Tue Oct 06 2026

Logo

કથા કોલાજઃ સુપરસ્ટાર ન બની શકી એ કારણે મેં બોલિવૂડ નથી છોડ્યું...

2026-10-01 07:27:00
Author: Kajal Ojha-Vaidya
કથા કોલાજઃ સુપરસ્ટાર ન બની શકી એ કારણે મેં બોલિવૂડ નથી છોડ્યું...

કાજલ ઓઝા-વૈદ્ય


કિમી કાટકર 

નામ: કિમી કાટકર 
સમય: 2026
સ્થળ: ગોવા
ઉંમર: 61 વર્ષ 

(ભાગ: 1)

આજે કોઈ મને જુએ તો માની ન શકે કે હું બિકીની પહેરતી, રેમ્પવૉક કરતી, એક ગ્લૅમરસ અભિનેત્રી રહી ચૂકી છું. નવી પેઢીના જેન ઝી કે જેન આલ્ફાને તો મારું નામ પણ ખબર નહીં હોય. આવી કોઈ અભિનેત્રી ‘હતી’ એની પણ એમને માહિતી નહીં હોય. કદાચ, અમિતાભ બચ્ચન સાથેનું મારું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ એમણે સાંભળ્યું હોય તો એમાં સ્પેનિશ ડ્રેસ પહેરેલી-નાચતી માંજરી છોકરી યાદ હોય એમને! પણ એ સિવાય મારી કોઈ ફિલ્મો કે કોઈ ગીતો એવાં યાદગાર કે અમર નથી રહ્યાં. 


ધારી સફળતા ન મળી કે સુપરસ્ટાર ન બની શકી એ કારણે બોલિવૂડ નથી છોડ્યું મેં. બોલિવૂડ છોડવાનું કારણ તો મારા પતિ, શાંતનુ શિયોરે! એમણે લગ્ન પહેલાં જ મને પૂછ્યું હતું, ફિલ્મો છોડી શકીશ? મેં તરત જ કહેલું, કમાવું ન પડે તો મને ફિલ્મોમાં કોઈ રસ નથી. ને સાચું કહું તો, શાંતનુએ મને કોઈ દિવસ તકલીફ પડવા દીધી નથી. એ એક ફોટોગ્રાફર છે. સામાજિક કાર્યમાં પણ ખૂબ જ રસ ધરાવે છે. એમને તામજામ અને પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ છે. એમણે અનેક મોટા સ્ટાર્સના ફોટો શૂટ કર્યા છે, પરંતુ એમનો પોતાનો ફોટો તમને ભાગ્યે જ ક્યાંય જોવા મળે!
 

ગોવામાં મારા નાનકડા બંગલામાં ગાર્ડનિંગ કરતી વખતે ક્યારેક મારી કોઈ જૂની ફિલ્મનું ગીત સંભળાય તો મને લાગે છે કે હું જાણે પાછલા જનમની કોઈ વાત યાદ કરી રહી છું. બોલિવૂડ છોડ્યાને 34 વર્ષ થઈ ગયાં... મારાં લગ્નને પણ 34 વર્ષ થયાં... એક સુખી, શાંત અને સ્નેહથી સભર 34 વર્ષ! મને મારાં લગ્ન પછી બોલિવુડ છોડી દેવાનો કોઈ અફસોસ નથી! બહુ મિત્રો અને પ્રોડ્યુસર્સે મને કહ્યું હતું, પાંચ વર્ષમાં પાછા આવવાની ઇચ્છા થશે. બોલિવૂડની ગ્લૅમર કોઈ ભૂલી શકતું નથી... ને એ લોકો સાવ ખોટા તો નથી જ, કારણ કે જોરશોરથી બોલિવૂડ છોડવાની જાહેરાત કર્યા પછી પણ અનેક અભિનેત્રીને બોલિવૂડમાં પાછી ફરવા તરફડતી જોઈ છે મેં! પ્રીમિયર, પાર્ટીઝ, પોસ્ટર્સ અને ફૅન્સની ચકાચૌંધ થઈ જતી આંખો, એમ સહેલાઈથી ભુલાતી નથી.
 

શાંતનુની પહેલી પત્ની માલવિકા તિવારી ખૂબ જાણીતી મોડલ હતી, એ પોતાની કરિયર ન છોડી શકી માટે જ શાંતનુ અને માલવિકા વચ્ચે મતભેદ થયા જે અંતે છૂટાછેડામાં પરિણમ્યા. માલવિકા અને શાંતનુનાં લગ્ન થયાં ત્યારે માલવિકા એની કારકિર્દીના ટૉપ પર હતી. ટિપ્સ એન્ડ ટોઝ (નેઇલ પૉલિશ) કૅડબરી, નિવિયા અને મૅન્ગોે ડ્રિન્ક ફ્રૂટી જેવી જાહેરાતોથી માલવિકાની આંતરરાષ્ટ્રીય ઓળખ હતી. એ બંને જણાં નિવિયા ક્રીમની ઍડના શૂટિંગમાં મળ્યાં. પ્રેમ થયો, લગ્ન થયાં... પરંતુ માલવિકાને આગળ કામ કરવું હતું. 


એણે ‘જેમ્સ બોન્ડ’ ફિલ્મમાં એક નાનકડો રોલ કર્યો, દૂરદર્શન જ્યારે પોતાના સુવર્ણકાળમાં હતું ત્યારે કશિશ નામની સિરિયલમાં એ સુપરહિટ રહ્યાં. ઐતિહાસિક સિરિયલ ‘ચાણક્ય’ અને બીજી અનેક સિરિયલોમાં પણ એમણે કામ કર્યું. શાહરુખ ખાનની ફિલ્મ ચમત્કાર, સૌદાગર અને બેચેન જેવી ફિલ્મોમાં એમણે સપોર્ટિંગ ઍક્ટ્રેસનો રોલ કર્યો. એ પોતાનું કામ છોડવા તૈયાર નહોતી જ્યારે શાંતનુ એક ઘરેલુ અને પ્રેમાળ પત્ની ઇચ્છતા હતા... લગ્નનાં બે જ વર્ષમાં એમણે છૂટાછેડા લીધા.
 


શાંતનુનું નામ જાહેરાતની દુનિયામાં ખૂબ આદરથી લેવાતું અને આજે પણ લેવાય છે. 1980 અને 90ના દાયકામાં ગાર્ડન વરેલી સાડીની જાહેરાતો ફૅશનની દુનિયામાં બેન્ચમાર્ક બની ગઈ. સુપર મોડલ મધુ સપ્રે અને ઐશ્ર્વર્યા રાય સાથે કરેલા કલાત્મક અને ગ્લૅમરસ ફોટોશૂટ માટે શાંતનુને સતત ત્રણ વર્ષ એવૉર્ડ મળતો રહ્યો. એ સિવાય ઑન્લી વિમલ (શૂટિંગ અને શર્ટિંગ) માટે એમણે રવિ શાસ્ત્રી, એલેન બોર્ડર અને વિવ રિચાર્ડ સાથે શૂટ કર્યું જેનાથી ટેક્સટાઇલની દુનિયામાં વિમલને બ્રાન્ડ તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખ મળી. એ સિવાય સિન્થૉલ અને બીજી અનેક બ્રાન્ડ્સને નવી ઓળખ આપવામાં શાંતનુની ક્રિએટિવિટી મોખરે રહી છે. 


પોતે જ ફૅશન અને ગ્લૅમરની દુનિયામાં કામ કરતા હોવાને કારણે એ જાણતા હતા કે એ દુનિયા સાથે જોડાયેલાં કેટલાંક દૂષણો કયાં છે... એ ઉપરાંત ગ્લૅમર અને બોલિવૂડની દુનિયામાં સમય ઉપર કોઈનો કંટ્રોલ હોતો નથી. પતિ-પત્ની બંને જો એ જ દુનિયામાં કામ કરતાં હોય તો દિવસો સુધી એકબીજાથી જુદાં રહેવું પડે, અન્ય સાથીકલાકારો કે મોડલ સાથે નિકટતા ઊભી થાય, અફવાઓ ઊડે અને મીડિયાને કારણ વગર ખોરાક મળે... આ બધી નેગેટિવિટીથી દૂર રહેવાનો સરળ રસ્તો એ હતો કે બેમાંથી એક વ્યક્તિ ગ્લેમરની દુનિયા છોડી દે. માલવિકા છોડી શકી નહીં, જ્યારે મારા માટે ગ્લૅમરની દુનિયા ફક્ત કમાવાનો રસ્તો હતો. મને ક્યારેય ગ્લૅમરનું આકર્ષણ હતું જ નહીં. મારે માટે પરિવાર સૌથી અગત્યની બાબત હતી, જે મને મળી નહોતી!
 

મારો ઉછેર મારી મમ્મીએ કર્યો. ટીના મિસ્કિવિટા, 50ના દાયકામાં એના માતા-પિતા સાથે લડી-ઝઘડીને બોલિવૂડની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી હતી. એણે ‘સુજાતા’, ‘અનાડી’, ‘મિલાપ’ જેવી ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ ભજવી, પરંતુ ક્યારેય સ્ટાર બની શકી નહીં! મુખ્ય અભિનેત્રની પાછળ ડાન્સ કરનારી એક્સ્ટ્રા તરીકે એણે બોલિવૂડમાં ઘણાં વર્ષો વીતાવ્યાં. એણે કદી મને કહ્યું નથી, પરંતુ એ વર્ષો દરમિયાન એને એક્સ્પ્લોઇટેશન, અપમાન કે આર્થિક અસલામતીનો સામનો કરવો પડ્યો હશે જેને કારણે એ મારી કારકિર્દી વિશે અત્યંત પ્રોટેક્ટિવ રહી. મારા પિતા બોલિવૂડમાં જુનિયર આર્ટિસ્ટ સપ્લાય કરતા હતા. 


મારી મા અને એમની વચ્ચે ક્યારે પ્રેમ થયો, લગ્ન થયાં કે નહીં એ વિશે કોઈ કશું જાણતું નથી, હું પણ નહીં! હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે મારી માએ પુણેના એક વકીલ ‘કાટકર’ સાથે લગ્ન કર્યાં, જેમણે મને ઑફિશિયલી એડોપ્ટ કરી, જેને કારણે મને એમની અટક મળી. એ લગ્ન મારી માએ તોડી નાખ્યાં, પરંતુ મારા પિતા-જેમણે મને એડોપ્ટ કરી હતી એમણે જીવનભર મારી કાળજી લીધી. 


(નોંધ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જૂના અહેવાલો અને IMDbની વિગતો મુજબ એવું માનવામાં આવે છે કે કિમી કાટકરના પિતા અને 1970ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રીના રૉય (Reena Roy)ના પિતા ‘સાદિક અલી’ બંને સગા ભાઈઓ હતા. સાદિક અલી પણ તે જમાનામાં નાના-મોટા રોલ કરતા અભિનેતા અને પાર્ટ-ટાઇમ જૂનિયર આર્ટિસ્ટ સપ્લાયર હતા. જો આ કનેક્શન સાચું હોય, તો કિમી કાટકર અને રીના રૉય પિતરાઈ બહેનો (Cousins) થાય-એટલે કિમી કાટકરના બાયોલૉજિકલ પિતા મુસ્લિમ હતા?). 


જોકે મારી માએ લગ્ન તોડી નાખ્યાં પછી થોડો વખત માટે કાટકર વકીલે અમને પૈસા મોકલાવ્યા, કદાચ એમને એવી આશા હતી કે મારી મા પાછી પુણે આવીને ઘર સંભાળી લેશે, પરંતુ મારી માથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છૂટતી નહોતી. આટલાં વર્ષો સુધી નિષ્ફળતાના અનેક કડવા ઘૂંટડા પીધા પછી પણ એને મુંબઈ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોહ એટલો જ હતો જેટલો 1955માં પોતાનાં માતા-પિતાને છોડીને આવતી વખતે... મારી માએ કોઈ ફર્નાન્ડિઝ સાથે લગ્ન કર્યાં હતાં, જેને કારણે એની અટક ફર્નાન્ડિઝ લખતી હતી કે પછી એણે જાતે જ મિસ્કિવિટા જેવી અઘરી સરનેમમાંથી પોતાની અટક ફર્નાન્ડિઝ કરી નાખી એ વિશે પણ એણે મને કદી જણાવ્યું નથી... 


મારી માથી મુંબઈ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ન છૂટ્યાં, એટલે મારો પરિવાર છૂટી ગયો! કાટકર વકીલે પૈસા મોકલવાના બંધ કર્યા, પછી મારી મા માટે મને ઉછેરવી એ બહુ મોટો સંઘર્ષ કે આર્થિક ચૅલેન્જ રહી હશે. એણે જાતજાતની નોકરીઓ, બિઝનેસના નાના મોટા અખતરા કર્યા, પરંતુ અમારી આર્થિક હાલત ખૂબ મુશ્કેલ રહી. જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ ટકાવી રાખવા માટે મારી માએ સતત મહેનત કરી, જેનો ફાયદો પછીથી મને મળ્યો. 


16 વર્ષની ઉંમરે જ્યારે હું કૉલેજમાં હતી ત્યારે મને મોડલિંગનું પહેલું અસાઇનમેન્ટ મળ્યું. એક કૉસ્ચ્યુમ ડિઝાઇનરને પોતાના કેટલોગ માટે તસવીરોની જરૂર હતી. મારી મા એ કૉસ્ચ્યુમ ડિઝાઇનર સાથે પાર્ટ ટાઇમ કામ કરતી. એણે મારા ફોટા બતાવ્યા-કૉસ્ચ્યુમ ડિઝાઇનરે મને પસંદ કરી. મારા પહેલા ફોટા કેટલોગમાં છપાયા ત્યારે મારા કૉન્ટ્રાક્ટ ઉપર મારી માએ સહી કરેલી, કારણ કે હું પુખ્તવયની નહોતી.


16 વર્ષની ઉંમરથી શરૂ કરીને 30 વર્ષની ઉંમર સુધી હું મારા પરિવાર માટે કમાતી રહી. મુંબઈમાં પોતાનું ઘર, ગાડી અને મારી મા માટે એટલા પૈસાની બચત કરી જેમાંથી એ પોતાની વૃદ્ધાવસ્થાનું ગુજરાન ચલાવી શકે. મારે માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે મોડલિંગ એ શોખથી પસંદ કરેલો વ્યવસાય નહોતો. એક સમતોલ અને સુરક્ષિત, આર્થિક જીવન જીવવા માટે જે કરવું પડે તેના ભાગરૂપે મારે માટે આ એક નોકરી જ હતી.    

(ક્રમશ:)