Tue Sep 29 2026

Logo

જાપાનમાં ઍથ્લીટો માટે જહાજની અને કન્ટેનરની હૉટેલમાં રહેવાની વ્યવસ્થા!

Tokyo   2026-09-02 11:32:09
Author: Ajay Motiwala
જાપાનમાં ઍથ્લીટો માટે જહાજની અને કન્ટેનરની હૉટેલમાં રહેવાની વ્યવસ્થા!

ક્રિકેટરોને પોતાની પસંદગીની હૉટેલમાં રહેવા આયોજકોએ આપી છૂટ


ટોક્યોઃ જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂ થનારી એશિયન ગેમ્સ (Asian Games)માં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક હૉટેલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મોટા રાષ્ટ્રોની ક્રિકેટ ટીમોના મૅનેજમેન્ટે આ હૉટેલના સંબંધમાં કેટલાક મુદ્દા ઉઠાવ્યા એને પગલે જાપાન ક્રિકેટ અસોસિયેશનના સીઇઓ નાઓકી મિયાજીએ મંગળવારે પીટીઆઇને મુલાકાતમાં કહ્યું હતું કે `ટીમોને જે હૉટેલમાં રહેવાની વ્યવસ્થા ઑફર કરવામાં આવી છે એ જો તેમને પસંદ ન હોય તો તેઓ બીજી કોઈ હૉટેલ (Hotel)માં વ્યવસ્થા કરી શકે છે.

નવાઈની વાત એ છે કે અમુક રમતોના ઍથ્લીટો અને ખેલાડીઓ માટે અસોસિયેશન દ્વારા ક્રૂઝ શિપમાં બનાવેલી હૉટેલમાં તેમ જ કન્ટેનર હૉટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા કન્ટેનર પુનઃપ્રક્રિયાવાળા સ્ટીલ અને બીજી સામગ્રીથી બનાવવામાં આવ્યા હોય છે અને એમાંની હૉટેલમાં ત્રણ તારક કે પંચ તારક હૉટેલ જેવી જ સુવિધાઓ હોય છે.

એશિયાડ માટેના ક્રિકેટ રાષ્ટ્રોએ તાજેતરમાં એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ખેલાડીઓ માટેની રહેવાની સુવિધા (હૉટેલ) ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્થળેથી 20 કિલોમીટર દૂર છે.

જાપાને જે પ્રકારના ડ્રેસિંગ-રૂમ બનાવ્યા છે એ સંકુચિત હોવાની ક્રિકેટ-રાષ્ટ્રોની ફરિયાદ છે. જોકે આયોજકોએ કહ્યું છે કે ક્રિકેટરો સ્ટેડિયમની અંદરના કામચલાઉ ડ્રેસિંગ રૂમ ઉપરાંત મેદાનની આસપાસ પણ કેટલાક કાયમી ડ્રેસિંગ-રૂમ છે જેનો તેઓ ઉપયોગ કરી શકશે.