Tue Sep 29 2026

Logo

`મારે મદદ માટે યોગીજી કે મોદીજી પાસે જવું કે શું?' મુંબઈ ઇન્ડિયન્સનો ઑલરાઉન્ડર કેમ આવું બોલ્યો?

2026-09-29 17:36:34
Author: Ajay Motiwala
`મારે મદદ માટે યોગીજી કે મોદીજી પાસે જવું કે શું?' મુંબઈ ઇન્ડિયન્સનો ઑલરાઉન્ડર કેમ આવું બોલ્યો?

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સના પેસ બોલિંગ ઑલરાઉન્ડર દીપક ચાહરે ખાસ બનાવડાવેલા ત્રણ બૅટ તેની આગ્રા ક્રિકેટ ઍકેડેમી (Academy)માંથી ચોરાઈ ગયા છે જેને કારણે તે ખૂબ હતાશ તથા ગુસ્સે છે અને એક ઇન્ટરવ્યૂમાં ક્રોધમાં બોલી ગયો કે `મને વિચાર આવ્યો છે કે મારે ચોરીના આ ગંભીર બનાવની ફરિયાદ લઈને (ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન) યોગીજી પાસે જવું કે પછી (વડા પ્રધાન) મોદીજી પાસે પહોંચી જવું કે શું?'

દીપક ચાહર (Deepak Chahar)ના ચોરાઈ ગયેલા ત્રણ બૅટ (Bats)ની કુલ કિંમત દોઢ લાખ રૂપિયા છે. આ ત્રણેય બૅટ તાજેતરમાં આગરાની ચાહર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પરથી ચોરાઈ ગયા હતા. આ ઍકેડેમી ચાહરના પિતા લોકેન્દ્રસિંહ ચાહરે સ્થાપી છે જ્યાં ખુદ દીપક ચાહર પોતે પ્રૅક્ટિસ કરતો હોય છે તેમ જ યુવા વર્ગના ક્રિકેટરોને તાલીમ પણ અપાતી હોય છે. દીપક ચાહર 2026ની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી આઠ મૅચ રમ્યો હતો જેમાં તે માત્ર આઠ વિકેટ લઈ શક્યો હતો.

દીપક ચાહર ભારત વતી રમી ચૂક્યો છે. જોકે ટીમ ઇન્ડિયા વતી તે છેલ્લે 2023માં રમ્યો ત્યાર પછી વિવિધ પ્રકારની ઈજા તેમ જ અધૂરી ફિટનેસની સમસ્યાને કારણે તેને ફરી ટીમમાં નથી આવવા મળ્યું. રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં તે રાજસ્થાન વતી રમ્યો હતો જેમાં ત્રણ મૅચમાં ચાર વિકેટ લઈ શક્યો હતો.

11મી ઑક્ટોબરે નવી રણજી સીઝન શરૂ થશે અને એ માટે પ્રૅક્ટિસ કરવા દીપક ચાહર પોતાની ઍકેડેમીમાં પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેના ત્રણ ફેવરિટ બૅટ ચોરાઈ ગયા હતા. તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ થયેલા વીડિયોમાં દિલની વાતો કરતી વખતે તેમ જ થોડું કટાક્ષમાં કહ્યું છે, `મારા આ ત્રણેય બૅટ બહુ સારા હતા અને મારા માટે બહુમૂલ્ય હતા. આ બૅટ કેટલા બધા મૂલ્યવાન છે (કેટલા કીમતી છે) એની ચોરને ખબર પણ નહીં હોય.

ચોરી કરનાર વ્યક્તિ આ બૅટ યા તો વેચી દેશે અથવા ટેનિસ બૉલથી રમશે. મારી પાસે ત્રણ વિકલ્પ છે...પોલીસમાં જઈને ફરિયાદ કરું અથવા યોગીજી કે મોદીજી પાસે પહોંચી જાઉં અથવા ભગવાનને પ્રાર્થના કરું કે મારા બૅટ મને પાછા મળી જાય. મારા બૅટ લઈ જનારને પૈસાની જરૂર હોય તો હું તેને એ બૅટના બદલામાં પૈસા આપવા પણ તૈયાર છું.'દીપક ચાહર સરીન સ્પોર્ટ્સના એસ. એસ. બૅટ વાપરે છે. એક બૅટની કિંમત અંદાજે 50,000 રૂપિયા છે. સામાન્ય રીતે ઍમેટર ખેલાડીઓ વાપરતા હોય એવા બૅટની તુલનામાં આ બૅટ મોંઘા છે.