આઇસીસીના નવા નિયમો આવ્યાઃ બૉલને માત્ર અડીને રનઆઉટ કે સ્ટમ્પ-આઉટ કરાશે તો એ અમ્પાયર આઉટ નહીં આપે
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવાર, પહેલી ઑક્ટોબરથી કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે તથા અમુકમાં ફેરફાર કર્યા છે અને એમાં એક ખાસ નિયમ એ છે કે હવેથી પ્રાયોગિક ધોરણે ડે-ટાઇમની ટેસ્ટમાં પણ પિન્ક બૉલ (PINK BALL) વાપરી શકાશે. અત્યાર સુધી, ડે-નાઇટ ટેસ્ટમાં જ ગુલાબી બૉલ વાપરવાની છૂટ હતી. ઘણી વાર ટેસ્ટમાં દિવસના અંત ભાગમાં નબળા પ્રકાશને કારણે રમત પર અસર થતી હોય છે અને એ દિવસે ઓછી ઓવર રમાતી હોય છે. પરિણામે, ડે-ટેસ્ટમાં પણ ગુલાબી બૉલ વાપરી શકાશે.
સૌરવ ગાંગુલી આઇસીસીની મેન્સ ક્રિકેટ કમિટીનો ચૅરમૅન છે. સામાન્ય રીતે બોલર રન-અપની ટોચ પર પહોંચે અને બૉલ ફેંકવા આવવાનું શરૂ કરે ત્યાં સુધીમાં બૅટ્સમૅન સ્ટાન્સ લઈને બૉલનો સામનો કરવા માટે તૈયાર હોવો જોઈએ. જોકે ક્યારેક બૅટ્સમૅન સમય બગાડતો હોય છે. આવા અને બીજા કોઈ કારણસર જો બૅટ્સમૅન સમય બગાડશે તો અમ્પાયર તેને ચેતવણી આપશે. બૅટ્સમૅન એ જ ઇનિંગ્સમાં બીજી વખત આ રીતે સમય બગાડશે તો અમ્પાયર તેને બીજી ચેતવણી આપશે અને ત્રીજી વખત એવું કરશે તો અમ્પાયર એ બૅટ્સમૅનવાળી ટીમને પાંચ રનની પેનલ્ટી કરશે.
હાલમાં મહિલા વર્ગની જુનિયર ક્રિકેટમાં જેવા લેધર બૉલ વપરાય છે એવા જ બૉલ મહિલાઓની મૅચોમાં વપરાતા હોય છે. જોકે હવેથી નવા બૉલનું વજન પાંચ આૈંસ (142 ગ્રામ)થી ઓછું નહીં હોવું જોઈએ અને 5.25 આૈંસ (149 ગ્રામ)થી વધુ પણ નહીં હોવું જોઈએ. આ સીઝન બૉલનું માપ 8.46 ઇંચ (21.5 સેન્ટિમીટર)થી ઓછું નહીં હોવું જોઈએ અને 8.66 ઇંચ (બાવીસ સેન્ટિમીટર)થી વધુ પણ નહીં હોવું જોઈએ.
આઇસીસીએ એ સ્પષ્ટતા પણ કરી છે કે હવેથી રનઆઉટ કે સ્ટમ્પિંગ કરવા માટે ફીલ્ડર કે વિકેટકીપરનો બૉલ પર સંપૂર્ણ અંકુશ હોવો જરૂરી બનશે. બૉલને માત્ર અડીને બૅટ્સમૅનને રનઆઉટ કે સ્ટમ્પ-આઉટ કરવામાં આવશે તો એ આઉટ નહીં ગણાય.