Tue Oct 06 2026

Logo

હીરાબાના લાલ નરેન્દ્ર મોદીનું વડોદરામાં આ ગીતથી કર્યું સ્વાગત, કોણે ગાયું

2026-09-08 12:27:00
Author: Mayur Patel
હીરાબાના લાલ નરેન્દ્ર મોદીનું વડોદરામાં આ ગીતથી કર્યું સ્વાગત, કોણે ગાયું

વડોદરાઃ પીએમ મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. સૌ પ્રથમ તેઓ વડોદરા આવ્યા હતા અને આ કાર્યક્રમ બાદ નવસારી જશે. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ  કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના લાલ નરેન્દ્ર મોદીનું ગીતથી સ્વાગત કરવામાં આવ્યું છે.

હીરાબાના લાલ મારા ભારતના લાલ છે, એણે મને માયા લગાડી રે.... આ ગીતથી પીએમ મોદીનું વડોદરામાં કાર્યક્રમ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગીત સ્થાનિક કલાકારો દ્વારા ગાવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સ્ટેજ પરથી ઉપસ્થિત રહેલા તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

ટૂંક સમયમાં વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યને કુલ રૂ.35,200 કરોડથી વધુના મહત્ત્વાકાંક્ષી વિકાસકાર્યોની ભેટ આપશે. પીએમ મોદીના  આ પ્રવાસનું સૌથી મોટું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના જંગી રોકાણવાળા પ્રોજેક્ટ્સની શરૂઆત થશે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC): ₹20,703 કરોડના ખર્ચે ન્યૂ સાણંદ-ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT (102 કિ.મી.) સેક્શનનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત WDFC પર નવી માલગાડીને ફ્લેગ ઑફ પણ અપાશે.

નવા ટ્રેક અને ટ્રેન: વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ₹8,885 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે. વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન શરૂ કરાશે.

નેશનલ હાઈવે (NHAI): ₹1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ અંતર્ગત NH-48 વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર ₹907.39 કરોડના ખર્ચે નવા પુલ, કામરેજ-ચલથાણ વચ્ચે ₹686.15 કરોડના ખર્ચે સિક્સ-લેન રોડનું નિર્માણ થશે. NH-53 પર ₹187.11 કરોડના ખર્ચે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ₹59.90 કરોડના ખર્ચે કંડારી તથા લુવારા ખાતે ફ્લાયઓવર ખુલ્લા મુકાશે.

શહેરી વિકાસ, ગ્રીન એનર્જી અને આવાસ યોજનાઓ

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916.38 કરોડના 8 જેટલા પ્રોજેક્ટ્સ હાથ ધરાશે:

વડોદરાનો વિકાસ: ₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીનું ખાતમુહૂર્ત થશે. વુડા (VUDA) હસ્તક પૂર્વ વિસ્તારના 11 ગામો માટે ₹203.77 કરોડના ખર્ચે પાણીની ટાંકી, ફિલ્ટર પ્લાન્ટ અને ડ્રેનેજ વ્યવસ્થાનું લોકાર્પણ થશે. આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાનો પોન્ટૂન પ્લાન્ટ શરૂ કરાશે.

ગ્રીન એનર્જી: મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. વડોદરા અને સુરતમાં ₹94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે.

આવાસ યોજના: PMAY-G (ગ્રામીણ) યોજના હેઠળ રાજ્યભરમાં ₹236.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13,888 મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવશે.

બ્રિજ, પાણી પુરવઠો અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર નદી પર ₹150 કરોડ અને વાત્રક નદી પર ₹74.10 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ બનાવવામાં આવશે, તેમજ નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ બ્રિજનું નિર્માણ થશે.

આ ઉપરાંત, આણંદમાં નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને નવસારીના એરુ PHQ ખાતે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં ₹214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજ ખુલ્લા મુકાશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા GIDC હેઠળ ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ અને સાવલીમાં રસ્તા પહોળા કરવાના કામોનું પણ લોકાર્પણ થશે. આ તમામ બહુઆયામી વિકાસકાર્યો ગુજરાતની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવી નાગરિકોના જીવનધોરણમાં મોટો બદલાવ લાવશે.