નવી દિલ્હી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે માદક દ્રવ્યો (ડ્રગ્સ)ની દાણચોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ ઓપરેશનમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને ગુજરાત એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)નો પણ સાથ મળ્યો હતો. આ કાર્યવાહી લક્ષદ્વીપના પશ્ચિમમાં અરબ સાગરમાં દરિયાઈ માર્ગે કરવામાં આવી છે.
આ ઓપરેશનમાં આશરે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા નશીલા પદાર્થ હેરોઇન અને મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યા છે. તેની સાથે જ જવાનોએ પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપી લીધા છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું, 'ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સાથે મળીને લક્ષદ્વીપના પશ્ચિમમાં અરબ સાગરમાં દરિયાઈ માર્ગે માદક દ્રવ્યોની દાણચોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.'
મુખ્ય જનસંપર્ક અધિકારીએ વધુમાં જણાવ્યું, 'ચોક્કસ બાતમી મળવા પર, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયા અને આકાશમાંથી સચોટ દેખરેખ રાખી હતી અને 25 સપ્ટેમ્બર 2026ના રોજ ઈરાનની એક શંકાસ્પદ બોટનો સતત પીછો કરીને તેને અટકાવી હતી અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરી કબજો મેળવ્યો હતો.'
In an intelligence-led joint operation with ATS Gujarat, and Central Intelligence Agency, @IndiaCoastGuard units interdicted a suspicious Iranian dhow in the Arabian Sea, west of #Lakshadweep. Positive detection, sustained tracking and a hot pursuit culminated in tactical… pic.twitter.com/p2BthJvndS
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 30, 2026
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે દરિયામાં હાથ ધરાયેલા આ ઓપરેશનમાં આશરે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા માદક દ્રવ્યો (હેરોઇન અને મેથામ્ફેટામાઇન) જપ્ત કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3,000 કરોડ રૂપિયાથી વધુ છે.
આ જપ્તી એવા સમયે થઈ છે જ્યારે સુરક્ષા એજન્સીઓ દરિયાઈ માર્ગે થતી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે પોતાના પ્રયાસો તેજ કરી રહી છે.
પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે માત્ર માદક દ્રવ્યો જ જપ્ત નથી કર્યા, પરંતુ બોટ ચલાવી રહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપી લીધા છે. પકડાયેલી બોટ, તેના ચાલક દળ (ક્રૂ) અને જપ્ત કરાયેલા માદક દ્રવ્યોને ચુસ્ત સશસ્ત્ર સુરક્ષા વચ્ચે મુંબઈ લાવવામાં આવ્યા છે.
આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને સંયુક્ત પૂછપરછ કરશે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, આ જપ્તીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના નાણાકીય નેટવર્કને તોડવામાં અને સિન્થેટિક ડ્રગ્સને દેશ સુધી પહોંચતા અટકાવવામાં મોટી મદદ મળશે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આ ઓપરેશનથી તેની દેખરેખ અને દરિયાઈ વિસ્તારમાં કાર્યવાહી કરવાની ક્ષમતા સાબિત થાય છે. આ સાથે જ ભારતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટેની તેની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટપણે દર્શાય છે.