Mon Oct 05 2026

Logo

જાહેર શૌચાલયમાં કારખાનાના કેમિકલને કારણે બેનાં મોત: જમીનમાલિકની ધરપકડ

2026-09-29 17:15:32
Author: Yogesh C. Patel
જાહેર શૌચાલયમાં કારખાનાના કેમિકલને કારણે બેનાં મોત: જમીનમાલિકની ધરપકડ

મુંબઈ: પ્લૅટિંગના કારખાનાના ઝેરી કેમિકલને કારણે પાસેના જાહેર શૌચાલયમાં ગયેલા બે યુવકે જીવ ગુમાવ્યાની રામમંદિર ખાતે બનેલી ઘટનામાં પોલીસે કારખાનાના જમીનમાલિકની ધરપકડ કરી હતી.વનરાઈ પોલીસે પ્રાથમિક તપાસ બાદ નવીન ચાવડાની ધરપકડ કરી હતી. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર રવિવારના મળસકે રામમંદિર પૂર્વમાં પારસી પંચાયત ગેટ નજીકના જાહેર શૌચાલયમાં ભાવિક દેસાઈ (18) અને પ્રભાકર ધિવાર (24)નાં મૃત્યુ થયાં હતાં. ગણપતિ વિસર્જન પછી મંડપ છોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બન્ને જણ શૌચાલયમાં ગયા હતા, જ્યાં શ્ર્વાસ રુંધાવાને કારણે તેમનાં મોત નીપજ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું.

તપાસમાં જણાયું હતું કે શૌચાલય પાસેના પ્લૅટિંગના કારખાનામાંથી ઝેરી કૅમિકલ ગટર લાઈનમાં ગયું હતું, જેને કારણે આ ઘટના બની હતી. રામધની યાદવ નામની વ્યક્તિ કારખાનું ભાડે લઈને ચલાવતો હોવાનું તપાસમાં જણાયું હતું. ઘટના બાદથી યાદવ ગુમ હોવાથી તેની શોધ માટે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી.

આ મામલે વનરાઈ પોલીસે નવીન અને યાદવ સહિત ચાર જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે કેમિકલ એનાલિસીસ માટે કલિનાની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલાવ્યું હતું. તેના રિપાર્ટની પોલીસ રાહ જોઈ રહી છે.