Tue Oct 06 2026

Logo

ભાવનગરના રાજપરા (ખોડિયાર)  ગામના નિવૃત્ત પોસ્ટ ઓફિસ કર્મચારી સાથે 23 લાખની છેતરપિંડી

2026-10-01 18:05:21
Author: Mayur Patel
ભાવનગરના રાજપરા (ખોડિયાર)  ગામના નિવૃત્ત પોસ્ટ ઓફિસ કર્મચારી સાથે 23 લાખની છેતરપિંડી

ભાવનગરઃ સોશિયલ મીડિયા પર ઊંચી કમાણી કે જૂની વસ્તુઓ વેચીને રાતોરાત લખપતિ બનવાની લાલચ આપી નાગરિકોને છેતરતી સાયબર ગેંગનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો હતો. સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામે રહેતા નિવૃત્ત પોસ્ટ ઓફિસ કર્મચારીએ જૂના સિક્કા વેચવાની લાલચમાં પોતાની જીવનભરની કમાણીમાંથી રૂ. 23 લાખથી વધુની રકમ ગુમાવી બેઠા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વૃદ્ધ ડિસેમ્બર 2022 દરમિયાન ફેસબુક પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે જૂના સિક્કા ઊંચી કિંમતે ખરીદ-વેચાણ કરવાની એક આકર્ષક જાહેરાત તેમની નજરે પડી હતી. તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સવિતા નામની મહિલાએ તેમની સાથે વાતચીત શરૂ કરી હતી. આ મહિલાએ વૃદ્ધ પાસે રહેલા જૂના સિક્કાના રૂ. 60 લાખ અપાવવાનો દાવો કરી તેમને મોટી રકમની લાલચ આપી હતી.

શરૂઆતમાં ટોળકીએ રજિસ્ટ્રેશન ફી પેટે માત્ર રૂ. 500 જેવી નજીવી રકમ મંગાવી વૃદ્ધનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ ફાઈલ પ્રોસેસિંગ, ટેક્સ ક્લિયરન્સ અને અન્ય સરકારી મંજૂરીઓના બહાના હેઠળ સવિતા, અમનકુમાર અને પંકજકુમાર ભદોરિયા નામના શખ્સોએ જુદા-જુદા બેંક ખાતાઓમાં કટકે-કટકે રૂ. 19 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલેથી ન અટકતા, આ ટોળકીના અન્ય સાગરીતો પૂજાબેન અને રાજ સાની નામના વ્યક્તિઓએ વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. તેમણે સિક્કાની કિંમત રૂ. 60 લાખથી વધારીને રૂ. એક કરોડ થઈ ગઈ હોવાનું જણાવી પ્રક્રિયા આગળ વધારવાના નામે વધુ રૂ. 4,79,580 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આમ, કટકે-કટકે કુલ રૂ. ૨૩ લાખથી વધુની જંગી રકમ ચૂકવી દેવા છતાં એક પણ રૂપિયો ખાતામાં જમા ન થતાં વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે તેમણે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આ આંતરરાજ્ય સાયબર ઠગ ટોળકીના સભ્યોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.