અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ફરી એકવાર વરસાદી માહોલ જામશે. રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ નવા રાઉન્ડ હેઠળ આજે સુરત, ડાંગ, તાપી તેમજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની ધારણા છે, જ્યારે 1 ઓક્ટોબરે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યાંથી પસાર થઈ રહી છે ચોમાસાની વિદાય રેખા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
આ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 1 ઓક્ટોબરે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, 2થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી અને હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે.
અંબાલાલની શું છે આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે હાથીયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હાથીયો વરસી શકે છે. જો કે વરસાદની સાથે સાથે રાજ્યમાં ગરમી પણ વધશે. મહત્તમ ઉષ્ણતામાન ૩7 થી 40 ડિગ્રી સુધી જઈ શકે છે. 11 ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવશે. બે દિવસ નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 13 થી 15 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે. 15 ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે. 16 ઓક્ટોબરથી કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબર દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન અને મોજા ઉછળી શકે છે. 23 ઓક્ટોબરે હેમંત ઋતુની શરૂઆત થશે. 24 ઓક્ટોબર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં આવે હવામાન માં પલ્ટો આવવાની સંભાવના છે. 24 ઓક્ટોબર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં આવે હવામાન માં પલ્ટો આવવાની સંભાવના છે.
ગુજરાતમાં કેટલો વરસાદ
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 89.16 ટકા વરસાદ વરસ્યો છે. જે ગત ત્રણ વર્ષની તુલનામાં ઓછો છે. 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા, 2025માં 128.57 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ મધ્યમાં 89.67 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા વરસાદ પડ્યો છે.