નાગોયાઃ જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સૅમસન (Samson) ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના ખેલાડીઓ અને પ્રેક્ષકો-દર્શકોને એક અજબ ઘટના જોવા મળી હતી.
શ્રીલંકાના સ્પિનર થારિન્ડુ રત્નાયકે (Ratnayake)એ એક બૉલ ફેંક્યો જે તેના હાથમાંથી છટકી ગયો હતો. એ બૉલ બૅટ્સમૅન સૅમસનની દિશામાં પડવાને બદલે ખૂબ દૂર ગયો હતો. બૉલ બીજી કે ત્રીજી પિચ પર પડ્યો હતો.
ખુદ સેમસન નવાઈ પામ્યો હતો. મેદાન પરના ખેલાડીઓ પણ જોતા રહી ગયા હતા. બોલર રત્નાયકે તો એટલો બધો ડઘાઈ ગયો હતો કે પોતે ફેંકેલો બૉલ ગયો ક્યાં એવું વિચારીને આકાશ તરફ જોવા લાગ્યો હતો. છેવટે તેને ખબર પડી કે બૉલ મુખ્ય પિચથી ખૂબ દૂર પડ્યો છે.
અમ્પાયરે તરત જ એ બોલને નો બૉલ જાહેર કર્યો હતો. થોડી વાર સુધી બધા આ ઘટના બદલ હસતા રહ્યા હતા. જોકે થોડી જ વારમાં સૅમસન આઉટ થઈ ગયો હતો. રત્નાયકેએ જ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારતે સાત વિકેટે 169 રન બનાવ્યા પછી શ્રીલંકા વન-સાઇડેડ મુકાબલામાં માત્ર 45 રનમાં આઉટ થઈ જતાં ભારતને 124 રનથી શાનદાર વિજય થયો હતો અને ભારતે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાન સામેની ફાઇનલ શનિવારે રમાશે.