મુંબઈઃ મહારાષ્ટ્ર કેબિનેટે ફરજ દરમિયાન હિંમત અને સાહસનું પ્રદર્શન કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે "મુખ્ય પ્રધાન બહાદુરી પદક" શરૂ કરવાની મંજૂરી આપી હતી.
મુખ્ય પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પુરસ્કારના વિજેતાઓની પસંદગી કરવા માટે ત્રણ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે; વિજેતાઓને પુરસ્કારમાં ૫૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ, એક મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને વર્ષ દરમિયાન પોલીસ કર્મચારીઓની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે અને પહેલી મેના મહારાષ્ટ્ર દિવસની પૂર્વસંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે તથા મુખ્ય પ્રધાનના હસ્તે તે એનાયત કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે અન્ય એક નિર્ણયમાં પથ્થર તોડવાની અને ખોદકામની પરંપરાગત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વાડાર સમુદાય માટે વાર્ષિક ખોદકામની મર્યાદા ૨૦૦ બ્રાસથી વધારીને ૫૦૦ બ્રાસ કરી છે.
પ્રધાનમંડળે 'મહારાષ્ટ્ર જમીન મહેસૂલ (ગૌણ ખનિજોનું ઉત્ખનન અને વહન) નિયમો, ૧૯૬૮'માં સુધારાને મંજૂરી આપી હતી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નવી ટેકનોલોજી તથા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 'સીએમ સૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધન, નવીનતા અને ટેકનોલોજીકલ હબ્સ માટેની યોજના)ને પણ મંજૂરી આપી હતી.
કેબિનેટે પોલીસ કસ્ટડીમાં અકુદરતી મૃત્યુના કિસ્સામાં વળતર પૂરું પાડવા માટે એક વ્યાપક નીતિ પણ ઘડી છે. કેબિનેટે 'ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્વાધર યોજના' હેઠળની સહાયમાં પણ વધારો કર્યો છે. તેમજ આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ માટે 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વયં યોજના' હેઠળના ભથ્થાંમાં પણ ફેરફાર કર્યા છે.
(પીટીઆઈ)