Tue Oct 06 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈ - ચીનના મિઆનયાંગનું પિક્સેલેન્ડ - એક રંગીન રમત

2026-10-03 09:13:00
Author: Hemant Wala
સ્થાપત્યનું વાઈ-ફાઈ - ચીનના મિઆનયાંગનું પિક્સેલેન્ડ - એક રંગીન રમત

હેમંત વાળા

ચીનનું આ મિઆનયાંગ શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે જાણીતું છે અને તેને કારણે આ પ્રકારની રચનાની પ્રેરણા મળી હોવી જોઈએ. સન 2019ના કોરોનાના થોડા સમય પહેલાં જ આ રચનાનું લોકાર્પણ થયું હતું. આ એક વ્યસ્ત જીવન વચ્ચે હળવાશની અનુભૂતિ માટે આવાસ સમૂહની વચમાં આવેલું રચાયેલું જાહેર સ્થાન છે, જેમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની એક ચોક્કસ બાબત પ્રખરતાથી પ્રસ્તુત કરાઈ છે અને તે પણ રંગના માધ્યમથી.

નવું કરવાની ચાહ, અલગ કરવાની ચાહ, જે તે માન્યતાને દૃઢતાપૂર્વક સ્થાપિત કરવાની ચાહ, ઇતિહાસમાં નામ અંકિત કરી દેવાની ચાહ અને આ બધાં માટે, વધુ સારી રચનાની સંભાવના ન હોય ત્યારે અતિશય ભિન્નતા દ્વારા ઊભરી ઊઠવાની ચાહ ક્યારેક પ્રશ્નો ઊભાં કરી શકે. લાગે છે કે અહીં અતિશયોક્તિ થઈ છે. અમુક સમય સુધી અમુક માત્રામાં અમુક પ્રકારના રંગ સાથે સંવાદ સ્થાપી શકાય, જ્યારે આ માત્રા અપ્રમાણસરની થઈ જાય ત્યારે પ્રશ્નો ઊભાં થઈ શકે. અહીં પણ કયો રંગ છે તે મહત્ત્વનું બની રહે. આ પ્રકારનાં જાહેર સ્થાને જો અમુક ભડકાદાર રંગોનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થયો હોય તો તે પ્રકારની રચનાની ભાવનાત્મક સ્વીકૃતિ બહુ મર્યાદિત સમય માટે હોય. પાણીપૂરી જેવો ચટપટો સ્વાદ ક્યારેક સારો લાગે, અમુક સમય સુધી સારો લાગે, અમુક માત્રામાં સારો લાગે. જો જીવન પાણીપૂરી પર જ આધારિત રહેવાનું હોય તો તે ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. ચીનના મિઆનયાંગ પ્રાંતની આ પિક્સેલેન્ડ નામની રચના કંઈક અંશે પાણીપુરી જેવી છે અને તે પણ `જલદ'. આ રચનાનું નામ તેની પાછળનાં `પિક્સલેટ'ની મૂળભૂત રચનાને આધારિત હોવાથી તેનું નામ પિક્સેલેન્ડ રાખવામાં આવ્યું છે.

પિક્સેલેટ એ ડિજિટલ છબી અથવા વીડિયોને અલગ-અલગ રંગીન ચોરસમાં વિભાજિત કરી, તેને દર્શાવવાની એક ઇલેક્ટ્રોનિક વૈજ્ઞાનિક શૈલી છે. અહીં સમગ્ર ક્ષેત્રને ગ્રીડ ગોઠવણી પ્રમાણેનાં નાના નાના ચોરસમાં વિભાજિત કરી, દરેક ચોરસને રંગ દ્વારા એક ચોક્કસ ઓળખ આપવામાં આવે છે. આ બધાં જ ચોરસ એક સાથે એક છબી પ્રસ્તુત કરે. ચોરસનું માપ જેમ નાનું તેમ છબીમાં સ્પષ્ટતા વધુ. એક સમય હતો જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ છબીને જ્યારે પ્રિન્ટ કરવામાં આવતી ત્યારે તે જુદાં જુદાં માપના કાળા ટપકાથી નિર્ધારિત થતી. પિક્સેલેટમાં ગોળાકાર ટપકાંનાં સ્થાને ચોરસનો ઉપયોગ થાય છે. આ એક વૈજ્ઞાનિક જરૂરિયાત છે, સામાજિક નહીં. આ એક તકનીકી જરૂૂરિયાત છે, ભાવાત્મક નહીં. આ એક ઇજનેરી વાસ્તવિકતાને કારણે સ્થાપિત થયેલી બાબત છે, તેને સ્થાપત્ય લક્ષી માનવીય સંવેદના સાથે કોઈ મતલબ નથી. આવી બાબતને જ્યારે સ્થાપત્યમાં સમાવવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. સમાજ તકનીકી બાબતોને એક રીતે જુએ છે અને કળાને ભિન્ન રીતે. આ વાસ્તવિકતા સમજવી પડે. છતાં પણ જો તકનીકી બાબતોને સ્થાપત્યમાં અમુક પ્રકારનું પ્રાધાન્ય આપવું જ હોય તો તેની માત્રા નિયંત્રિત હોવી જોઈએ. કાં તો આકાર સાથે થોડી બાંધછોડ જરૂરી બને કાં તો રંગને સૌમ્ય બનાવી શકાય કાં તો સમગ્ર ગોઠવણમાં ક્યાંક મુક્તતા ઉમેરી શકાય. અન્ય પણ સંભાવના હોઈ શકે. પરંતુ જ્યારે આવું કશું જ ન થાય ત્યારે તે રચના ક્યાંક `માથામાં વાગે', અમુક સમય પછી તો વાગે જ.

આવાસ સમૂહ વચ્ચેની જગ્યાને રસપ્રદ બનાવવા માટેનો આ પ્રયત્ન છે. અહીં પ્રાપ્ત, કંઈક અંશે ઊંચીનીચી જગ્યાને ચારેબાજુથી કાપીકૂપીને વચ્ચે 5.00 × 5.00 મીટરની ચોરસ ગ્રીડ ઊભી કરાઇ છે. આ માપની પસંદગી પાછળ એક માત્ર કારણ હોઈ શકે અને તે છે તેમાં રહેલી ઉપયોગિતાની સંભાવના. આ રીતે નિર્ધારિત થયેલ દરેક ચોરસની પોતાની ઓળખ છે, પોતાની ઉપયોગિતા છે, પોતાનો રંગ છે, પોતાની આઇડેન્ટિટી - પોતાનું સ્પષ્ટ અસ્તિત્વ છે. એક રીતે જોતાં આમાં દરેક ચોરસ એક વિશેષ કામ કરે છે, જુદું જુદું કામ કરે છે. દરેક ચોરસ સાથે એક ખાસ ઉપયોગિતા સંકળાયેલી છે. વળી, પ્રત્યેક ચોરસનો સમગ્રતાની અનુભૂતિમાં પોતાનો ફાળો છે તે છતાં પણ દરેક ચોરસ પોતાની આગવી અને સ્વતંત્ર ઓળખ જાળવી રાખે છે. એક ચોરસ બીજા ચોરસનાં ક્ષેત્રથી સાવ અલગ રહે છે. આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા તો ચોક્કસ પ્રકારની ઉપયોગિતાની જરૂરિયાત મુજબ અથવા તો લેન્ડસ્કેપના પ્રકારની પસંદગી મુજબ ક્યાંક ચોરસનું માપ નાનું પણ કરાયું છે. પણ આ પ્રકારનો નિર્ણય મુખ્યત્વે ચારે બાજુની ધાર સુધી જ સીમિત રખાયો છે. ચોરસની આ પ્રમાણેની વિવિધતાને કારણે જ્યારે અહીં કોઈ લેઝર કાર્યક્રમ ગોઠવવામાં આવે ત્યારે લેન્ડસ્કેપ સાથે સાથે હાર્ડસ્કેપનો અનુભવ પણ રસપ્રદ બની શકે.

`100 સ્થપતિઓ'ના નામથી ઓળખાતી સંસ્થા દ્વારા આ રચના નિર્ધારિત થઈ છે. અહીં આરામથી બેસવા માટે, દોડવા કૂદવા માટે, ચડ-ઊતર કરવાં માટે, થોડો આરામ કરવા શરીર લાંબું કરી શકાય તે માટે, બાળકોને રસપ્રદ પડે તેવી રમત રમવા માટે, સાથે લઈને આવેલ ચા-નાસ્તો કરવા માટે, અનૌપચારિક વાતચીત માટે, કે આવી કોઈપણ પ્રકારની સમય પસાર કરવાની પ્રવૃત્તિ માટે સગવડતા રહેલી છે. આ સાથે એક નાનકડું એમ્ફી-થિયેટર પણ છે. આજના સંદર્ભમાં કહીએ તો અહીં સેલ્ફી લેવાં માટે અનેક સંભાવના છે. આમ તો આ સમગ્ર રચના બાળક લક્ષી છે પરંતુ અન્ય વયના લોકો પણ તેમાં સંમિલિત થઇ શકે છે.

એક ધારણા પ્રમાણે અહીં ઉપયોગકર્તાને રંગ દ્વારા ઉત્તેજિત કરવાનો પ્રયત્ન થયો છે, તેને બદલે કદાચ પ્રોત્સાહિત કરવાની જરૂર હતી. અહીં દરેક પ્રવૃત્તિને ઓળખ મળે છે પણ દરેક પ્રવૃત્તિ અલાયદી રહે છે જેને કારણે આવાં સ્થાને જે માનવ-માનવ વચ્ચેનું સમીકરણ દ્રઢ થવું જોઈએ તેની સંભાવના ઘટી જાય છે. પ્રારંભિક નજરે પરિસ્થિતિ સુંદર લાગે, પરંતુ ત્યાં નજર લાંબા સમય સુધી ટકી નથી શકતી. પહેલી નજરે પરિસ્થિતિ રમતિયાળ પણ લાગે પરંતુ ભૌમિતિક ગોઠવણની દૃઢતાને કારણે, ચોરસ આકારની દૃશ્ય મજબૂતાઇને કારણે, રમતયાળપણું થોડા સમયમાં જ નાટકીય રીતે ઓછું થઈ જાય છે. ઉપયોગિતામાં વિવિધતા છે પણ આ વિવિધતા સાથે રંગનો તાલમેલ દેખાતો નથી. અહીં જાહેર જગ્યાની રચના માટે આ એક વિશેષ પ્રકારની `વિભાવના' છે પરંતુ તેમાં લોકોની કેટલીક સંવેદનાઓ નજરઅંદાજ થઈ હોય તેમ જણાય છે. ક્યારેક એમ લાગે છે કે જ્યારે આબોહવા વિપરીત હોય ત્યારે આ સ્થાનની ઉપયોગિતા લગભગ શૂન્યવત થઈ જાય.

નવા વિચારની આવશ્યકતા છે, પરંતુ માત્ર નવું કરવા માટે કશું પણ કરવું તે પ્રકારની ઘેલછા ઇચ્છનીય નથી. ક્ષિતિજો વિસ્તરવી જોઈએ, પરંતુ તેનો વિસ્તાર અનિચ્છનીય દિશા તરફનો ન હોવો જોઈએ. ફ્રેશનેસ જરૂરી છે, પણ તેનો અર્થ એ નહીં કે ફળ પાકે તે પહેલાં તેનો ઉપયોગ કરી લેવાનો. રંગીન પિક્સેલેટની વિભાવના સારી છે પરંતુ ક્યાંક મર્યાદા ઓળંગાઈ ગઈ છે. વિચાર પરિપક્વ થાય તે પહેલા ક્યાંક તેનો ઉપયોગ થઈ ગયો હોય તેમ જણાય છે. સ્થાપત્યમાં વિવેક અને સંયમની આવશ્યકતા હવે વધુને વધુ જરૂરી બનતી જાય છે.