Tue Oct 06 2026

Logo

ઇતિહાસનું પુનરાવર્તન: 4 દાયકા બાદ નીરજા ભનોટ જેવી જ શૌર્યગાથા પાઇલટ સ્મિત મચ્છરે દોહરાવી!

2026-10-01 16:02:13
Author: Devayat Khatana
ઇતિહાસનું પુનરાવર્તન: 4 દાયકા બાદ નીરજા ભનોટ જેવી જ શૌર્યગાથા પાઇલટ સ્મિત મચ્છરે દોહરાવી!

નવી દિલ્હી: તારીખો અને વર્ષો ભલે બદલાય જાય પણ અમુક પ્રસંગો ઇતિહાસમાં તેનું સ્થાન અકબંધ જાળવી રાખે છે. આજે ચારેબાજુ એક ઘટનાની ચર્ચા છે અને તે છે ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે દાખવેલ અદમ્ય સાહસની. કેપ્ટન સ્મિત મચ્છરની આ શૌર્યગાથાએ લગભગ ચાર દાયકા પહેલાં નીરજા ભનોટે દાખવેલા સાહસની યાદ તાજી કરાવી દીધી છે. જેણે આતંકીઓની ગોળીઓ વચ્ચે મુસાફરોના પાસપોર્ટ છુપાવીને ઈમરજન્સી એક્ઝિટ તરફ દોર્યા હતા, જો કે આતંકીની ગોળીઓથી તેઓ શહીદ થયા હતા. 

ભારત અને પાકિસ્તાન સરકારે કર્યું હતું સન્માન 

કેપ્ટન સ્મિત મચ્છરની આ શૌર્યગાથાએ લગભગ ચાર દાયકા પહેલાં નીરજા ભનોટે દાખવેલા સાહસની યાદ તાજી કરાવી દીધી છે. 5 સપ્ટેમ્બર 1986ના રોજ કરાચી એરપોર્ટ પર  ફ્લાઈટ 73 હાઈજેક થઈ ત્યારે ફ્લાઈટ પર્સર નીરજા ભનોટે અસાધારણ હિંમત દાખવીને મુસાફરોના પાસપોર્ટ છુપાવ્યા હતા અને ગોળીબાર વચ્ચે મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ તરફ દોર્યા હતા. આતંકીઓની ગોળીનો શિકાર બની શહીદ થનાર નીરજા ભનોટને તેમના સાહસ બદલ ભારત સરકારે મરણોત્તર 'અશોક ચક્ર' અને પાકિસ્તાને 'તમગા-એ-ઈન્સાનિયત'થી સન્માનિત કર્યા હતા.

સમય ભલે બદલાયો હોય, પરંતુ ભારતીયોની પોતાની જાનની બાજી લગાવીને બીજાના જીવ બચાવવાની ભાવના આજે પણ અકબંધ છે. ચાર દાયકા પછી એવિએશન જગતમાં ફરી એકવાર એવી જ ઘટના બની છે જ્યાં એક ભારતીય પાયલટે અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે. મોત સામે દેખાતું હોવા છતાં પોતાની જાત કરતા અન્ય  લોકોની જિંદગી બચાવવાને પ્રાધાન્ય આપનાર કેપ્ટન સ્મિત મચ્છરની આ વાત દરેક ભારતીયના દિલમાં કાયમ માટે ગર્વથી અંકિત થઈ ગઈ છે.

સ્મિત મચ્છરે અદમ્ય સાહસનું ઉદાહરણ પૂરું પાડ્યું

30 સપ્ટેમ્બર 2026ના દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં એક હચમચાવી મુકનાર ઘટના બની, જેમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદમ્ય સાહસનું ઉદાહરણ પૂરું પાડ્યું. આશરે 174  મુસાફરો સાથે ઉડાન ભરી રહેલા આ વિમાનમાં બધું સામાન્ય હતું, પરંતુ અચાનક ઓમાનના નાગરિક એવા કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કર્યો. 
હુમલાખોરે વિમાનની સિસ્ટમ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરતા વિમાન માત્ર બે મિનિટમાં જ 14 હજાર ફૂટથી વધુ નીચે ખાબક્યું હતું. વિમાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

આ ભયાનક પરિસ્થિતિમાં લોહીલુહાણ અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે હાર ન માની. તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના હુમલાખોરનો સામનો કર્યો અને ભારે જહેમત બાદ કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. દરવાજો ખુલતા જ વિમાનમાં હાજર ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોને અંદર પ્રવેશવાનો રસ્તો મળી ગયો. તેમણે ભેગા મળીને હુમલાખોર પર કાબૂ મેળવ્યો અને ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આજે સમગ્ર વિશ્વ ભારતીય પાયલટની આ બહાદુરીને સલામ કરી રહ્યું છે.