થાણે: નવી મુંબઈમાં રહેતા પ્રૌઢને શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપીને સાયબર ગુનેગારોએ 1.10 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નવી મુંબઈના બેલાપુરમાં રહેતા ફરિયાદનો કેટલાક શખસોએ સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ નાણાકીય સલાહકાર તરીકે આપી હતી અને ફરિયાદીને રોકાણ કરવા માટે મનાવી લીધો હતો. બાદમાં છેતરપિંડી આચરવા માટે બનાવેલા વ્હૉટ્સઍપ ગ્રૂપમાં તેને સામેલ કર્યો હતો.
ફરિયાદીના મોબાઇલ પર તેમણે લિંક મોકલાવી હતી અને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આરોપીએ આપેલા બૅંક અકાઉન્ટ્સમાં તેણે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 1.10 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રોકાણ કર્યા બાદ ફરિયાદીને કોઇ વળતર મળ્યું હતું અને રોકાણ કરેલી રકમ પાછી મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ તેણે સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે રવિવારે ભારતીય ન્યાય સંહિતા તેમ જ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
(પીટીઆઇ)