હેમંત વાળા
બધું જ હાથવગું હોય, બધું જ પહોંચમાં હોય, બધું જ જરૂરિયાત મુજબનું જ હોય અને તે બધાં સાથે મકાનની દરેક પરિસ્થિતિ સાથે આત્મીયતાની સંભાવના હોય, નાનું આવાસ મજાનું હોય.
મોટા આવાસનો આગ્રહ કેટલો વ્યાજબી છે તે સંશોધનનો વિષય છે. માનવીનું માપ ચોક્કસ પ્રમાણેનું છે, તેની જરૂરિયાતો પણ વ્યવસ્થિત નિર્ધારિત થઈ શકે તેમ છે, આ જરૂરિયાત-સગવડતા માટે પણ ચોક્કસ માપનું અનુસરણ જરૂરી છે. જેમ જમવાની થાળી એક મીટર વ્યાસની હોય તો તકલીફ વધુ રહે તેમ આવાસ માટે પણ કહી શકાય.આવાસ-લક્ષી માનવીની જરૂરિયાતોમાં નાટકીય બદલાવની સંભાવના નથી, કૌટુંબિક સમરસતા માટે પણ સામીપ્ય જરૂરી હોય છે, તે છતાં પણ જ્યારે વિશાળ આવાસની અપેક્ષા રાખવામાં આવે ત્યારે પ્રશ્ન તો થાય. આજના સંદર્ભમાં તો પ્રશ્નો થવાં પણ જોઈએ.
રાજા મહારાજાઓની કે તેમને સમકક્ષ માનવીઓની વાત અહીં નથી કરવાની. તેમને તો પોતાનું રાજવીપણું સ્થાપિત પણ કરવું હતું અને દર્શાવવું પણ હતું. આ કદાચ તેમની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત થશે. હકીકતમાં તો તેમનાં નોકરચાકરની અલગ વ્યવસ્થા હોય, હાથી-ઘોડા માટે પણ અલાયદી વ્યવસ્થા હોય, મોટાભાગના મહેમાનોને પણ ચોક્કસ દુરી પર રાખવામાં આવે, તેવા સંજોગોમાં વિશાળ મહેલ માત્ર સમૃદ્ધિ, સામર્થ્ય, સત્તા અને સલામતીના પ્રતિક તરીકે જ હોઈ શકે. આજના સમયમાં આવી આવશ્યકતા હોતી જ નથી.
વિશ્વમાં અત્યારે આવાસ કે તે પ્રકારની સગવડતા માટેનું જેટલું બાંધકામ પ્રાપ્ત હશે, તેને સમગ્ર વિશ્વની માનવ-વસ્તી વડે ભાગવામાં આવે તો કયો `આંકડો' સ્થાપિત થાય તે વિચાર કરવાં જેવું છે. ભલે આ સામ્યવાદી વિચારધારા ગણાય, તેનો સ્વીકાર ન કરવાની સ્વતંત્રતા દરેક પાસે છે - સામ્યવાદી વિચારધારાનો અસ્વીકાર કરવો જરૂરી પણ છે કારણ કે તેનાથી માનવી સાથે જોડાયેલી ઘણી મૂળભૂત સંભાવનાનો છેદ ઊડી જતો હોય છે. પરંતુ એક શૈક્ષણિક અભિગમ તરીકે આ આંકડો જણાવો જરૂરી ગણાય. આ આંકડો, આવાસના સંદર્ભમાં, નાનું અને મોટું કે વિશાળની વ્યાખ્યા સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે.
ક્યારેક સામાન્ય કહી શકાય તેનાં કરતાં મોટાં આવાસની જરૂરિયાત ઊભી થાય. જ્યારે કુટુંબ મોટું થાય, જીવનશૈલી બદલાતાં સગવડતાની વ્યાખ્યા જ વિસ્તૃત થઈ જાય, કુટુંબ પાસે સગવડતા માટેનાં ઉપકરણોની સંખ્યા તથા તેની જટિલતા વધી જાય અને કોઈપણ પરિસ્થિતિમાં સંતોષ સ્થપાવાની સંભાવના ન હોય, તો નાના આવાસથી ન ચાલે. પછી તો દુર્વ્યય ગણી શકાય તેવાં મોટાં આવાસની રચના જ માનવી ઈચ્છે. ક્યારેક આવાસની અંદર જ કેટલીક સામાજિક કે વ્યવસાયિક ક્રિયાઓનો સમાવેશ કરવો જરૂરી બને તો પણ પ્રમાણમાં મોટા આવાસની જરૂરિયાત ઊભી થાય. પૈસાની આવક તથા સંપત્તિનો સંગ્રહ વધે એટલે મોટાં આવાસની જરૂરિયાત ઊભી થાય તેમ નથી.
એક અભ્યાસ મુજબ, સ્થાપત્યના ક્ષેત્રમાં સૌથી મોટું બજાર આવાસનું છે. જો આવાસ નાનું થાય તો દુનિયાના કેટલાંક મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ આવતો જાય. દુનિયામાં પ્રવર્તમાન આવાસની અછતના પ્રશ્નનું નિરાકરણ થઈ શકે, બાંધકામ નાનું થવાથી સામગ્રીની બચત થઈ શકે અને પર્યાવરણ પર ભાર ઓછો આવી શકે, બાંધકામ ઓછું થવાને કારણે તેનો અંગાર-પાદ ચિહ્ન પણ સ્વાભાવિક રીતે નાનો થાય, બાંધકામ મુક્ત જમીનનો બીજો અસરકારક ઉપયોગ થઈ શકે, અને અમુક વર્ષો પછી જ્યારે મકાન તોડીને નવી જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ થાય ત્યારે જૂની સામગ્રીનો બગાડ પણ ઓછો થઈ શકે.
આવાસના ઉપયોગમાં વપરાતી ઊર્જા ઓછી થઈ શકે. આવવાના રખરખાવનો ખર્ચ પણ ઓછો આવે. આ બધાં આ સાથે કુટુંબમાં સહકાર અને સહયોગની ભાવના પણ દ્રઢ બની શકે, કુટુંબની અંદર આત્મીયતા વધુ દ્રઢ થઈ શકે. નગર આયોજનની દ્રષ્ટિએ વિચારીએ તો કહી શકાય કે માનવી માનવીની વધુ નજીક આવી શકે. નગરની સંરચનાનું માળખું પણ નાનું રહે જેથી ઘણી રીતે બચત થઈ શકે. તે સાથે ખેતીલાયક જમીન પરનું દબાણ પણ ઓછું થાય.
સૌ પહેલાં તો ઇચ્છિત સગવડતાને અગ્રતાક્રમ પ્રમાણે ગોઠવી તેની જરૂરિયાતોને વ્યવસ્થિત સમજવી પડે.
અહીં દરેક ચોરસ ફુટનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. જરૂર જણાય ત્યાં ઉપયોગિતાને એકબીજા સાથે સાંકળવી પડે. સમય અનુસાર જુદાં જુદાં સ્થાનનો જુદાં જુદાં સમયે જુદાં જુદાં પ્રકારનો ઉપયોગ સંભવ બને અને સગવડતા જળવાઈ રહે તેવી રચના કરવી પડે. `મલ્ટી ફંક્શનલ' અર્થાત બહુહેતુક સિદ્ધાંતનું અનુસરણ પણ ઘણી મદદ કરી શકે. જરૂરી જણાય ત્યાં અને જરૂરી હોય ત્યાં મોડ્યુલર કે પ્રિ-ફેબ્રિકેટેડ વ્યવસ્થાનો ઉપયોગ પણ ઈચ્છનીય ગણાય. આમાં બાંધકામનાં વિવિધ અંગો જ નહીં પરંતુ રાચરચીલાનો પણ સમાવેશ થઈ જાય.
મકાનના સંભવિત બદલાવના સમાવેશ માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આવાસમાં નાનાં-મોટાં બદલાવ માન્ય રખાવાં જોઈએ અને તે બદલાવ સરળતાથી શક્ય બને તેવી તકનીક વપરાવવી જોઈએ. સૌંદર્યલક્ષી ભાવનાને નજરઅંદાજ નથી કરવાની. આવાસ સાથે જોડાયેલી જરૂરી `ગૌરવ'ની લાગણી ઓછી નથી કરવાની. સ્થપતિએ નાની રચનાને પણ અતિ પ્રશંસનીય બનાવવાની છે. જરૂરિયાત સાથે બાંધછોડ નથી કરવાની. વળી સ્થાપત્યના ક્ષેત્રમાં જે જે નવી એઆઈ આધારિત ટેકનોલોજી સ્વીકૃત બની રહી છે તેનો પણ ઉપયોગ થવો જોઈએ, ક્યાંક તે આવાસમાં રહેનાર માનવીને એમ ન લાગવું જોઈએ કે તે પાછળ રહી ગયો છે. સ્થપતિએ શક્ય હોય તેટલું સર્જનાત્મક થવું પડે.
પડકાર સ્થપતિએ એ લેવાનો છે. સમાજે નાના આવાસની વિચારધારાને સ્વીકારવાની છે. સરકારે તે માટે પ્રોત્સાહન આપવાનું છે. ઇજનેરોએ બાંધકામની યોગ્ય અસરકારક તથા કરકસર યુક્ત પદ્ધતિ માટે વધુ ધ્યાન આપવાનું છે. આ વિચારધારા ચળવળ સમાન બની રહેવી જોઈએ.
સાહિત્યના ક્ષેત્રમાં લઘુ-કાવ્ય અને લઘુ-કથાની રચના વધુ મુશ્કેલ કહેવાય છે. એક કલાકમાં કોઈ વાત કહેવી સહેલી બની રહે ત્યારે તે જ વાત પાંચ મિનિટમાં કહેવી હોય તો વધુ તૈયારીની જરૂર પડે. મોટાં કેનવાસ પર રંગ ઢોળીને ચિત્ર બનાવી શકાય - અને આમ થતું પણ હોય છે - પરંતુ મીનિએચર પેન્ટિંગ માટે ઘણી ચીવટતા તેમજ સ્પષ્ટતા જોઈએ.
કોઈક મહેમાનને ખુશ કરવા માટે બત્રીસ પકવાન બનાવી શકાય, પરંતુ એક જ પકવાનથી જ્યારે તેટલી જ ખુશીની અપેક્ષા હોય ત્યારે વસ્તુ મુશ્કેલ બને, પરિસ્થિતિ મુશ્કેલ બની જાય, તેમાં પાકશાસ્ત્રમાં પૂરેપૂરી નિપુણતા જોઈએ. સમય ઓછો હોય, સંસાધનો ઓછાં હોય, ન્યૂનતમ જરૂરિયાત સાથે કોઈ બાંધછોડની શક્યતા ન હોય, અને ઇચ્છિત પરિણામ સિદ્ધ કરવાનું હોય તો તેમાં સૌથી વધુ સંવેદનશીલતા અને સર્જનાત્મકતાની જરૂર રહે. આજના સ્થપતિએ આ ક્ષમતા દર્શાવવાની ખૂબ જરૂર છે.