Thu Oct 01 2026

Logo

મુંબઈના માળખાકીય પ્રોજેક્ટો પર હવે રહેશે 24 કલાક ચાંપતી નજરઃ MMRDAએ શરૂ કર્યો નવો કંટ્રોલ રૂમ

2026-09-30 19:44:00
Author: Mumbai Samachar Team
મુંબઈના માળખાકીય પ્રોજેક્ટો પર હવે રહેશે 24 કલાક ચાંપતી નજરઃ MMRDAએ શરૂ કર્યો નવો કંટ્રોલ રૂમ

મુંબઈ: મુંબઈ મહાનગર પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય પ્રોજેક્ટોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ 24 કલાક કાર્યરત સુરક્ષા અને પ્રતિસાદ સંકલન કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટ સ્થળોએ બનતી ઘટનાઓ, કટોકટીની પરિસ્થિતિઓ અને નાગરિકોની ફરિયાદો પર સતત નજર રાખવામાં આવશે.  

મુંબઈ મહાનગર પ્રદેશમાં મેટ્રો, દરિયાઈ પુલ, દરિયાઈ માર્ગ, જોડાણ માર્ગ, એલિવેટેડ માર્ગ અને ભૂગર્ભ માર્ગ સહિત અનેક મોટા પ્રોજેક્ટોનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન અકસ્માતો અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ સામે આવતી હોવાથી નવા નિયંત્રણ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રનો મુખ્ય હેતુ સમસ્યા સામે આવતાની સાથે જ સંબંધિત યંત્રણા વચ્ચે સંકલન કરીને ઝડપી કાર્યવાહી કરવાનો છે. 

નવા કેન્દ્રમાં એમએમઆરડીએના અધિકારીઓ ઉપરાંત પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને સલાહકારો વચ્ચે પણ સંકલન સાધવામાં આવશે. બાંધકામ સ્થળે સુરક્ષાની ખામી, રસ્તા પરના અવરોધ, વાહનવ્યવસ્થાની સમસ્યા, રસ્તાને થયેલું નુકસાન, ધૂળ અને અન્ય જાહેર અસુવિધા અંગે નાગરિકો ફરિયાદ નોંધાવી શકશે. મળેલી દરેક ફરિયાદની નોંધ કરીને તેની ગંભીરતા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  

નાગરિકો માટે 1800 22 8801 ટોલ ફ્રી નંબર પર 24 કલાક ફરિયાદ નોંધાવવાની સુવિધા રહેશે. આ ઉપરાંત અન્ય સંપર્ક નંબરો દ્વારા પણ કટોકટીની સ્થિતિમાં માહિતી આપી શકાશે. એમએમઆરડીએના સત્તાવાર સંપર્ક પેજ પર અપાયેલી માહિતી મુજબ 24 કલાકની આ સેવા 1 જૂનથી 15 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે. 

ફરિયાદ મળ્યા બાદ સંબંધિત અધિકારીઓ તેની ચકાસણી કરશે અને જરૂરી કાર્યવાહી માટે પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જીનીયરોને સૂચના આપવામાં આવશે. ફરિયાદોના દૈનિક ધોરણે નિરીક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આથી માત્ર ફરિયાદ નોંધાવવાની નહીં, પરંતુ તેના નિકાલ સુધી તેની દેખરેખ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે 

કંટ્રોલ રૂમમાં મળતી દરેક ફરિયાદની નોંધ કરવામાં આવશે અને ફરિયાદના સ્વરૂપ તથા તેની તાત્કાલિકતાના આધારે તેનું મૂલ્યાંકન કરાશે. ત્યારબાદ ફરિયાદને સંબંધિત પ્રોજેક્ટ અથવા એન્જિનિયરિંગ ટીમ સુધી પહોંચાડીને તેની ચકાસણી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તાત્કાલિક સુરક્ષા સંબંધિત મામલાઓમાં તુરંત હસ્તક્ષેપ કરવામાં આવશે. ફરિયાદ માત્ર સંબંધિત ટીમ સુધી પહોંચાડીને કામગીરી પૂરી માનવામાં નહીં આવે, પરંતુ સમસ્યાના ઉકેલ સુધી તેની સતત દેખરેખ રાખવામાં આવશે.

એમએમઆરડીએ ફરિયાદોની પ્રક્રિયા માટે રિપોર્ટ, મૂલ્યાંકન, ચકાસણી, પ્રતિસાદ, દેખરેખ અને નિરાકરણની વ્યવસ્થા અમલમાં મૂકશે. મળેલી ફરિયાદો, કરવામાં આવેલી કાર્યવાહી અને બાકી રહેલા મુદ્દાઓની દરરોજ સમીક્ષા કરવામાં આવશે. 

આ ઉપરાંત એક વિશેષ પદ્ધતિ દ્વારા વરિષ્ઠ અધિકારીઓને વિવિધ પ્રોજેક્ટોમાં આવેલી ફરિયાદોની સંખ્યા, તેમનું સ્વરૂપ, સ્થિતિ અને વારંવાર ઊભી થતી સમસ્યાઓની એકત્રિત માહિતી મળી શકશે. આ વ્યવસ્થાનો હેતુ વારંવાર ઊભી થતી સુરક્ષા સમસ્યાઓ અને કાર્યવાહી કરવામાં થતા વિલંબને ઓળખીને જવાબદારી નક્કી કરવી તથા જરૂરી સુધારાત્મક અને નિવારક પગલાં લેવાનો છે.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ નવા કેન્દ્રથી પ્રોજેક્ટ સ્થળો પર સુરક્ષાની સ્થિતિ પર વધુ નજીકથી નજર રાખી શકાશે અને કોન્ટ્રાક્ટર તથા સલાહકારો સાથે સંકલન પણ ઝડપી બનશે. ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં સમયસર પ્રતિસાદ આપીને જોખમ ઘટાડવા માટે આ વ્યવસ્થા ઉપયોગી બનશે.