Sat Oct 03 2026

Logo

દશેરા-દિવાળીમાં હવાઈ મુસાફરી થશે મોંઘી: જેટ ફ્યુઅલના ભાવ વધતા એર ટિકિટના ભાડામાં તોતિંગ ઉછાળો

2026-10-01 17:40:51
Author: Mumbai Samachar Team
દશેરા-દિવાળીમાં હવાઈ મુસાફરી થશે મોંઘી: જેટ ફ્યુઅલના ભાવ વધતા એર ટિકિટના ભાડામાં તોતિંગ ઉછાળો

નવી દિલ્હીઃ જેટ ફ્યુઅલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ-વધારાથી એર ટિકિટના ભાવમાં ઉછાળો આવ્યો છે. સતત ત્રીજી વખત જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો થતા તહેવાર પહેલા જ એર ટિકિટ મોંઘી બની રહી છે. ઑક્ટોબર મહિનામાં આ ભાવ વધારો 13 ટકા સુધી પહોંચ્યો હોવાના રિપોર્ટ છે, જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલની કિંમતમાં 25 ટકાનો વધારો થયો છે. દશેરા અને દિવાળીના તહેવારોની લાંબી રજા શરૂ થવાની છે. ફેસ્ટિવલ સીઝન પહેલા જ એર ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થાય એવા સમાચાર છે. 

હવાઈ યાત્રા મોંઘી થઈ ગઈ

ફેસ્ટિવલ સિઝનમાં ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય તો ટિકિટ માટે વધારે પૈસા ખર્ચવા પડશે. ઓઈલ કંપનીઓએ ફ્લાઈટમાં ઉપયોગમાં લેવાતા જેટ ફ્યુઅલના ભાવમાં 13 ટકાનો વધારો કરી દીધો છે. એરલાઈન્સ કંપનીઓને આ ભાવ વધારો આર્થિક માર રૂપે લાગી રહ્યો છે. જ્યારે પણ આવું થાય ત્યારે એક ટિકિટના ભાવમાં રાતોરાત વધારો કરી દેવામાં આવે છે. આ વખતે પણ સ્થિતિ કંઈક આવી જ હોય એવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ કંપનીઓ અને કમર્શિયલ LPGના ગેસમાં પણ વધારો થયો છે.

ડૉમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં ખાસ કોઈ ફેરફાર કરાયો નથી પણ એરલાઈન્સ કંપનીઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દેતા હવાઈયાત્રા મોંઘી થઈ રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાને કારણે સરકારી તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમતમાં ₹ 16નો વધારો કરી દીધો હતો. ઓઈલ કંપનીના રિપોર્ટ અનુસાર ડૉમેસ્ટિક એરલાઈન્સ માટે ATFની કિંમતમાં ₹ 121થી વધારી ₹ 137 રૂ./લિટર કરાયો હતો. 

મોંઘવારીમાં વધુ એક આર્થિક માર

આ બદલાવ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં મોટાભાગની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. આનો સીધો અર્થ એ થયો કે, જેટ-ફ્યુઅલની કિંમતમાં સતત ત્રણ મહિનામાં ₹ 27નો વધારો થયો છે. જેની અસર એ થઈ રહી છે કે, એર ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

એરલાઈન્સ કંપનીઓનો ઑપરેટિંગ ખર્ચ ATFના હિસાબથી 40 ટકા વધુ થાય છે.  આ કારણે ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. આની સીધી અસર દિવાળીનો દિવસોમાં ફરવાનું આયોજન કરનારા યુવાનો અને પરિવારો પર થવાની છે. ખાસ કરીને મહાનગરને ક્નેક્ટ કરતી અને ટુરિસ્ટ સ્પોટને ક્નેકટ કરતી ફ્લાઈટના રૂટમાં ટિકિટમાં ભાવમાં વધારો કરાયો છે. હવે ડિસેમ્બર મહિનામાં ફરી ફ્લાઈટના ભાવમાં વધારો જોવા મળે તો નવાઈ નહીં.