Mon Oct 05 2026

Logo

રાજસ્થાનમાં પણ આવેલું છે ‘100 ટાપુનું શહેર’, જ્યાંની સુંદરતા જોઈને ભૂલી જશો રણ!

2026-10-01 16:06:57
Author: Mumbai Samachar Team
રાજસ્થાનમાં પણ આવેલું છે ‘100 ટાપુનું શહેર’, જ્યાંની સુંદરતા જોઈને ભૂલી જશો રણ!

રાજસ્થાનનું નામ સાંભળતા જ સામાન્ય રીતે લોકોના મગજમાં રણ, ઊંટ, ભવ્ય કિલ્લાઓ અને મહેલોનું ચિત્ર આંખો સામે આવે છે. પરંતુ રાજસ્થાનમાં એક એવું શહેર પણ છે, જ્યાં રણની જગ્યાએ હરિયાળી, ઊંચા પહાડો, નદીઓ અને ટાપુઓનું અદભુત સૌંદર્ય જોવા મળે છે. દક્ષિણ રાજસ્થાનમાં આવેલા બાંસવાડાને ‘100 ટાપુના શહેર’ તરીકે ઓળખવામાં આવે છે. માહી નદીમાં આવેલા અનેક નાના-મોટા ટાપુઓને કારણે આ વિસ્તારને અનોખી ઓળખ મળી છે. 

બાંસવાડાનો છે રસપ્રદ ઈતિહાસ

રાજસ્થાન ટુરિઝમના જણાવ્યા અનુસાર, બાંસવાડાનું નામ અહીં એક સમયે મોટા પ્રમાણમાં ઉગતા ‘બાંસ’ના વૃક્ષો પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તાર ભીલ આદિવાસી સમુદાયની સમૃદ્ધ પરંપરા સાથે પણ જોડાયેલો છે. અહીં ભીલ વસ્તી પ્રદેશની કુલ વસ્તીના અડધાથી વધુ છે. ઐતિહાસિક નોંધ અનુસાર, એક સમયે અહીં બાંસિયા નામના ભીલ શાસકનું શાસન હતું અને તેમના નામ પરથી પણ શહેરનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. 

ભૌગોલિક વિવિધતાથી સમૃદ્ધ 

રાજસ્થાનના અન્ય ઘણા વિસ્તારોની સરખામણીમાં બાંસવાડાની ભૂગોળ સાવ અલગ છે. અહીંની ફળદ્રુપ જમીન પર મકાઈ, ઘઉં, ચોખા, કપાસ, સોયાબીન અને ચણા જેવા પાકનું ઉત્પાદન થાય છે. જિલ્લામાં સાગવાનના જંગલો ઉપરાંત કેરી, ખજૂર અને મહુડાના વૃક્ષો પણ જોવા મળે છે. આ હરિયાળો વિસ્તાર રાજસ્થાનની સામાન્ય રણપ્રદેશવાળી છબીથી તદ્દન અલગ અનુભવ કરાવે છે. 

કેમ કહેવાય છે ‘100 ટાપુનું શહેર’? 

બાંસવાડામાં રાજસ્થાનના અન્ય ઘણા વિસ્તારોની તુલનામાં વરસાદ વધુ થાય છે. માહી નદીમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નદી, પહાડીઓ, લીલીછમ વનરાઈ અને શાંત જળાશયો મળીને અહીંનું દૃશ્ય અનોખું બનાવે છે. 

જોવાલાયક સ્થળોની પણ ભરમાર

બાંસવાડાની મુલાકાત દરમિયાન આનંદ સાગર તળાવ, અબ્દુલ્લા પીર, અંદેશ્વર પાર્શ્વનાથજી, રામકુંડ, વિઠ્ઠલ દેવ મંદિર, ડાયલાબ તળાવ, કાગદી પિકઅપ વીયર, માહી ડેમ, પરહેડા, રાજ મંદિર, તલવાડા મંદિર અને ત્રિપુરા સુંદરી જેવા સ્થળો જોઈ શકાય છે. આ ઉપરાંત મદારેશ્વર મંદિર, કલ્પવૃક્ષ, માનગઢ ધામ, સિંગપુરા, જવા ધોધ પણ પ્રવાસીઓને આકર્ષે છે. 

કેવી રીતે પહોંચવું? 

બાંસવાડા પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુરનું મહારાણા પ્રતાપ એરપોર્ટ છે, જે આશરે 185 કિલોમીટર દૂર છે. રેલવે માર્ગે રતલામ રેલવે સ્ટેશન લગભગ 80 કિલોમીટર દૂર છે. દિલ્હી, જયપુર અને ભરતપુરથી બાંસવાડા માટે બસ સેવા પણ ઉપલબ્ધ છે.