Tue Oct 06 2026

Logo

એફએસએસએઆઈની કડક કાર્યવાહી: એવરેસ્ટ જીરા પાવડરનું સેમ્પલ ટેસ્ટમાં ફેલ, બજારમાંથી પાછું ખેંચવાનો આદેશ

2026-10-05 17:15:43
Author: Mumbai Samachar Team
એફએસએસએઆઈની કડક કાર્યવાહી: એવરેસ્ટ જીરા પાવડરનું સેમ્પલ ટેસ્ટમાં ફેલ, બજારમાંથી પાછું ખેંચવાનો આદેશ

નવી દિલ્હીઃ ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (એફએસએસએઆઈ)એ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સને 'પ્રી-પેક્ડ જીરું પાવડર'ને બજારમાંથી પાછું ખેંચવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે સેમ્પલ ટેસ્ટમાં તેને ખાવા માટે અસુરક્ષિત ગણાવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સનું લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યું છે.

રવિવારે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એફએસએસઆઈએ જણાવ્યું હતું કે તે દેશભરમાં ગ્રાહકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે કડક નિયમનકારી પાલન લાગુ કરવાનું ચાલુ રાખે છે. 

સ્વચ્છતામાં ગંભીર ખામીઓને કારણે ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડનું એફએસએસએઆઈ  લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." તે સિવાય એફએસએસએઆઈએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પ્રોડક્ટને પરત ખેંચવાનો આદેશ જાહેર કર્યો છે.

એફએસએસએઆઈએ એવરેસ્ટ ફૂડને નિર્દેશ આપ્યો હતો કે ટેસ્ટમાં સેમ્પલ અસુરક્ષિત મળી આવ્યા પછી 'પ્રી-પેક્ડ જીરું પાવડર'ને તરત જ પરત ખેંચવામાં આવે. ગોવામાં રિવરસાઇડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાંથી "પ્રી-પેક્ડ જીરું પાવડર"નું એક નિયમનકારી સેમ્પલ લેવામાં આવ્યું હતું. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં એઝોક્સીસ્ટ્રોબિન અને થિયામેથોક્સમના જેવા જંતુનાશક અવશેષો નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધુ સ્તરે જોવા મળ્યા હતા. 

ફૂડ એનાલિસ્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ સેમ્પલને "અસુરક્ષિત" જાહેર કર્યું હતું. કંપનીને રિપોર્ટ સામે અપીલ કરવાની તક આપવામાં આવી હતી. જેના પગલે નમૂનાને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

"પ્રી-પેક્ડ જીરું પાવડર"ના સંપૂર્ણ બેચને બજારમાંથી તાત્કાલિક પાછા ખેંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એવરેસ્ટ ફૂડને રિકોલ કરાયેલ ઉત્પાદનનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવા અને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.