Thu Nov 19 2026

Logo

ફેશન પ્લસઃ કાંડા ઘડિયાળ-ચશ્માં-ઇયરબડ્સમાં ક્રાંતિ

2026-10-29 11:58:00
Author: Vivek Kumar
ફેશન પ્લસઃ કાંડા ઘડિયાળ-ચશ્માં-ઇયરબડ્સમાં ક્રાંતિ

વિવેકકુમાર

એક સમય એવો હતો કે ઘડિયાળનો ઉપયોગ માત્ર સમય જોવા માટે કરાતો હતો. ચશ્માંનો ઉપયોગ આંખોની સુરક્ષા માટે અને સ્પષ્ટ જોવા માટે કરાતો હતો. ઇયરફોનનો ઉપયોગ માત્ર સંગીત સાંભળવા જ કરવામાં આવતો હતો. આમ છતાં, હવે ટૅકનોલૉજી ક્ષેત્રે આવેલી ક્રાંતિને લીધે કાંડા-ઘડિયાળ, ચશ્માં, ઇયરબડ્સ જેવી વિવિધ ચીજોનો ઉપયોગ અન્ય કામ માટે પણ વધ્યો છે.

કાંડા-ઘડિયાળનો ઉપયોગ હવે સમય જોવા ઉપરાંત તે પહેરનારી વ્યક્તિ કેટલાં પગલાં ચાલી તેની ગણતરી કરવામાં, કેટલો સમય ઊંઘી તે જાણવા અને ફોન પર આવેલા સંદેશાની સૂચના મેળવવા માટે પણ કરાય છે.

કાનમાં પહેરવા માટેના નાના વાયરલૅસ ઇયરબડ્સ સંગીત સાંભળવા ઉપરાંત કૉલ લેવા અને અન્ય ડિજિટલ સહાય માટે પણ વપરાય છે.

સ્માર્ટ રિંગ કોઇ સ્ક્રીન વિના દરરોજના કામકાજનો ડિજિટલ રેકૉર્ડ રાખી શકે છે.
આ બધી ચીજો હવે સ્ટાઇલ, સુવિધા અને વ્યક્તિગત ઓળખ પણ બની ગઇ છે.

કાંડા-ઘડિયાળમાંની ડિજિટલ ક્રાંતિ:

કાંડા-ઘડિયાળના ઉપયોગમાં મોટા પાયે ટૅક્નિકલ પરિવર્તન આવ્યું છે. એક સમયે કાંડા પર યાંત્રિક ઘડિયાળ પહેરવી સામાજિક સ્ટેટસનું પ્રતીક મનાતું હતું. બાદમાં ક્વાર્ટ્ઝ ઘડિયાળ અને તે પછી સ્માર્ટ વૉચે નવું પરિવર્તન આણ્યું.

કાંડા ઘડિયાળ પર હવે કૉલ જોઇ શકાય છે, સંદેશા વાંચી શકાય છે, સંગીતને નિયંત્રિત કરી શકાય છે અને વ્યક્તિની દરરોજની પ્રવૃત્તિનો રેકૉર્ડ પણ રાખી શકાય છે.

ઇયરબડ્સથી બદલાઇ સાંભળવાની રીત:

થોડા વર્ષ પહેલાં જાહેરમાં હેડફોન અથવા તારવાળા ઇયરફોન પહેરવા સામાન્ય ગણાતા હતા, પરંતુ હવે નાના કદના વાયરલેસ ઇયરબડ્સે તેનું સ્થાન લીધું છે અને તેનો ઉપયોગ પણ વધ્યો છે. હવે તેની મદદથી સંગીત સાંભળવા ઉપરાંત ફોન કૉલ, ઑનલાઇન મિટિંગ, પૉડકાસ્ટ, ઑડિયોબુક અને વાયરલેસ આસિસ્ટન્ટ જેવી સુવિધા પણ મળે છે.

સ્માર્ટ રિંગ:

આંગળીમાં પહેરાતી સ્માર્ટ રિંગ શરીરના હલનચલન, ઊંઘ જેવી વિવિધ શારીરિક વ્યક્તિગત બાબતોનું ખાસ ધ્યાન રાખી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મોટી સ્ક્રીન નથી હોતી. સ્ક્રીન પર વિવિધ માહિતી જોવાથી કંટાળેલા લોકોમાં આ ટૅક્નિક લોકપ્રિય બની રહી છે.