Thu Oct 01 2026

Logo

વરસાદ આધારિત વિસ્તારોમાં રવી પાક સામે અલ નિનોનું જોખમ, ખાદ્યાન્નનું ઉત્પાદન ઘટી શકેઃ કૃષિ સચિવ

2026-09-28 20:00:00
Author: Ramesh Gohil
વરસાદ આધારિત વિસ્તારોમાં રવી પાક સામે અલ નિનોનું જોખમ, ખાદ્યાન્નનું ઉત્પાદન ઘટી શકેઃ કૃષિ સચિવ

નવી દિલ્હીઃ અલ નિનો હવામાનની સ્થિતિને કારણે વરસાદ આધારિત વિસ્તારો માટે આગામી રવી (શિયાળુ) પાકની મોસમ પડકારજનક બની શકે છે અને તેનાથી ખાદ્યાન્નના ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે, એમ કૃષિ સચિવ અતિશ ચંદ્રાએ જણાવ્યું છે. 

અત્રે યોજાયેલા બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વરસાદ આધારિત વિસ્તારોમાં ખરીફ મોસમ પણ પડકારજનક રહી હતી અને અનેક રાજ્યોને પહેલા પાકનું વાવેતર કરવામાં અને ત્યાર બાદ પાકને જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય બાબત એ થે કે આગામી ઑક્ટોબર મહિનાથી ઘઉં અને સરસવ જેવાં રવી પાકના વાવેતરનો આરંભ થતો હોય છે. 

અમારા મતાનુસાર આગામી મોસમમાં ઉત્પાદન પર મોટા પાયે અસર થવાની સંભાવના છે અને ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારો માટે રવી મોસમ પણ પડકારરૂપ રહેશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કેટલાંક રાજ્યોએ જમીનમાં વધુ પડતા ભેજનો સામનો કરવો પડી શકે છે, જ્યારે અપૂરતા વરસાદવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ જોવા મળી શકે છે. આથી આગામી રવી મસોમ માટે તે મુજબની વ્યૂહરચના ઘડવાની આવશ્યકતા છે. 

આબોહવા પરિવર્તનને વાસ્તવિકતા ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સિંચાઈની સુવિધા ધરાવતા વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ અકાળે અને ભારે વરસાદ થવાને કારણે પાકને નુકસાન થયું છે. અગાઉ આપણે વિચારતા હતા કે આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો ભવિષ્યમાં કરીશું, પરંતુ હવે આપણે તેમાં બહુ ઝડપભેર ફેરફારો થતાં જોઈ રહ્યા છીએ. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે અનાજના ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી હોવા છતાં હજુ પણ કઠોળ, તેલીબિયાં અને ફળો જેવી બાગાયતી પેદાશોનું આયાત કરવાનું ચાલુ છે. સામાન્યપણે રવી પાકનું વાવેતર લગભગ 638 લાખ હેક્ટરમાં કરવામાં આવે છે. જેમાં ઘઉંનો વાવેતર વિસ્તાર 300 લાખ હેક્ટર કરતાં વધુ, કઠોળનો વિસ્તાર 140 લાખ હેક્ટર, તેલીબિયાંનો વિસ્તાર 87 લાખ હેક્ટર અને જાડા-કડ ધાન્યનો વાવેતર વિસ્તાર પંચાવન લાખ હેક્ટર જેટલો હોય છે. 

આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે પાકના વૈવિધ્યકરણ પર ભાર મૂકવાની સાથે તેમણે સ્વીકાર્યું હતું કે આ પ્રક્રિયામાં સંશોધનની પદ્ધતિઓ, આબોહવા સામે ટકી રહેવાની ક્ષમતા અને ખેડૂતોની આવક જેવાં મુદ્દાના અવરોધો આવી શકે છે. હકીકતમાં વૈવિધ્યકરણની સાથે ટકાઉ ખેતી પણ થવી જોઈએ જે સરકારની બીજા ક્રમાંકની પ્રાથમિકતા છે. `પર ડ્રોપ મોર ક્રોપ' અને `સોઈલ હેલ્થ પ્રોગ્રામ'ની પહેલ શરૂ કરવામાં આવી છે, પરંતુ તેનું મૂલ્યાંકન માત્ર સબસિડીની વહેંચણીના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ વાસ્તવિક સ્તરેથી થવું જોઈએ. 

વધુમાં તેમણે રાજ્ય સરકારોને ખેડૂતોની આવક વધારે તેવા પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કરતાં માળખાગત સુવિધાઓને ત્રીજી પ્રાથમિકતા ગણાવવાની સાથે ઉત્પાદન પૂર્વેની તેમ જ ઉત્પાદન બાદની સુવિધાઓમાં રહેલી ઘણી ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ખેતીમાં થતાં નુકસાનને ઘટાડવા માળખાગત સુવિધાઓના આધુુનિકીકરણની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. 

બજાર વ્યવસ્થા અંગે તેમણે ધ્યાન દોરતા કહ્યું હતું કે ફળો અને શાકભાજી માટે કોઈ સરકારી પ્રાપ્તિની યંત્રણા નથી તેમ છતાં બજાર આધારિત માગને કારણે તેનું ઉત્પાદન અને બજાર વિસ્તરી રહી છે. બાગાયતી પાકોનો વૃદ્ધિદર હવે અનાજ, કઠોળ અને તેલીબિયાંના વૃદ્ધિદર કરતાં આગળ નીકળી ગયો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સુધારા કરવામાં આવ્યા હોવા છતાં તેની આસપાસ ઊભી કરાયેલી નિયંત્રણની મર્યાદાઓ તેને વ્યવહારીક ધોરણે કામ કરતાં અટકાવે છે તે બાબતની તપાસ થવી પણ જરૂરી છે.