Thu Oct 01 2026

Logo

પીએનબી કૌભાંડ: યુએઈથી પ્રત્યર્પણ કરાયેલા નીરવ મોદીના સાગરીત સંદીપ મિસ્ત્રીની ધરપકડ

2026-09-29 18:28:30
Author: Yogesh C. Patel
પીએનબી કૌભાંડ: યુએઈથી પ્રત્યર્પણ કરાયેલા નીરવ મોદીના સાગરીત સંદીપ મિસ્ત્રીની ધરપકડ

મુંબઈ: 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં યુએઈથી પ્રત્યર્પણ કરાયેલા ભાગેડુ બિઝનેસમૅન નીરવ મોદીના સાગરીત સંદીપ મિસ્ત્રીની સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ધરપકડ કરી હતી. સંદીપ મિસ્ત્રીનું સોમવારે પ્રત્યર્પણ કરાયા પછી સીબીઆઈએ મુંબઈમાં મંગળવારે તેની ધરપકડ કરી હતી. તેને વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જોકે સીબીઆઈએ મિસ્ત્રીના રિમાન્ડની માગણી ન કરતાં કોર્ટે તેને છઠ્ઠી ઑક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

સ્પેશિયલ કોર્ટે નવેમ્બર, 2025માં જારી કરેલા બિનજામીનપાત્ર વૉરન્ટને આધારે મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદીની હૉંગકૉંગની કંપની ફેન્સી ક્રિયેશન્સ લિ.નો મિસ્ત્રી ડિરેક્ટર હતો. સીબાઆઈનો આરોપ છે કે મિસ્ત્રીએ મોદી અને અન્ય આરોપીઓ સાથે ફોજદારી કાવતરું ઘડીને પંજાબ નૅશનલ બૅન્ક સાથે આશરે 6,498.20 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

કેન્દ્રીય એજન્સી એવો પણ દાવો કર્યો હતો કે મોદીના ભાઈ નેહલ અને અન્ય આરોપીઓ સાથે મળીને મિસ્ત્રીએ ભારતમાં ગુનો નોંધાયા પછી દુબઈમાં નીરવ સાથે સંકળાયેલી વિવિધ કંપનીના ડમી ડિરેક્ટરો અને કર્મચારીઓને કંપની છોડી જવા ધમકી આપી હતી.

કોઈ પણ ઘડીએ ધરપકડ થઈ શકે છે એવી ધમકી આપીને બળજબરીથી કાઈરોમાં સ્થળાંતર થવા તેમને મજબૂર કરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. એ સિવાય આરોપીએ પુરાવા નષ્ટ કરવા માટે તેમના મોબાઈલ ફોનનો પણ નાશ કર્યો હતો, એવો આરોપ સીબીઆઈનો છે.

નીરવ, તેના મામા મેહુલ ચોક્સી અને અન્યો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) 2018થી મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહી છે. બૅન્ક અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને 13,000 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી હતી અને મુંબઈમાં બ્રેડી હાઉસ સ્થિત પીએનબી શાખામાં બોગસ લેટર્સ ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) પણ જારી કર્યા હતા. (પીટીઆઈ)