Tue Sep 08 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ આ પત્રકારો કેમ કપડાં તથા ખાણીપીણીની પંચાત વધુ કરે છે?

2026-09-05 10:18:00
Author: Jaywant Pandya
સિક્કાની ત્રીજી બાજુઃ આ પત્રકારો કેમ કપડાં તથા ખાણીપીણીની પંચાત વધુ કરે છે?

જ્યવંત પંડ્યા

`શું ખાવા-શું પીવું - કેવાં કપડાં પહેરવાનું અને કેવાં નહીં એ કહેનાર તમે કોણ?' 
આવું કોઈ કહે તો આપણને લાગે કે એ લેફ્ટ અથવા લિબરલ હશે. અને જો તેની ભાષા દક્ષિણની હોય તો સંભવ છે કે તે કેરલમ્નો હોઈ શકે.
પરંતુ કેરલમ્માં તમે જાવ અને તમને પૂછવામાં આવે કે `તમે બીફ (ગોમાંસ) ખાવ છો?' તો તમને 440 વોટનો ઝટકો લાગે કે નહીં.? 

ત્યાં તમે જાવ અને તમને પૂછવામાં આવે કે `ઓ મેડમ, તમે આ કેસરી રંગનો ડ્રેસ કેમ પહેર્યો છે?' તો.? 
તમને એમ થાય કે અહીં તો બધા પ્રકારની છૂટ હશે. આ તો હંડ્રેટ પર્સન્ટ લિટરસીવાળો પ્રદેશ, પરંતુ થોડા સમય પહેલાં ઘટેલી બે ઘટના વિશે જાણશો તો તમને આવા જ ઝટકા લાગશે.

વાત એમ બની કે મહારાષ્ટ્રમાં જન્મેલી અભિનેત્રી માલવિકા શર્મા પોતાની મલયાલમ ભાષાની ફિલ્મ `ખલીફા'નું પ્રમોશન કરવા કેરલમ્‌‍ ગઈ હતી. ત્યાં તેને એક પત્રકારે એમ પૂછ્યું કે તું બીફ (ગોમાંસ) ખાય છે?

પત્રકાર હોય અને પોતાની ફિલ્મ રિલીઝ થતી હોય એટલે પત્રકાર સાથે બથોડા કેવી રીતે લઈ શકાય? એવું બને કે તે તમને નેગેટિવ ચિતરી દે. ફિલ્મ હિટ જવાના બદલે કદાચ ફ્લોપ થઈ જશે એવો ભય પણ લાગે. માલવિકાએ ખૂબ જ નમ્રતા સાથે અને સ્મિત સાથે કહ્યું, `ના. હું શાકાહારી છું.'

માલવિકાની જગ્યાએ જો દીપિકા પદુકોણ, સ્વરા ભાસ્કર, આલિયા ભટ્ટ કે દિયા મિર્ઝા જેવી અભિનેત્રી હોત તો અને તેમને પૂછાયું હોત કે `તમે બીફ કેમ ખાવ છો?' તો એમણે આ વાતને મુદ્દો બનાવીને આખા દેશમાં ચર્ચા જગાવત કે `હવે સમાજ નક્કી કરશે કે અમારે શું ખાવું અને શું નહીં.?'  
જોકે માલવિકાએ તેવું ન કર્યું. હા, કોઈ નેટવાસીએ જરૂર ચર્ચા જગાડી કે `આ છે કેરલમ્ના હિન્દુ વિરોધી પત્રકારો...' 

બીજા કિસ્સામાં પ્રિયા પ્રકાશ વેરિયર નામની એક અભિનેત્રી એક કાર્યક્રમમાં ગઈ હતી. બાય ધ વે, અભિનેત્રી પ્રિયા એટલે એ જ જે થોડાં વર્ષો પહેલાં સ્કૂલમાં આંગળીથી પિસ્તોલૉ ચલાવવાના ઈશારા અને આંખ મારવાના દૃશ્યથી જાણીતી બની ગઈ હતી. તે એક કાર્યક્રમમાં જે બ્રાન્ડનો પ્રચાર કરવા ગઈ હતી તે એક મોઢે લગાડવાનો પાવડર હતો જે કેસરી રંગના ડબ્બામાં આવે છે. આથી પ્રિયા ભગવા રંગનો પોશાક પહેરીને ગઈ હતી. તે સુંદર દેખાતી હતી, પરંતુ કેરલમ્ના પત્રકારે તેને પૂછ્યું, તેં સેફ્રોન રંગનો ડ્રેસ કેમ પહેર્યો છે? પ્રિયાએ પણ માલવિકાની જેમ ખૂબ જ નમ્રતાથી હસતાં-હસતાં કહ્યું, `બ્રાન્ડનો રંગ છે, તેથી પહેર્યો છે.'

આ એ જ કેરલમ્‌‍ છે જ્યાં દેશમાં જ્યારે કેન્દ્ર સરકારે પશુ ધન વેચવા પર નિયંત્રણો મૂક્યાં ત્યારે યુવા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વાછરડાની હત્યા કરી બીફ ખાઈ વિરોધ નોંધાવ્યો હતો. આ એ જ કેરલમ્‌‍ છે, જ્યાં મોરલ પોલિસિંગના વિરોધમાં `કિસ ઑફ લવ' એટલે કે જાહેરમાં ચુંબન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આ બધું અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કે જીવન મુક્ત રીતે જીવવાના અધિકાર મુજબ થઈ શકતું હોય તો, કોઈ અભિનેત્રી બીફ ખાય છે કે નથી ખાતી, કોઈ અભિનેત્રીએ કેસરી રંગનાં કપડાં શું કામ પહેર્યાં છે તેનું મોરલ પોલિસિંગ શા માટે? 

કેરલમ્માં એક આંદોલનકારી નારી છે રેહાના ફાતીમા, જેણે `કિસ ઑફ લવ' વિરોધ પ્રદર્શનમાં તેમજ સબરીમાલામાં બધી વયની સ્ત્રીઓને દર્શનની છૂટના આંદોલનમાં ભાગ લીધો હતો. બીએસએનએલની કર્મચારી હતી ત્યારે રેહાના ફાતીમાએ પોતાના ઉપરના અર્ધ નગ્ન શરીર પર સગીર વયનાં બાળકો પેઇન્ટિંગ કરતા હોય તેવો વીડિયો મૂક્યો હતો જેની સામે કેસ થયો હતો. આની વિદ્ધ કેરલમ્ના ઉચ્ચ ન્યાયાલયમાં કેસ થયો ત્યારે હાઇ કોર્ટે કહ્યું હતું કે એમાં કોઈ અશ્લીલતા નથી. સ્ત્રીને તેના શરીર વિશે સ્વતંત્ર રીતે પસંદગી કરવાનો અધિકાર છે.

જો આવો નિર્ણય હાઇ કોર્ટમાં થતો હોય તો પછી માલવિકા શર્મા શું ખાય છે અને શું નહીં એવો પ્રશ્ન કેરલમ્ના પત્રકારના મનમાં કેમ ઉદ્ભવે છે? તેની એ જ રીતે પ્રિયા પ્રકાશ વેરિયર પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા તેને અનુરૂપ કેસરી રંગનાં કપડાં પહેરે તેમાં શું વાંધો હોઈ શકે? એણે કંઈ અણછાજતાં કપડાં તો નહોતાં પહેર્યાં. ન તો એણે કોઈ અજુગતું લાગે, અંગપ્રદર્શન થાય તેવાં વસ્ત્રો પહેર્યાં અને પહેર્યાં હોય તોય કેરલમ્માં તો ખાસ, `માય બોડી માય ચોઇસ'વાળી માનસિકતા છે તો પછી?