ગુવાહાટીઃ ભારતે અહીં બુધવારે કૅપ્ટન શુભમન ગિલ (223 અણનમ, 133 બૉલ, આઠ છગ્ગા, 26 ચોગ્ગા)ની રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી તેમ જ રોહિત શર્મા (101 રન, 75 બૉલ, છ છગ્ગા, દસ ચોગ્ગા) સાથેની 255 રનની અવિસ્મરણીય ઓપનિંગ ભાગીદારીની મદદથી વેસ્ટ ઇન્ડિઝને બીજી વન-ડેમાં 39 બૉલ તથા આઠ વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું. મૅન ઑફ ધ મૅચ ગિલે વન-ડે કરીઅરની બીજી ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. રોહિત શર્માનો હાઇએસ્ટ 264 રન સહિત કુલ ત્રણ ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ છે. ભારતે 2-0ની સરસાઈથી ટ્રોફી પર કબજો કરી લીધો છે.

ગિલનો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ
શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં 117 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા. આ તેની બીજી ડબલ સેન્ચુરી તેમ જ વિશ્વભરના વન-ડે બૅટ્સમેનોમાં ફાસ્ટેસ્ટ હતી. તેણે ઇશાન કિશન (126 બૉલમાં 200 રન)નો રેકૉર્ડ તોડ્યો છે. ગ્લેન મૅક્સવેલે 128 બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી.

સતત 14મો શ્રેણી-વિજય
ભારતીયો સતત 14મી વન-ડે સિરીઝ કૅરિબિયનો સામે જીત્યા છે. બન્ને દેશ વચ્ચેની એક વન-ડેમાં કુલ 811 રન નવો વિક્રમ છે. કૅરિબિયનોએ સાત વિકેટે 405 રન બનાવ્યા ત્યાર પછી તેમણે ધાર્યું નહીં હોય કે ભારતીયો 406 રન બનાવી જશે. ભારતે 43.3 ઓવરમાં બે વિકેટના ભોગે 406 રન બનાવ્યા હતા. આ જીત પરથી 2006માં ઑસ્ટ્રેલિયાના 4/434 બાદ સાઉથ આફ્રિકાના 9/438ના સ્કોરની યાદ તાજી થઈ ગઈ હતી. ઋતુરાજ ગાયકવાડ 31 રને અણનમ રહ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના છ બોલર ભારતના ટૉપ-ઑર્ડરને કાબૂમાં નહોતા રાખી શક્યા. અલ્ઝારી જોસેફ (0/89) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. છમાંથી પાંચ બોલરની બોલિંગમાં 50થી વધુ રન બન્યા હતા.
એ પહેલાં, શાઈ હોપના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે પોતાના માટે નવો ઇતિહાસ રચ્યો હતો. 1975 અને 1979માં વન-ડેના પહેલા બન્ને વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝે પહેલી જ વખત એક વન-ડેમાં 400 રન બનાવ્યા હતા. કૅરિબિયનોએ ભારતના નબળા પેસ પાવરનો ફાયદો લીધો અને ઢગલો રન ખડકી દીધા. જોકે ભારતે સાટું વાળી લીધું.
કૅરિબિયનોએ બૅટિંગ મળ્યા પછી આક્રમક શરૂઆત કરી હતી અને શરૂઆતમાં 37મા રને પ્રથમ વિકેટ ગુમાવ્યા પછી 110 રનની અને 182 રનની, એમ બે મોટી ભાગીદારીની મદદથી છેવટે 50મી ઓવરને અંતે 7/405નો તોતિંગ સ્કોર બતાવ્યો હતો.
ભારત માટે 406 રન બનાવવાનો તોતિંગ લક્ષ્યાંક હતો. જોકે વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, કે. એલ. રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, નમન ધીર વગેરે બૅટ્સમેનો ભારતને આ ટાર્ગેટ અપાવી શકે એમ હતા જ.
ઓપનર જૉન કૅમ્પબેલ (101 રન, 68 બૉલ, પાંચ છગ્ગા, નવ ચોગ્ગા), કૅપ્ટન શાઈ હોપ (104 રન, 94 બૉલ, ત્રણ છગ્ગા, આઠ ચોગ્ગા) અને આમિર જાંગુ (114 રન, 77 બૉલ, ત્રણ છગ્ગા, તેર ચોગ્ગા)ની સેન્ચુરીને લીધે કૅરિબિયન ટીમ માટે વન-ડે ફૉર્મેટના પંચાવન વર્ષના ઇતિહાસમાં પહેલી વખત 400 રન સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો થયો હતો. જોકે ટીમને 400 રન સુધી પહોંચાડવામાં છેલ્લે રૉસ્ટન ચેઝ (29 અણનમ) અને શમાર જોસેફ (14 અણનમ)ના પણ મહત્ત્વના યોગદાન હતા. ભારત વતી ગુરનૂર બ્રાર, રવીન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવે બે-બે વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી. આ મૅચથી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર પેસ બોલર આકિબ નબીને 84 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
શાઇ હોપની ટીમે પોતાના દેશનો અગાઉનો 389 રનનો વિક્રમ તોડી નાખ્યો હતો. આ પહેલાં કૅરિબિયનોના એક મૅચમાં 389 રન હાઇએસ્ટ હતા જે તેમણે 2019માં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યા હતા. વન-ડેના મોટા દેશોમાં ઇંગ્લૅન્ડના ઑસ્ટ્રેલિયા સામેના 6/481 હાઇએસ્ટ છે.