Tue Oct 06 2026

Logo

ચોરીને ઇરાદે વિદેશી જહાજમાં ઘૂસેલા ચારનાં મોત: ઝેરી ગૅસથી શ્ર્વાસ રુંધાયાની શંકા

2026-10-01 17:37:02
Author: Yogesh C. Patel
ચોરીને ઇરાદે વિદેશી જહાજમાં ઘૂસેલા ચારનાં મોત: ઝેરી ગૅસથી શ્ર્વાસ રુંધાયાની શંકા

બે દિવસ પછી મૃતકોના એક સાથીએ પોલીસનો સંપર્ક સાધતાં મૃતદેહો શિપમાંથી બહાર કઢાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મનોરી બીચ નજીક લાંગરેલા વિદેશી જહાજમાં ચોરીને ઇરાદે ઘૂસેલા ચાર જણે જીવ ગુમાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પાઈપ કાપતી વખતે થયેલા ધડાકા બાદ ઝેરી ગૅસને કારણે શ્ર્વાસ રુંધાવાથી શંકાસ્પદ ચોરોનાં મોત નીપજ્યાં હોવાનું પોલીસનું માનવું છે.

ગોરાઈ પોલીસના જણાવ્યા મુજબ જુલાઈ મહિનામાં તોફાની પવન અને મુશળધાર વરસાદમાં મનોરી બીચથી એકાદ કિલોમીટરના અંતરે દરિયામાં તણાઈ આવેલી શિપમાં 26 સપ્ટેમ્બરની મધરાતે આ ઘટના બની હતી. જોકે બે દિવસ બાદ મૃતકોનો એક સાથી વિજય (40) પોલીસ સ્ટેશને હાજર થયો ત્યારે ઘટના સામે આવી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દક્ષિણ મુંબઈના કોલાબા અને વિરારમાં રહેતા શકમંદોની ટોળકી છેલ્લા એક મહિનામાં વારંવાર જહાજ પર ગઈ હતી. ઘટનાની રાતે મનોરી બીચથી નાની બોટમાં આઠ જણ જહાજ નજીક પહોંચ્યા હતા. પછી એક જણ બોટમાં જ નજર રાખવા બેઠો હતો, જ્યારે સાત જહાજ પર ચઢ્યા હતા.

કહેવાય છે કે ટોળકીના ચાર જણ ચોરીને ઇરાદે એકદમ અંદરના કમ્પાર્ટમેન્ટમાં ઘૂસ્યા હતા. ગૅસ કટરથી ગૅસની પાઈપલાઈન કાપવાનો પ્રયાસ કરાયો હતો. એક ધડાકા પછી ઝેરી ગૅસ પાઈપલાઈનમાંથી નીકળ્યો હતો. ઝેરી ગૅસ શ્ર્વાસમાં જતાં ગૂંગળામણથી ચારેય ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

ડરી ગયેલા બાકીના સાથી બોટથી ફરી કિનારે આવી ગયા હતા. આરોપીઓએ વાપરેલી બોટ વિજયની માલિકીની હોવાનું તપાસમાં પોલીસને જણાયું હતું.


ગોરાઈ પોલીસ સ્ટેશને હાજર થયેલા વિજયે બનેલી ઘટનાની જાણ કરતાં પોલીસે મર્ચન્ટ નેવીના જવાનોની મદદ માગી હતી. પહેલાં ડ્રોનથી જહાજની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછી બુધવારે સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. હેલિકૉપ્ટરની મદદથી સર્ચ ટીમ જહાજ પર પહોંચી હતી. ચારેયના મૃતદેહને જહાજમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયા હતા. ગોરાઈ પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જહાજની માહિતી માછીમારોએ યલોગેટ પોલીસને જુલાઈમાં આપી હતી. તે સમયે પોલીસે જહાજના માલિક વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધ્યો હતો. પોલીસને શંકા છે કે મધદરિયે ઑઈલ સંબંધી ગેરકાયદે પ્રવૃત્તિમાં આ જહાજ સંડોવાયેલું હતું. (પીટીઆઈ)