મુંબઈ: ખારમાં પુરપાટ વેગે આવેલી કારે આગળ જતાં બે સ્કૂટરને ટક્કર મારતાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની સહિત બે ઘવાયાં હતાં.ખાર પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સાંજે 4.30 વાગ્યે ખાર પશ્ર્ચિમમાં સી. ડી. રોડના જંક્શન ખાતે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાની ઓળખ અયપ્પન સેલ્વરાજ હરિજન (41) તરીકે થઈ હતી. હરિજનની પત્ની નેન્સી (37)ને હાથમાં ઇજા થઈ હતી, જ્યારે બીજા સ્કૂટર પર સવાર યુવાનને હાથમાં ફ્રેક્ચર થયું હતું.
આ પ્રકરણે નેન્સીની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે નેન્સી પતિ સાથે સ્કૂટર પર બાન્દ્રા જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલી સફેદ કલરની કારે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે નેન્સી રોડ પર ફંગોળાઈ હતી, જ્યારે કારનું ટાયર પતિ હરિજન પર ફરી વળ્યું હતું.નજીકની દુકાન બહાર લાગેલા સીસીટીવી કૅમેરામાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી.
A speeding car rammed into two scooters in Mumbai’s Khar, killing a 41-year-old man and injuring his wife and another rider. accident was captured on #CCTV police have registered a case against the car driver and launched an investigation.#Mumbai #Khar #RoadAccident #Breaking pic.twitter.com/ZIkGxWfmLQ
— Chetna Raja (@ChetnaRaja) September 29, 2026
ફૂટેજમાં નજરે પડે છે કે કારે બે સ્કૂટરને અડફેટે લીધાં હતાં, જેમાંથી એક પર હરિજન દંપતી સવાર હતું. હરિજને હેલ્મેટ પહેરી હતી, પરંતુ તે કારના પાછલા ટાયર નીચે ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓનું ટોળું જમા થઈ ગયું હતું. ટોળાએ કારના પાછલા ભાગને ઊંચકીને એક તરફ ખસેડ્યા પછી હરિજનને ટાયર નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો.ગંભીર જખમી હરિજનને રિક્ષામાં ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં માથા અને શરીર પર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. જખમી બન્નેને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઘટના સમયે કાર સુધીર સીતારામ સાવંત (71) ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદને આધારે ખાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)