કચ્છમાં નવરાત્રીનો આગોતરો ધમધમાટ શરૂ: દેશી વાજિંત્રોની માંગ વધી,બાળકોમાં કચ્છી ઢોલનો ક્રેઝ
ભુજ: આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિ પૂર્વે કચ્છના કલાજગત અને બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છમાં પણ આદ્યશક્તિની આરાધનાના પર્વનો આગોતરો થનગનાટ શરૂ થઈ ચૂક્યો છે. જોકે, આ ઉત્સાહની પાછળ એક ઘેરી ચિંતા પણ છુપાયેલી છે. કચ્છના જળસ્રોત સમાન ઐતિહાસિક હમીરસર તળાવ આ વર્ષે ઓછા વરસાદને કારણે ન ભરાતાં નગરજનોમાં ઊંડો વસવસો જોવા મળી રહ્યો છે. દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક અને સ્થાનિક પ્રતિકૂળતાઓની સીધી અસર નવરાત્રિની રોનક પર પડી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ પર સર્જાયેલા અવરોધો તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ પંથકમાં પડેલા અતિભારે વરસાદને કારણે વાદ્યો બનાવવા માટેના કાચા માલની ભારે તંગી સર્જાઈ છે. ઉપરાંત, પર્યાવરણીય ક્ષતિ અને વૃક્ષોના નિકંદનને લીધે સાગ અને સીસમ જેવા લાકડાની અછત વર્તાઈ રહી છે. આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી પરંપરાગત ઢોલ, નગારાં, તબલાં, પખવાજ અને ઝાંઝ જેવા દેશી વાદ્યો સહિત હાર્મોનિયમ, ગિટાર, વાયોલિન અને ઓક્ટોપેડ જેવા અદ્યતન સંગીત સાધનોના ભાવોમાં 40 ટકા જેટલો ધરખમ ઉછાળો નોંધાયો છે.
ભાવવધારાના આ કપરા દોરમાં પણ ભુજ અને આસપાસના વિસ્તારોમાં વાદ્યોની માંગમાં કોઈ ઓટ આવી નથી. ભુજ શહેરની ભૌગોલિક સીમાઓ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહી છે. ચારેતરફ નવી રહેણાંક સોસાયટીઓ અને વસાહતો ઊભી થતાં આ વર્ષે નવરાત્રિ દરમિયાન નાની-મોટી ગરબીઓ અને સાંસ્કૃતિક આયોજનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. નવી વસાહતોમાં આયોજનો વધતાં વાદ્યોની નવી માંગ પણ બમણી ગતિએ વધી હોવાનું જાણીતા કસબી જીતેન્દ્ર રાજારામે જણાવ્યું હતું.
ઐતિહાસિક હુન્નરને જીવંત રાખતી પરંપરાગત પેઢી
છેલ્લા આઠ દાયકાથી ભુજના મહાદેવ નાકા બહાર આવેલા પાળેશ્વર ચોક વિસ્તારમાં કાર્યરત દેશી વાદ્યોની પરંપરાગત પેઢી ‘રાજારામની દુકાન’ આજે પણ આ ઐતિહાસિક હુન્નરને જીવંત રાખી રહી છે. કચ્છ રાજ સમયથી ઢોલક, તબલાં અને હાર્મોનિયમ જેવા વાદ્યોના નામાંકિત કસબી સ્વ. રાજારામભાઈના વારસાને તેમના પુત્ર જીતેન્દ્રભાઈ રાજારામ સોલંકી અને પૌત્ર રાજ જીતેન્દ્રભાઈ સોલંકીએ અત્યંત નિષ્ઠાપૂર્વક આગળ ધપાવ્યો છે. પ્રતિકૂળ આર્થિક અને પ્રાકૃતિક માહોલ વચ્ચે પણ શેરી-મહોલ્લાની જૂની ગરબીઓના મંડળો ફરી સક્રિય બન્યા છે. કચ્છભરના ગ્રામીણ વિસ્તારોમાંથી ઢોલ, મંજીરા, મૃદંગ, ખંજરી અને બેન્જો જેવા વાદ્યો રીપેરિંગ માટે આવી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, વર્ષો બાદ ગરબી મંડળો દ્વારા જૂની ‘પગ પેટીઓ’ પણ સમરાવવા માટે લાવવામાં આવી રહી છે.
આ વર્ષે નવી પેઢીના બાળકો અને કિશોરોમાં કચ્છી ઢોલ, તબલાં, મૃદંગ, પાવા અને ખંજરી જેવા લોકવાદ્યો પ્રત્યે વિશેષ લગાવ ઊભો થયો છે, જે એક આવકારદાયક બાબત છે. પૂર્વ કચ્છના ઐતિહાસિક વૃજવાણીથી શરૂ કરીને બોલીવુડ અને વૈશ્વિક મંચ સુધી કચ્છી ઢોલનો નાદ ગુંજી રહ્યો છે. મુંબઈની નવરાત્રિમાં કચ્છી ઢોલીઓનો હંમેશાં દબદબો રહ્યો છે. વિશેષ કરીને ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મના ગીત ‘ઢોલી તારો ઢોલ બાજે’ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ બાદ કચ્છી ઢોલની લોકપ્રિયતામાં અસાધારણ વધારો થયો છે. કસબીઓના જણાવ્યા મુજબ, પરંપરાગત કચ્છી ઢોલ ઉપરાંત દોરી-બોલ્ટ વાળા ઢોલ, પિત્તળ-ત્રાંબાના ઢોલ અને કલાત્મક નકશીકામ વાળા ઢોલની વ્યાપક માંગ જોવા મળી રહી છે.
સરહદી પંથકના ગામો સુધી અનોખો ઉત્સાહ છવાયો
શેરી-ગરબાના પુનર્જીવનને કારણે ભુજ શહેરથી લઈને છેક ભારત-પાકિસ્તાન સરહદી પંથકના ગામો સુધી અનોખો ઉત્સાહ છવાયો છે. સરહદી ગામોમાં મુસ્લિમ બિરાદરો પણ ગરબીઓનું આયોજન કરી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ઢોલ-નગારાંના વાદનમાં મુસ્લિમ કલાકારોનું પણ વિશેષ સ્થાન હોવાથી તેઓ તહેવારો પૂર્વે ઉત્સાહભેર વાદ્યોની ખરીદી કરી રહ્યા છે. મોટા કોમર્શિયલ ગરબાની સાથે સાથે શેરી-ગરબા પુનર્જીવિત થતાં 1960ના દાયકા જેવો પરંપરાગત માહોલ રચાઈ રહ્યો છે, જે લોકોને ગત સદીની રોમાંચક સ્મૃતિઓમાં લઈ જશે.
બીજી તરફ, નવલાં નોરતાંની ગણતરી શરૂ થઈ જતાં માઇભક્તો પગપાળા મા આશાપુરાના પવિત્ર ધામ માતાના મઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હમીરસર ખાલી રહેવાનો રંજ ભલે હૃદયમાં રહ્યો, પરંતુ આગામી નવરાત્રિના ઉત્સવને સત્કારવા સમગ્ર કચ્છમાં અત્યારથી જ આશાપુરી ધૂપની સુગંધ પ્રસરી ગઈ છે.
(ઉત્સવ વૈદ્ય)