Mon Oct 05 2026

Logo

એન્ટિલિયા બોમ્બ કેસમાં આખરે સચિન વાઝેને મળ્યા જામીનઃ 5 વર્ષના ટ્રાયલ બાદ મળી મોટી રાહત

2026-09-29 16:03:36
Author: Mumbai Samachar Team
એન્ટિલિયા બોમ્બ કેસમાં આખરે સચિન વાઝેને મળ્યા જામીનઃ 5 વર્ષના ટ્રાયલ બાદ મળી મોટી રાહત

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવવા અને વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન સ્પેશિયલ એનઆઈએ કોર્ટે  મંજૂર કર્યા છે. 29 સપ્ટેમ્બર 2026ના લેવામાં આવેલા આ નિર્ણયથી માર્ચ 2021થી કસ્ટડીમાં રહેલા વાઝેને રાહત મળી છે. જોકે, જામીન મળ્યા હોવા છતાં તેમની સામેની ટ્રાયલ અને અન્ય કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

આ કેસની શરૂઆત 25 ફેબ્રુઆરી 2021ના રોજ થઈ હતી. દક્ષિણ મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક મહિન્દ્રા સ્કોર્પિયો કાર મળી આવી હતી. કારમાંથી 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીભરી ચિઠ્ઠી મળી હતી. આ કાર થાણેના ઓટો પાર્ટ્સ વેપારી મનસુખ હિરેનની હતી અને તેમણે કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 4 માર્ચે હિરેન ગુમ થયા બાદ 5 માર્ચે તેમનો મૃતદેહ થાણેની ખાડીમાંથી મળી આવ્યો હતો. તેમના મોઢામાં છ રૂમાલ ભરાયેલા અને ચહેરા પર સ્કાર્ફ બાંધેલો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ બાદ સચિન વાઝે સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને આરોપીઓ સામે કેસ નોંધાયો અને તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએને સોંપવામાં આવી હતી. જુલાઈ 2026માં સ્પેશિયલ એનઆઈએ કોર્ટે વાઝેની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી અને તેમની સામે આરોપો ઘડવા માટે પૂરતી સામગ્રી હોવાનું જણાવ્યું હતું. કોર્ટે ચાર્જશીટ, સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ, ટાવર લોકેશન અને ફોરેન્સિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ત્યાર બાદ 1 ઓગસ્ટ 2026ના રોજ સ્પેશિયલ એનઆઈએ કોર્ટે વાઝે સહિત કુલ 10 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કર્યા હતા, જેમાં ચાર પૂર્વ પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. 
આ સાથે કેસની ટ્રાયલ શરૂ થવાનો માર્ગ ખુલ્યો હતો. એનઆઈએની ચાર્જશીટ 14 હજારથી વધુ પાનાની છે અને તેમાં 300થી વધુ સાક્ષીઓના નિવેદનો છે. કેસમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક પુરાવાનો મોટો જથ્થો પણ સામેલ છે.

વાઝેએ ઓગસ્ટમાં જામીન માટે અરજી કરતાં દલીલ કરી હતી કે તેઓ માર્ચ 2021થી જેલમાં છે અને લાંબા સમય સુધી ટ્રાયલ આગળ ન વધવાને કારણે તેમની કસ્ટડી બંધારણની કલમ 21 હેઠળ ઝડપી ટ્રાયલના અધિકારને અસર કરે છે. તેમની અરજીમાં 14 હજારથી વધુ પાનાની પૂરક ચાર્જશીટ, 10 આરોપી, 320 સાક્ષીઓ અને 100 ટીબીથી વધુના સ્ટોરેજ ધરાવતા વીડિયો તથા અન્ય ડિજિટલ પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વાઝેએ એવો પણ દાવો કર્યો હતો કે લગભગ પાંચ વર્ષ બાદ 1 ઓગસ્ટે આરોપ ઘડાયા હોવાથી નજીકના સમયમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.

સપ્ટેમ્બરમાં વાઝેએ એનઆઈએની કેસ ડાયરી અને સ્ટેશન ડાયરી કોર્ટ સમક્ષ રજૂ કરી સીલબંધ રાખવાની પણ માંગ કરી હતી. તેમણે તપાસમાં કેટલીક ખામીઓ હોવાનો દાવો કર્યો હતો. 
બીજી તરફ, સપ્ટેમ્બર 2026માં દિશા સાલિયનના મૃત્યુ અંગે નોંધાયેલી નવી સીબીઆઈ એફઆઈઆરમાં પોતાનું નામ હોવાનો ઉલ્લેખ થતાં વાઝેએ સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી અને સીબીઆઈ તેમની કસ્ટડી માંગે તો પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાની માંગ કરી હતી. તેમણે આ કેસમાં પોતાને આરોપી બનાવવામાં આવ્યા નથી તેમ પણ જણાવ્યું હતું.

એન્ટિલિયા બોમ્બ કાંડ અને મનસુખ હિરેન હત્યા કેસમાં હવે જામીન મળ્યા બાદ વાઝે માટે કાનૂની લડતમાં એક રાહત મળી છે, પરંતુ કેસનો હજી સુધી અંત આવ્યો નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ જ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી પ્રદીપ શર્માની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી અને ટ્રાયલના તબક્કે આરોપોમાંથી મુક્તિ આપી શકાય નહીં તેમ જણાવ્યું હતું. તેથી હવે એનઆઈએ કોર્ટમાં શરૂ થયેલી ટ્રાયલમાં પુરાવા અને સાક્ષીઓના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે.