ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અચાનક અબુ ધાબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ ઇઝરાયેલી અધિકારીએ આ મુલાકાતની પુષ્ટિ કરી છે. જોકે, આ યાત્રા અંગે નેતન્યાહૂના કાર્યાલય અથવા UAEના વિદેશ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.
નેતન્યાહૂની આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પહેલાની કથિત ચેતવણીને લઈને ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે. ઇઝરાયેલી અખબાર હારેત્ઝના (Haaretz) એક રિપોર્ટ અનુસાર, શેખ મોહમ્મદે હુમલાના લગભગ દોઢ અઠવાડિયા પહેલા નેતન્યાહૂને જણાવ્યું હતું કે હમાસ ઇઝરાયેલ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.
ચેતવણીને લઇને નેતન્યાહૂએ શું કહ્યું?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ચેતવણી ઇઝરાયેલી જાસૂસી એજન્સી કે સેના સુધી નહોતી પહોંચી. જો કે, નેતન્યાહૂએ આ રિપોર્ટને ફગાવી દીધો છે. તેમણે હારેત્જ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે. એટલે કે ચેતવણીને લઇને એક તરફ હારેત્જનો રિપોર્ટ છે તો બીજી તરફ નેતન્યાહૂએ તેમના દાવાને ફગાવ્યો છે. યુએઇએ પણ આ રિપોર્ટ પર કોઇ ટિપ્પણી નથી કરી.
UAEએ શું કહ્યું?
યુએઇએ રિપોર્ટ પર કોઇ સીધી પ્રતિક્રિયા નથી આપી. જો કે, અબૂ ધાબીનું કહેવું છે કે 2020માં ઇઝરાયેલની સાથે રાજકીય સંબંધ સ્થાપિત થયા બાદ બન્ને દેશો વચ્ચે વાતચીત માટે સીધો સંપર્ક સ્થાપિત થયો છે.
નેતન્યાહૂ અને શેખ મોહમ્મદની આની પહેલા પણ યુએઇમાં ખાનગી મુલાકાત થવાના સમાચાર સામે આવ્યા હતા. મે મહિનામાં નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું હતું કે ઇઝરાયેલી પ્રધાનમંત્રીએ યુએઇનો સીક્રેટ પ્રવાસ કર્યો હતો અને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જો કે યુએઇએ તે સમયે શેખ મોહમ્મદની નેતન્યાહૂ સાથે મુલાકાતનો ઇનકાર કર્યો હતો.