Tue Oct 06 2026

Logo

વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં નવાજૂનીના એંધાણ: બાપુ હવે કોને કરાવશે ફાયદો?

2026-09-29 14:23:00
Author: Mayur Patel
વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં નવાજૂનીના એંધાણ: બાપુ હવે કોને કરાવશે ફાયદો?

અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં નવાજૂનીના એંધાણ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. બાપુ કોંગ્રેસમાં જોડાયા બાદ કોને ફાયદો કરાવશે તેવી ચર્ચા શરૂ થઈ છે.

ભૂતકાળમાં શંકરસિંહના કારણે પક્ષને મોટું નુકસાન થયું હતુંઃ કિરીટ પટેલ

બાપુ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચાર આવતાં જ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, ભૂતકાળમાં તેમના કારણે પક્ષને મોટું નુકસાન થયું હતું. જો હાલ તેઓ કોંગ્રેસમાં પરત ફરે તો પક્ષને ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવતા હોય તો તેમને કોંગ્રેસે સ્વીકારવા જોઈએ. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોય અને કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમાં કંઈ ખોટું નથી. રાજકારણમાં કંઈ નક્કી હોતું નથી.

ભાજપના આગેવાનો પણ હવે કૉંગ્રેસના મંચ પર જોવા મળશેઃ અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું  કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઘણા સમયથી ભાજપ સામે લડી રહ્યા છે અને હાલ તેમની સાથે વાતચીત ચાલી રહી છે. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં ભાજપની તાનાશાહી સામે લડવા માટે તમામ વિરોધી તાકાતો એક મંચ પર એકત્ર થશે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં રાજકીય પરિવર્તન લાવવા માટે તમામ લોકો એક સાથે આવશે. શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપના આગેવાનો પણ હવે કૉંગ્રેસના મંચ પર જોવા મળશે, કારણ કે ભાજપના ડૂબતા વહાણ પર હવે કોઈ સવાર થવા માંગતું નથી.

પક્ષમાં ભાજપ વિરોધી વિચારધારા ધરાવતાં તમામનું સ્વાગત

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના કહેવા પ્રમાણે, પક્ષમાં ભાજપ વિરોધી વિચારધારા ધરાવતાં તમામનું સ્વાગત છે. લોકોમાં ભાજપ સામે આક્રોશ છે. હાઈકમાન્ડ દ્વારા શંકરસિંહને કોંગ્રેસમાં લાવવા માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

ગુજરાત કૉંગ્રેસ હાલ આંતરિક જૂથબંધી અને સંગઠનની ખેંચતાણના દોરમાંથી પસાર થઈ રહી છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પક્ષમાં સંભવિત પ્રવેશને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. વિપક્ષી મોરચાને મજબૂત કરવાના દાવાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો બાપુ કૉંગ્રેસમાં જોડાય છે, તો તેમને પક્ષમાં કયું સ્થાન અને કઈ જવાબદારી સોંપવામાં આવશે.

રાજ્યના રાજકારણનો દાયકાઓનો અનુભવ અને મજબૂત જનાધાર ધરાવતા શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાનું પુનરાગમન થાય ત્યારે સંગઠનમાં હાલના જૂથો વચ્ચે સંતુલન જાળવવું હાઈકમાન્ડ માટે મોટી કવાયત સાબિત થઈ શકે છે. શું બાપુને ચૂંટણી પ્રચાર સમિતિના વડા, રાજ્ય કક્ષાએ કોઈ વિશેષ સલાહકાર પદ કે પછી કેન્દ્રીય સ્તરે કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી અપાશે, તે અંગે પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કૉંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે બાપુની સંભવિત એન્ટ્રી સંગઠનને નવી દિશા આપે છે કે આંતરિક સમીકરણોને વધુ પેચીદા બનાવે છે, તેના પર હવે સમગ્ર રાજ્યના રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.