Fri Oct 16 2026

Logo

ક્રૂડ તેલના ભાવ ઉછળતા ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ઘટીને 96ની નજીક

2026-09-28 19:59:40
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવ ઉછળતા ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ઘટીને 96ની નજીક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવને નકારી કાઢતાં પુનઃ ભૂરાજકીય તણાવ સપાટી પર આવવાની સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાની આશા પર પાણી ફરી વળતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં 3.50 ટકા જેટલો ઉછાળો આવી જતાં વૈશ્વિક બજારો દબાણ હેઠળ આવી હતી અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના ધોવાણ સાથે 96ની નજીક 95.97ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે જો ક્રૂડ તેલના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેશે તો રૂપિયો હજુ વધુ દબાણ હેઠળ આવી શકે છે. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.75ના બંધ સામે નરમાઈના વલણ સાથે 95.89ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.05 અને ઉપરમાં 95.87ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે બાવીસ પૈસા નબળો પડીને 95.97ના મથાળે બંધ રહ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં પ્રસ્તાવને નકારી કાઢતાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાની શક્યતાઓ મંદ પડતાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 108 ડૉલર સુધી પહોંચતાં ઈક્વિટી માર્કેટમાં કડાકા બોલાયા હતા અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતાં રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલના વૈશ્વિક ભૂરાજકીય પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નબળાઈ જળવાઈ રહેશે. તેમ છતાં જો બજારમાં રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ રહે તો અમુક અંશે રૂપિયાને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.16 ટકા વધીને 101.12 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 3.57 ટકા વધીને બેરલદીઠ 108.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 1124.02 પૉઈન્ટ અને 360.25 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3693.93 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં ઑલ ફોલ ડાઉન જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.