(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થયા પછી સગીરાને મળવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના ગોરેગામના આરે કોલોની પરિસરમાં બની હતી. પછી સગીરાને કથિત બ્લૅકમેઈલ કરી આરોપીના બે મિત્રે પણ કુકર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.આરે પોલીસના જણાવ્યા મુજબ 17 વર્ષની સગીરાની ઓળખાણ 21 વર્ષના કૉલેજ સ્ટુડન્ટ સાથે થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થતાં ગયા મહિને આરોપી સ્ટુડન્ટે સગીરાને આરે કોલોનીના રૉયલ પામ નજીક મળવા બોલાવી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સગીરાને ભાડેની એક રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવ્યા પછી કૉલેજ સ્ટુડન્ટે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી સગીરાને બ્લૅકમેઈલ કરવા લાગ્યો હતો.સગીરાને બ્લૅકમેઈલ કરી આરોપીએ તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. એ જ રીતે બીજા મિત્ર સાથે પણ કુકર્મ માટે દબાણ કરાયું હતું. આરોપીના બન્ને મિત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
સગીરા મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવતી હોવાનું જોઈ તેની માતાને શંકા ગઈ હતી. સગીરાની પૂછપરછ કર્યા પછી માતા તેની કૉલેજમાં તપાસ માટે ગઈ હતી. કૉલેજમાંથી જાણવા મળ્યું હતું કે સગીરા અનેક દિવસ કૉલેજમાં હાજર રહી નહોતી. વિશ્ર્વાસમાં લઈ દીકરીની પૂછપરછ કરતાં તેણે આપવીતી જણાવી હતી. પરિણામે દીકરીને લઈ માતા આરે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સગીરાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 21થી 23 વર્ષના ત્રણ યુવકની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.