Sat Oct 03 2026

Logo

બૅટ્સમેનોનું આવી બન્યું સમજો...ક્રિકેટના ઘડવૈયા નવા કાયદા લાવે છે

2026-09-30 19:25:00
Author: Ajay Motiwala
બૅટ્સમેનોનું આવી બન્યું સમજો...ક્રિકેટના ઘડવૈયા નવા કાયદા લાવે છે

નવી દિલ્હીઃ દિલ્હી ક્રિકેટ અસોસિયેશન દ્વારા બુધવારે અહીં આયોજિત `લૉઝ ઑફ ક્રિકેટ-2026 અમ્પાયર્સ વર્કશૉપ' વખતે ક્રિકેટના ઘડવૈયા તરીકે જાણીતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC)ના ચીફ ફ્રેઝર સ્ટુઅર્ટે ફીલ્ડિંગ કરતી ટીમને ફાયદો થઈ શકે એ રીતે કાયદા (LAWS)માં ફેરફાર કરવાનો સંકેત આપતા જણાવ્યું હતું કે `બૅટ અને બૉલ વચ્ચે સંતુલન જળવાય એ ક્રિકેટની રમત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.'

ખાસ કરીને ટી-20ને કારણે ક્રિકેટની રમતનો ઝોક બૅટ્સમેનો તરફ વધી રહ્યો છે. આ સંજોગોમાં એમસીસીની યોજના પર પ્રકાશ પાડતાં સ્ટુઅર્ટે પીટીઆઇને કહ્યું હતું કે `એમસીસી સતતપણે બૅટિંગ-બોલિંગ વચ્ચેની સમતુલા જાળવવા પ્રયત્નશીલ રહે છે. ક્રિકેટની રમતમાં સંતુલન જળવાય એ ખૂબ આવશ્યક છે. 2017ની સાલમાં અમે બૅટનું કદ ઘટાડયું હતું કે જેથી બૉલ વિરુદ્ધ બૅટની તાકાત (બૉલ પર બૅટનું વર્ચસ્વ) મર્યાદામાં રહે.'

સ્ટુઅર્ટે કહ્યું, `2017ની સાલના ફેરફારથી બૅટ-બૉલ વચ્ચે થોડી સમતુલા લાવવામાં મદદ જરૂર મળી છે, પરંતુ હજી પણ બૅટનું પ્રભુત્વ વધુપડતું જણાય છે. બૅટ્સમેનો જો વધુને વધુ મજબૂત બનતા જાય તો એ અમે રોકી ન શકીએ. તેઓ જિમનેશ્યમમાં વર્કઆઉટ કરીને રમવા આવતા હોય છે અને અગાઉના વર્ષોની તુલનામાં અલગ જ પ્રકારની આક્રમક બૅટિંગ કરતા હોય છે.'

પહેલી ઑક્ટોબરથી (ગુરુવારથી) એકથી વધુ દિવસની મૅચો માટે નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે કે જેનાથી બોલિંગ કરનારી ટીમને વધુ ફાયદો થાય. એમસીસીએ કાયદામાં નાના-મોટા કુલ 73 ફેરફાર કર્યા છે. એક નવો ફેરફાર એ કરાયો છે જેમાં મલ્ટિ-ડે મૅચ (ખાસ કરીને ટેસ્ટ મૅચ)માં જો કોઈ દિવસની અંતિમ ઓવરમાં વિકેટ પડે તો નવા બૅટ્સમૅને મેદાન પર ઊતરવું જ પડશે. અગાઉ અંતિમ ઓવરમાં વિકેટ પડતાં એ દિવસની રમત સમેટી લેવામાં આવતી હતી. જોકે હવે એ નિયમમાં ફેરફાર કરાયો છે. એ છેલ્લી ઓવરમાં કોઈ મુખ્ય બૅટ્સમૅનને મોકલવો કે નાઇટ-વૉચમૅનને એ બૅટિંગ સાઇડે નક્કી કરવું જ પડશે.

એમસીસીએ પહેલી જ વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથેના સહકારમાં ક્રિકેટના નિયમોનું વિવિધ ભાષાઓમાં ભાષાંતર કરાવવાનું પહેલી વખત શરૂ કર્યું છે. બુધવારે ઇંગ્લિશ, હિન્દી અને ઉર્દૂ માટે `લૉઝ ઑફ ક્રિકેટ' ઍપ શરૂ કરવામાં આવી હતી અને બીજી ભાષાઓની ઍપ હવે પછી શરૂ કરાશે.