ભૂતપૂર્વ મેયરના પતિ હુમલાનું કાવતરું ઘડનારાઓમાં સામેલ: પરિવારનો આક્ષેપ
મુંબઈઃ થાણેમાં શિવસેના (યુબીટી)ના વિભાગ પ્રમુખ પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસે એક જણની ધરપકડ કરી હતી, જ્યારે બીજાને તાબામાં લેવાયો હતો. પુર્ણેકરની હત્યા રાજકીય દુશ્મનાવટને કારણે કરાઇ હોઇ હુમલાનું કાવતરું ઘડનારાઓમાં ભૂતપૂર્વ મેયરના પતિ સામેલ હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે આ હુમલા પાછળનો હેતુ હજી જાણી શકાયો નથી અને અધિકારીઓ રાજકીય તથા અંગત દુશ્મનાવટ સહિતના તમામ સંભવિત પાસાંની તપાસ કરી રહી છે.
થાણેમાં કાપુરબાવડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગણેશનગરમાં પક્ષના કાર્યાલયની બહાર મંગળવારે રાતના નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પોલીસે આ પ્રકરણે પાંચ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનામાં સામેલ તમામ આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા હોઇ એક જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજા શખસને તાબામાં લેવાયો હોઇ તેની પૂછપરછ ચાલી રહી છે. ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીને પકડવા પોલીસની 10 ટીમ તૈયાર કરીને વિવિધ સ્થળે પાઠવાઇ છે.
પક્ષના કાર્યાલયની બહાર મંગળવારે રાતના પ્રદીપ યશવંત પૂર્ણેકર પર માસ્ક પહેરેલા અજાણ્યા શખસોએ ગોળીબાર કર્યો હતો અને બાદમાં તેઓ ફરાર થઇ ગયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા પુર્ણેકરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું, જેને કારણે ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઘટનાના વિરોધમાં બુધવારે કાપુરબાવડી, આઝાદનગર, મનોરમાનગર અને માનપાડા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.
પુર્ણેકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બુધવારે બપોરે એમ્બ્યુલન્સમાં મૃતદેહને થાણે લવાયો હતો. એમ્બ્યુલન્સને ત્યાર બાદ કાપુરબાવડી પોલીસ સ્ટેશને લઇ જવાનો પ્રયાસ કરાતાં પોલીસે તેને રોકી હતી. એમ્બ્યુલન્સને બાદમાં પોલીસ સ્ટેશનના પરિસરમાં લવાઇ હતી અને કાર્યકર્તાઓ તથા અન્યોએ આંદોલન કર્યું હતું, જે સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું.
દરમિયાન પુર્ણેકર પર હુમલાનું કાવતરું ઘડનારાઓમાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદે સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે રાજેન્દ્ર શિંદેના નામનો ઉલ્લેખ કર્યો હોઇ હત્યા અગાઉ આરોપીઓ સાથે મીટિંગ કરતી વખતે પોતેે રાજેન્દ્રનો જોયો હોવાનો દાવો તેણે સોશિયલ મીડિયા પર કર્યો હતો.