- મિલન ત્રિવેદી
`મમ્મી.... ટેલરે આપણી સાથે ચિટીંગ કર્યું છે. હજુ ગયા વર્ષે સિવડાવ્યા હતા એવું તો કેવું સિવ્યું કે એક વર્ષમાં કાપડ ચડી ગયું?'
ચક્કર ચડી જાય તેવી વાત છે ને? વાતનો ટાંગા મેળ મળે તો whatsapp કરજો, પરંતુ હું દીકરીની ભાવના સમજી ગયો. ચાલો, કોકના ઘરમાં ડોકિયું કરી અને આખી વાત જાણી મજા કરીએ.
ભલે શ્રદ્ધાનો મહિનો ચાલુ હોય, પરંતુ નવરાત્રિના પડઘમ વાગી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં તો વન-ડે ડાંડિયારાસ ગણપતિના બીજા દિવસથી જ શરૂ થઈ જાય વેલકમ નવરાત્રિના દિવસો, નવરાત્રિ તો વચ્ચે ખરી જ અને નવરાત્રિ પછી પણ બાય બાય નવરાત્રી બીજા પંદર દિવસ ચાલે લોકોને નાચી જ લેવું છે.
લેખની શરૂઆતમાં જઈએ તો વિષયમાં ઊંડાણ નથી, પરંતુ જાડાઈ છુપાયેલી છે.
શ્રાવણ મહિનો આવે એટલે આપણો ગુજરાતી જીવ હરખાઈ જાય. પવિત્રતાનો પવન વાય અને ફરાળની મિજબાની! એક બાજુ સોમવારના ઉપવાસ અને બીજી બાજુ બટાકાની વેફર્સ, રાજગરાના શીરા અને સાબુદાણાની ખીચડીનો એવો અવિરત પ્રવાહ ચાલે કે ઉપવાસ પૂરો થાય ત્યાં સુધીમાં શરીરનો વ્યાસ બે ઈંચ વધી ગયો હોય. હજુ તો ફરાળી ચેવડાની કરચલીઓ પેટમાં શમી ન હોય ત્યાં તો બપ્પા પધારે! `ગણપતિ બાપ્પા મોરિયા'ના નારા સાથે મોદક અને લાડુની જે `પ્રસાદી' આપણી થાળીમાં પધારે, એને ના પાડવી એટલે સાક્ષાત દેવનું અપમાન ગણાય એટલે ભક્તિભાવપૂર્વક ચાર-પાંચ લાડુ દાબી દેવાના.
ત્યાં તો પાછળ પાછળ પિતૃપક્ષ આવે! પિતૃઓને તૃપ્ત કરવાના બહાને આપણે પિતૃકૃપા સમજીને દૂધપાકના વાટકા ને વાટકા ઝાપટી જઈએ. શ્રાવણનો ફરાળ, ગણેશ ઉત્સવના લાડુ અને શ્રાદ્ધનો દૂધપાક આ ત્રિવેણી સંગમ છે.
ખરી આફત ત્યારે આવે જ્યારે ગરબા રમવા માટે કબાટમાંથી ગયા વર્ષની ચણિયાચોળી બહાર નીકળે!
કાલે સાંજે અમારા પાડોશના ઘરમાં આવો જ એક ઐતિહાસિક અને રોમાંચક પ્રસંગ બન્યો. મિસીસ રમેશચંદ્ર અને એમની સુપુત્રી પિંકી વચ્ચે જે સંગ્રામ ખેલાયો, એ કોઈ યુદ્ધથી કમ નહોતો.
કબાટમાંથી ગુલાબી રંગની ઝગમગતી ચણિયાચોળી બહાર કાઢીને પિંકીએ પોતાના શરીર પર માપવા પ્રયત્ન કર્યો. પણ અરે આ શું! બટન અને ગાજ વચ્ચે ચાર ઈંચનું `ભૌગોલિક અંતર' સર્જાઈ ગયું હતું! પૃથ્વીના ગોળાનો વિસ્તાર થયો હોય તેવો આંચકો લાગ્યો.
`મમ્મીઓઓઓ...!' પિંકીએ ઘર માથે લીધું.
`આ ટેલરનો વાંક છે કે ધોબીએ ગયા વર્ષે મારી ચણિયાચોળી ધોવામાં નાખીને સંકોચી નાખી છે? મને આ ચોળી કેમ બરાબર નથી આવતી?'
મમ્મી (જે પોતે પોતાની ચણિયાચોળીનો દોરો કમર પર બાંધવા માટે શ્વાસ રોકીને ઊભી હતી) એ તીખો કટાક્ષ કર્યો,
`ધોબી એ નથી સંકોચી બેટા, તારા શ્રાવણ મહિનાના બટાકાની વેફર્સે આ કારનામો કર્યો છે! મેં તને રોજ ના પાડી હતી કે શ્રાવણમાં `ફરાળી પેટીસ' પ્રસાદી સમજીને ખા, ચાર-ચાર ન ઝાપટ! અને એ પણ કોઈ જોઈ ન જાય તે માટે તેને ચીઝથી ઢાંકી દેવાની અને પછી આરોગવાની... પણ તારે તો ફરાળના નામે ફેસ્ટિવલ ઉજવવો હતો!'
`ઓહ મમ્મી! ફરાળ તો પવિત્ર કહેવાય, એનાથી થોડું વજન વધે?' પિંકીએ માસુમિયતથી મોઢું બગાડ્યું.
`હા, પવિત્ર જ કહેવાય ને!' મમ્મીએ પોતાની ચણિયાચોળીનો કમરપટ્ટો ખેંચતા ખેંચતા કહ્યું, `અને ગણેશ ઉત્સવમાં જે રોજ ત્રણ-ત્રણ મોદક પેટમાં પધરાવ્યા એનું શું? બપ્પા તો વિઘ્નહર્તા છે, પણ તું જ તારી કમર માટે વિઘ્ન ઊભું કરી બેઠી!'
`તમે પણ ક્યાં ઓછું ખાધું છે, મમ્મી?' પિંકીએ સામો ઘા કર્યો, `શ્રાદ્ધમાં પપ્પા કહેતા હતા કે એક જ વાટકો દૂધપાક લેવો, તોય તમે `પિતૃઓ રાજી થશે' કહીને બે મોટા વાટકા દૂધપાક અને ઉપરથી ગરમાગરમ પૂરીઓ ઝાપટી ગયા હતા! હવે તમે અરીસામાં જુઓ. કાલે પપ્પા તારી પાછળ ઊભા હતા ઓહ... માય ગોડ મને દેખાયા જ નહીં.'
મમ્મી ક્ષણવાર માટે થથરી ગઈ, પણ અનુભવી માતા હતી એટલે તરત જ પાસો ફેંક્યો, `એ તો પિતૃઓના આશીર્વાદ કહેવાય! અને વડીલોનો અનાદર ન કરાય. પણ તાં તો જો.'
પિંકીએ ચોળી ખેંચીને ઝિપ ચડાવવાનો આખરી પ્રયાસ કર્યો. એણે પેટ અંદર ખેંચ્યું, શ્વાસ રોક્યો, આંખો બંધ કરી અને મમ્મીએ પાછળથી પૂરી તાકાતથી ઝિપ ઉપર ખેંચી. કટ્ટાકકક! એવો અવાજ આવ્યો.
`ગઈ! મમ્મી આ ઝિપ તૂટી ગઈ કે માં હાડકું ભાંગ્યું?' પિંકીએ ચીસ પાડી.
`ઝિપ તૂટી ગઈ!' મમ્મીએ નિશ્વાસ નાખ્યો, "હવે આ ચોળી નહીં, તારા શ્રાવણ-ભાદરવાના જીભના જલસાનું પરિણામ બહાર આવી ગયું છે!'
આવી અદ્લાદ્લ સ્થિતિ આજે ગુજરાતના ઘરેઘરમાં છે. શ્રાવણનો ફરાળ, ગણપતિના લાડુ અને શ્રાદ્ધનો દૂધપાક એ ત્રણેય મળીને આપણા શરીર પર એવો `ટ્રીપલ તહેવાર ટેક્સ' કે ટ્રમ્પ અંકલ જેવો ટૅરિફ વસૂલે છે કે નવરાત્રિ આવતા સુધીમાં આપણું ફિગર `સ્લિમ'માંથી `ગોળમટોળ' થઈ જાય છે!
પિંકી અને તેની મમ્મી વચ્ચેનો આ સંવાદ આગળ વધ્યો : `હવે શું કરશું, મમ્મી? કાલે તો પહેલું નોરતું છે! હું ગરબે ઘૂમવા શું પહેરીને જઈશ?'
`કાંઈ નહીં,' મમ્મીએ ઠંડકથી સલાહ આપી, `મારા માટે ગયા વર્ષે લીધેલ ચણીયા ચોળી આ વખતે તને થઈ જશે. મારું તો શું છે કે હું એકાદ નવા લઈ લઈશ જે આવતા વર્ષે તને કામ આવે.'
નવરાત્રિના આ દિવસોમાં ખરી કસરત ગરબાના સ્ટેપ્સ શીખીને હિટ થવામાં નથી હોતી, પણ ગયા વર્ષના કપડાંમાં પોતાની જાતને `ફિટ' કરવાની કવાયતમાં હોય છે. કોઈ શ્વાસ રોકીને ચણિયાની નાડી બાંધે છે, તો કોઈ પાછળ સેફ્ટી પિનોનો આખો ડબ્બો ખાલી કરી દે છે. સેફ્ટી પિન પણ બિચારી વિચારતી હશે કે `મારું કામ કપડાં જોડવાનું હતું, આ તો બે કિલો વધારાની ચરબીને દાબવાનું કામ સોંપ્યું છે!'
ગરબાના મેદાનમાં જ્યારે આપણે કોઈને ખૂબ સરસ અને લયબદ્ધ રીતે ધીમે-ધીમે ગરબે ઘૂમતા જોઈએ, ત્યારે એવું ન સમજવું કે એ કોઈ `શાસ્ત્રીય નર્તક' છે. ઘણીવાર એ બિચારાની ચણિયાચોળી એટલી ટાઈટ હોય છે કે એ જો ઝડપથી પગ ઉપાડે તો કાપડ ફાટવાનો પૂરેપૂરો ભય હોય છે! એ આદર અને મર્યાદા કાપડ પ્રત્યેની હોય છે, નર્તન પ્રત્યેની નહીં!
છતાં, આ જ તો આપણા તહેવારોની ખરી મજા છે. પહેલાં પેટ ભરીને શ્રદ્ધા અને કાળજીપૂર્વક પ્રસાદી ઝાપટવાની, પછી એ પ્રસાદીના પરિણામ સ્વરૂપે કપડાં ટાઈટ થાય એટલે થોડી હાસ્ય-મજાક કરવાની અને છેલ્લે `અંબે મા'નું નામ લઈને ગરબે ઘૂમીને બધી કેલરી બળીને ખાખ થઈ જશે એવી આશા રાખવાની!
પિંકીએ પણ છેવટે એક ઉપાય શોધ્યો. એણે મમ્મીને કહ્યું, `મમ્મી, એક કામ કરીએ. આ વર્ષે આપણે `ફ્યુઝન ગરબા' કરશું.'
`એટલે શું?' મમ્મીએ પૂછ્યું.
`એટલે ચણિયાચોળી નહીં, પણ ખુલ્લો કૂરતો અને પ્લાઝો પહેરીને ગરબા રમશું! ન ઝિપ તૂટવાનો ડર, ન શ્વાસ રોકવાની મગજમારી!'
મમ્મીના ચહેરા પર ચમક આવી ગઈ, `વાહ મારી દીકરી! શ્રાવણનો ફરાળ, લાડુ અને દૂધપાક જસ્ટીફાઈ કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ચાલ ત્યારે, ગરબા ગાઈએ પણ પહેલાં... ફ્રિજમાં બાપુજીના શ્રાદ્ધ માટે કરેલ દૂધપાક અડધી તપેલી વધ્યો છે. બે બે વાટકા ઠપકારીએ, કાલે તો વળી તારા મામાને ત્યાં જમવાનું છે. મામી દૂધપાક સારો બનાવે કે ન બનાવે અત્યારે જમાવટ કરી લઈએ!'
મજા આ જ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ `તહેવારોનો પ્રસાદ' વિજેતા બન્યો અને ગયા વર્ષની ચણિયાચોળી કબાટના ખૂણામાં બેસીને આવતા વર્ષના `ડાયેટિગ'ના જૂઠા વચનો સાંભળતી રહી!
વિચારવાયુ:
બાપુજીનુ શ્રાદ્ધ કરો, સારી વાત છે, પરંતુ જીવતા હોય તો થોડા જલસા કરાવજો, તો કાગડાની રાહ નહીં જોવી પડે.