડા અને રોનાલ્ડો સાથે સરખામણી

(1) લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિના 2022માં કતારમાં ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું. એ ઉપરાંત, આર્જેન્ટિના બે વખત (2014માં અને 2026માં) ફાઇનલમાં પહોંચ્યું હતું. એ બે ફાઇનલમાં આર્જેન્ટિનાનો અનુક્રમે જર્મની અને સ્પેન સામે પરાજય થયો હતો.

(2) મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિના 2021માં તથા 2024માં કૉપા અમેરિકા ટાઇટલ પણ જીત્યું હતું. બીજી તરફ, તેનો કટ્ટર હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલને માત્ર એક મોટી ટ્રોફી (યુરો, 2016) અપાવી હતી.

(3) મેસી કુલ છ વર્લ્ડ કપમાં રમ્યો જે વર્લ્ડ રેકૉર્ડ છે. 2006માં તે પહેલી વખત વર્લ્ડ કપમાં રમ્યો હતો અને ત્યાર પછી તે 2010, 2014, 2018, 2022 અને 2026ની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો.

(4) મેસીએ છ વર્લ્ડ કપમાં કુલ 21 ગોલ કર્યા અને એ રેકૉર્ડ-બુકમાં તે ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે (ત્રણ વર્લ્ડ કપમાં બાવીસ ગોલ) પછી બીજા નંબરે છે.

(5) મેસી 2005માં 18 વર્ષની ઉંમરે પહેલી વખત આર્જેન્ટિના વતી ઇન્ટરનૅશનલ ફૂટબૉલ મૅચ રમ્યો હતો. એ મૅચ હંગેરી સામે રમાઈ હતી. એ મૅચમાં તે માંડ એક મિનિટ માટે મેદાન પર હતો, કારણકે તેણે રમવાનું શરૂ કર્યું ત્યાં તો તેણે હંગેરીના ખેલાડીને કોણી મારતાં રેફરીએ મેસીને રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી બહાર કરી દીધો હતો.

(6) મેસીના નામે કુલ 125 ઇન્ટરનૅશનલ ગોલ છે અને એ આંકડો આર્જેન્ટિનાના બીજા કોઈ પણ ખેલાડી કરતાં બમણો છે. મેસી પછી બીજા નંબરે ગૅબ્રિયેલ બૅટિસ્ટ્યૂટા છે જેણે 1991થી 2002 દરમ્યાન 78 મૅચમાં 54 ગોલ કર્યા હતા.

(7) મેસીએ 125માંથી પચીસ ગોલ પેનલ્ટી સ્પૉટમાંથી કર્યા હતા. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હાઇએસ્ટ 146માંથી 23 ગોલ પેનલ્ટી સ્પૉટમાંથી થયા હતા.

(8) સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનારા ખેલાડીઓમાં મેસી 125 ગોલ સાથે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (146 ગોલ) પછી બીજા નંબરે છે. આ લિસ્ટમાં ભારતનો સુનીલ છેત્રી 95 ગોલ બદલ ચોથા સ્થાને છે. ત્રીજા નંબરે ઇરાનનો અલી દાઈ (108 ગોલ) છે.

(9) મેસીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 60 ગોલ કરવામાં સાથી ખેલાડીને મદદ કરી હતી. તેના આ ગોલ આસિસ્ટ તરીકેના ગોલની રેકૉર્ડ-બુકમાં સામેલ છે.

(10) મેસી 21 વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરમાં કુલ 207 મૅચ રમ્યો અને આ રેકૉર્ડમાં તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (233 મૅચ) પછી બીજા સ્થાને છે.

(11) વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોમાં 34 મૅચ મેસીનો વિશ્વવિક્રમ છે. એમાં તેણે 23 મૅચમાં જીત માણી હતી.

(12) મેસી વર્લ્ડ કપમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. 2026ના વિશ્વકપમાં તે રમ્યો ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને પચીસ દિવસની હતી.

(13) મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં કુલ 11 વખત ગોલની હૅટ-ટ્રિક કરી હતી જેમાંની છેલ્લી હૅટ-ટ્રિક 2026ના વર્લ્ડ કપમાં હતી.

(14) મેસી 2005માં પહેલા વર્ષમાં 18 નંબરનું જર્સી પહેરીને રમ્યો હતો.

(15) મેસી કરીઅર દરમ્યાન મોટા ભાગે 10 નંબરના ટી-શર્ટ સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલના મેદાન પર છવાઈ ગયો હતો.