દેવલ શાસ્ત્રી
ફિલ્મ `ક્લિયોપેટ્રા' (એલિઝાબેથ ટેલર) : વિખ્યાત પરફ્યુમ સ્નાન
ક્યારેક કોઈ સુગંધ આપણને એવી જગ્યાએ લઈ જાય છે, જ્યાં આપણે વર્ષોથી ગયા નથી. વર્ષો પહેલાંના ઘરની ગંધ, વરસાદ પછીની માટી, કોઈના વાળમાં લગાડેલું તેલ, હૉસ્પિટલના કોરિડોરની ઓળખીતી વાસ, ગરમ રોટલી, ચંદન, અગરબત્તી કે કોઈ જૂના પરફ્યુમ એક ક્ષણ માટે વર્તમાનમાં હોવા છતાં ભૂતકાળમાં પહોંચી જઈએ છીએ. કોઈ માણસનું નામ યાદ ન આવે, એની સાથે થયેલી વાત યાદ ન આવે, પણ એની સુગંધ યાદ રહી જાય. અજબ વાત એ છે કે હવાની જેમ સુગંધ દેખાતી નથી, હાથમાં પકડી શકાતી નથી, છતાં એ આપણા જીવનની કેટલીક યાદોને જકડી રાખે છે.
માણસે હજારો વર્ષ પહેલાંથી સુગંધને માત્ર સુગંધ રહેવા દીધી નથી. એને સાચવવાનો પ્રયત્ન કર્યો, શરીર પર લગાવી, ઘરમાં ફેલાવી, દેવતાઓને અર્પણ કરી, પ્રેમમાં વાપરી અને રાજદરબારોમાં વૈભવનું પ્રતીક બનાવી.
મેસોપોટેમિયામાં ઈસાપૂર્વે આશરે 1200ની એક નોંધમાં તપ્પુતી નામની સુગંધ બનાવનાર સ્ત્રીનો ઉલ્લેખ મળે છે. પ્રાચીન ઇજિપ્તમાં સુગંધિત તેલ અને રેઝિન ધાર્મિક વિધિઓ અને શરીરની સંભાળનો ભાગ હતાં. ગ્રીક અને રોમન દુનિયામાં પણ સુગંધિત તેલ અને ફૂલોનો ઉપયોગ શરીર, સ્નાન અને સામાજિક જીવનમાં થતો હતો. એટલે સુગંધનો ઇતિહાસ ખરેખર માણસની એવી ઇચ્છાનો ઇતિહાસ છે કે જે વસ્તુ ક્ષણભંગુર છે એને થોડું વધારે સમય માટે પોતાની પાસે રાખી શકાય.
માણસને કદાચ શરૂઆતથી જ ખબર હતી કે ફૂલની સુગંધ થોડા કલાકમાં ઊડી જશે, વરસાદની માટીની વાસ થોડા સમય પછી ગાયબ થઈ જશે, કોઈ પ્રિય વ્યક્તિની પોતાની સુગંધ પણ હંમેશાં સાથે નહીં રહે એટલે તેણે સુગંધને પકડી રાખવાના રસ્તા શોધ્યા. ફૂલમાંથી તેલ કાઢ્યું, લાકડાં અને રેઝિન સળગાવ્યાં, સુગંધિત પદાર્થોને તેલમાં ભેળવ્યાં અને ધીમે ધીમે એવી કળા ઊભી કરી, જેમાં સુગંધ માત્ર ક્ષણનો અનુભવ ન રહી પણ એને સાથે લઈ જઈ શકાય.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુગંધ માત્ર શણગાર નહોતી. એ અર્થતંત્ર અને વેપારનો ભાગ હતી. આપણે ઘણી વખત અત્તર અને પરફ્યુમને એક જ માનીએ છીએ, પરંતુ બંને અલગ છે. પરંપરાગત અત્તર અથવા ઇત્તરમાં ફૂલ, જડીબુટ્ટી કે અન્ય સુગંધિત સામગ્રીમાંથી વરાળ દ્વારા સુગંધ કાઢીને તેને સામાન્ય રીતે ચંદનના તેલમાં ઉતારવામાં આવે છે.
ક્નનૌજની દેગ-ભાપકા પદ્ધતિ એની જ પરંપરા છે. ક્નનૌજમાં તો માણસે જાણે વરસાદને પણ યાદ રાખવાનો રસ્તો શોધી કાઢ્યો છે. મિટ્ટી અત્તરમાં પહેલી વરસાદી બુંદ પડે ત્યારે સૂકી માટીમાંથી નીકળતી સુગંધને પકડવાનો પ્રયાસ થાય છે. વરસાદને બોટલમાં ભરી શકાય નહીં, પણ વરસાદ આવે ત્યારે માટી જે કહે છે એને કેદ કરી શકાય છે. અહીં આવીને સુગંધનો ઇતિહાસ અચાનક ખૂબ વ્યક્તિગત બની જાય છે. કારણ કે માણસને સુગંધ સાચવવી શા માટે ગમે છે? કદાચ એને અંદરથી ખબર છે કે કેટલીક વસ્તુઓને આપણે રાખી શકતા નથી, માત્ર એમની નિશાની રાખી શકીએ છીએ.
કાલિદાસની દુનિયામાં ચંદન, ફૂલ, સુગંધિત પવન અને ઋતુઓ માત્ર કુદરતનું વર્ણન નથી. એ માણસના શરીર અને મન સાથે જોડાય છે. ઋતુસંહારમાં ઋતુ સાથે ફૂલ, ચંદન અને સુગંધ પ્રેમ અને કામનાની દુનિયા ઊભી કરે છે. મેઘદૂતમાં પણ સુગંધિત પવન અને ફૂલો માત્ર દૃશ્યને સુંદર બનાવતા નથી; એ વિરહમાં રહેલા માણસના અનુભવનો ભાગ બની જાય છે. કાલિદાસ જાણે છે કે પ્રેમમાં માણસને પ્રિય વ્યક્તિની હાજરી જેટલી જ એની આસપાસ હવા, ફૂલ, ચંદન, વરસાદ જેવી વસ્તુઓ પણ યાદ રહે છે.
માણસે હજારો વર્ષ સુધી સુગંધને સાચવવાની કળા વિકસાવી. ફ્રેન્ચ લેખક માર્સેલ પ્રુસ્તે ચામાં બોળેલી મેડેલિન કેકનો સ્વાદ અને સુગંધ લેતાં જ બાળપણની દુનિયામાં પાછા પહોંચી જવાની વાત લખી. પ્રુસ્તે ન્યૂરો સાયન્સના સાધનો વગર જે અનુભવ લખ્યો હતો, એ જ ઘટના પછી મનોવિજ્ઞાનના અભ્યાસનો વિષય બની.
માણસને લાગે છે કે તે માત્ર ભૂતકાળને યાદ નથી કરી રહ્યો, પરંતુ થોડા સમય માટે ફરી એ જ દુનિયામાં પહોંચી ગયો છે. કોઈ ચોક્કસ પરફ્યુમ આવે અને વર્ષો પહેલાંનો પ્રેમ યાદ આવે. હૉસ્પિટલની ગંધ આવે અને કોઈ સગાની યાદ આવી જાય. દરિયાની ખારી હવા આવે અને કોઈ જૂની સફર પાછી આવી જાય.
આપણે ગમતાને માત્ર આંખોથી ઓળખતા નથી. એની આસપાસની હવા પણ ઓળખીએ છીએ. એના કપડાની, વાળની, પરફ્યુમની કે માત્ર એની પોતાની શરીરની સુગંધ પણ આપણા મગજમાં એની સાથે જોડાઈ જાય છે. વર્ષો પછી, કોઈ અજાણી જગ્યાએ, કોઈ અજાણી પળે, હવામાંથી સંકેત મળે, થાય છે કે સમય પસાર થયો નથી હજુ આપણી અંદર સુગંધાઈ રહ્યો છે.
ધ ઍન્ડ
કોઈની યાદ સતાવે એ પહેલાં ક્યારેક એની સુગંધ આવી જાય છે.