Tue Oct 06 2026

Logo

જીતુ વાઘાણી મળ્યા મોદીને, કઈ પાઘડી પહેરાવી ? શું કરી ચર્ચા ?

2026-09-30 12:21:00
Author: Mayur Patel
જીતુ વાઘાણી મળ્યા મોદીને, કઈ પાઘડી પહેરાવી ? શું કરી ચર્ચા ?

અમદાવાદઃ  રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત સમયે જીતુ વાઘાણીએ પીએમ મોદીને કાઠિયાવાડી પાઘડી પહેરાવી હતી. ઉપરાંત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

જીતુ વાઘાણીએ પીએમ મોદી સાથે મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, નવી દિલ્હી ખાતે ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના પ્રણેતા અને દેશના માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો. વડાપ્રધાનના સ્નેહ, આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા. તેમની સાથેની આ મુલાકાત મારા માટે અત્યંત ગૌરવપૂર્ણ, યાદગાર અને પ્રેરણાદાયી રહી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jitu Vaghani (@jitu.vaghani)

વાઘાણી કેમ ગયા હતા દિલ્હી

જીતુ વાઘાણી  નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષપદે યોજાયેલી ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન 2026’ માં ભાગ લેવા ગયા હતા.  જેમાં પીએમ મોદીના ‘આત્મનિર્ભર ખેડૂત, સમૃદ્ધ ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગામી રવિ સીઝનની તૈયારીઓ, ઘઉં-ચણા-રાઈ સહિત કઠોળ તેમજ તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવા, ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની પૂરતી ઉપલબ્ધતા તથા ડ્રોન ટેકનોલોજી, ડિજિટલ કૃષિ અને પ્રાકૃતિક ખેતીના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી પણ 1980ના વાયરલ રેટ્રો ટ્રેન્ડમાં રંગાયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર આ તસવીર પણ શેર કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને લખ્યું, યાદોની ગલીઓમાં એક નાનકડી સફર... એ પણ 80ના દાયકાની શૈલીમાં!

કોણ છે જીતુ વાઘાણી

જીતુ વાઘાણીનો જન્મ 1970માં ભાવનગરના વરતેજમાં થયો હતો. તેઓ ભાવનગર પશ્ચિમ બેઠકથી ધારાસભ્ય છે.  હાલમાં તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રાલય સંભાળી રહ્યા છે.  તેઓ વર્ષ 2016 થી 2020 સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તરીકે પણ કાર્યરત હતા.

ખેડૂત પરિવારમાં જન્મ

ખેડૂત પરિવારમાં જન્મેલા જીતુભાઈના પિતા સાવજીભાઈ વાઘાણી અને માતા મંજુલાબેન વાઘાણીએ તેમને મહેનત અને મૂલ્યોની શિક્ષા આપી હતી. તેમની પત્ની સંગીતા વાઘાણી ગૃહિણી છે. તેમના  પુત્રનું નામ મીત વાઘાણી અને પુત્રીનું નામ ભક્તિ વાઘાણી છે. જીતુભાઈનું શિક્ષણ ગ્રામીણ પરિસ્થિતિઓમાંથી શરૂ થયું, જે તેમના જીવનનો આધાર બન્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળા, લાઠી (જી.અમરેલી)માંથી પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ કલાપી વિનય મંદિર, લાઠીમાંથી અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સનાતન ધર્મ સરકારી હાઈસ્કુલ, ભાવનગરમાંથી મેળવ્યું હતું.તેઓ વાણિજ્ય અને કાયદાના સ્નાતક છે, જેમણે ભાવનગર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ ભૂમિકા ભજવી હતી. 1988માં એબીવીપી સાથે જોડાયા પછી 1992માં ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય બન્યા જે તેમના રાજકીય જીવનની પ્રથમ પગલું હતી.

જીતુ વાઘાણીની રાજકીય સફર: યુવા મોરચાના સામાન્ય કાર્યકર્તાથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુધીની સિદ્ધિ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીનો રાજકીય પ્રવાસ પાયાના સંગઠન કાર્યથી શરૂ કરીને પક્ષના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની એક પ્રેરણાદાયી ગાથા છે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં તેમણે પોતાની સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્કના જોરે એક મજબૂત ઓળખ બનાવી છે.

સંગઠનમાં પાયાની કામગીરી અને યુવા નેતૃત્વ

જીતુભાઈ વાઘાણીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના યુવા મોરચાથી કરી હતી.
* શરૂઆતી તબક્કો: વર્ષ 1990-91માં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના સહમંત્રી બન્યા બાદ તેમની સક્રિયતાને જોતાં 1993થી 1997 દરમિયાન તેમને શહેર પ્રમુખની જવાબદારી સોંપાઈ હતી.

* પ્રશાસનિક અનુભવ: 1995થી 2000 સુધી તેઓ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય રહ્યા હતા. ત્યારબાદ 1998થી 2001 સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી.

* રાજ્ય કક્ષાએ નેતૃત્વ: 2003થી 2009 દરમિયાન તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા. આ સમયગાળા દરમિયાન તેમણે કિસાન હિત યાત્રા, સ્વામી વિવેકાનંદ યાત્રા અને ક્રાંતિ ગાથા યાત્રા જેવાં સંગઠનાત્મક અભિયાનોનું સફળ નેતૃત્વ કર્યું હતું.

* પ્રદેશ સ્તરે વિસ્તાર: 2009થી 2012 દરમિયાન પ્રદેશ ભાજપ સેક્રેટરી તરીકે નિયુક્ત થઈને તેમણે જામનગર શહેર અને જિલ્લાના પ્રભારી તરીકે સંગઠન મજબૂત કર્યું હતું.

* ચૂંટણી ક્ષેત્રે જીતુભાઈ વાઘાણીનો પ્રવેશ પડકારજનક રહ્યો હતો. 2007માં ભાવનગર (દક્ષિણ) બેઠક પરથી તેમણે પ્રથમ ચૂંટણી લડી હતી, જેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

* 2012માં ભાવનગર (પશ્ચિમ) બેઠક પરથી તેમણે ભવ્ય વાપસી કરી અને 53,892 મતોના રેકોર્ડ તફાવતથી વિજય મેળવ્યો, જે તે સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વિજય ગણાયો હતો.
* 
* તેમણે 2017માં 27,000 મતોના માર્જિનથી અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ બેઠક પરથી વિજય પતાકા લહેરાવી હતી. આ વિજયોથી તેઓ સૌરાષ્ટ્ર અને પાટીદાર સમુદાયમાં પક્ષનો એક મજબૂત ચહેરો બનીને ઊભરી આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સુકાન

વર્ષ 2016માં રાજ્યમાં વિજય રૂપાણીના મુખ્યમંત્રી બન્યા બાદ સંગઠનની કમાન જીતુભાઈ વાઘાણીને સોંપવામાં આવી અને તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ પક્ષે રાજકીય રીતે અત્યંત કપરા ગણાતા 2017ના વિધાનસભા સત્રમાં સત્તા જાળવી રાખી હતી તેમજ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. વર્ષ 2020માં તેમણે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી આ પદનો કાર્યભાર સી.આર. પાટીલને સોંપ્યો હતો.