Sun Oct 04 2026

Logo

રિઝર્વ બૅન્કનાં રૂ. સાત લાખ કરોડનાં વીઆરઆરઆર લિલામમાં બૅન્કોનો નબળો પ્રતિસાદ

2026-09-07 19:34:26
Author: Ramesh Gohil
રિઝર્વ બૅન્કનાં રૂ. સાત લાખ કરોડનાં વીઆરઆરઆર લિલામમાં બૅન્કોનો નબળો પ્રતિસાદ

મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનાં 30 દિવસીય વેરીએબલ રેટ રિવર્સ રિપો (વીઆરઆરઆર)લિલામમાં બૅન્કિંગ યંત્રણામાં પર્યાપ્ત પ્રવાહિતા હોવા છતાં બૅન્કોનો નબળો પ્રતિસાદ રહેતાં મંજૂર કરવામાં આવેલ રકમ કરતાં પણ ઓછી માત્રામાં બિડ મળી છે. 

નોંધનીય બાબત એ છે કે વીઆરઆરઆર લિલામ એ એક રાજકોષીય નીતિનું સાધન છે જેમાં ખાસ કરીને બૅન્કિંગ યંત્રણામાં રહેલી અતિરિક્ત પ્રવાહિતા શોષી લેવા માટે કેન્દ્રવર્તી બૅન્ક તેનો ઉપયોગ કરતી હોય છે. 

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાને નોટિફાઈ કરવામાં આવેલા રૂ. સાત લાખ કરોડ સામે 30 દિવસીય વીઆરઆરઆરમાં રૂ. 2,59,276 કરોડની જ બિડ મળી હતી જે કટ ઑફથી સ્વીકારવામાં આવી હતી અને સરેરાશ દર 5.24 ટકા રહ્યો હતો. વધુ પ્રવાહિતા શોષવા માટે કેન્દ્રવર્તી બૅન્કે રૂ. પાંચ લાખ કરોડ માટે ઓવરનાઈટ વીઆરઆરઆર ઑક્શનની પણ જાહેરાત કરી હતી અને સોમવારે સવારે 11થી 11.30 દરમિયાન લિલામનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં બૅન્કિંગ યંત્રણામાં રૂ. 10.73 લાખ કરોડની અતિરિક્ત પ્રવાહિતા હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.

નોંધનીય બાબત એ છે કે એફસીએનઆર (બી) ડિપોઝિટ સ્કીમ હેઠળ મોટી માત્રામાં આંતરપ્રવાહ આવ્યો હોવાથી રિઝર્વ બૅન્કે બૅન્કિંગ યંત્રણામાં રહેલી અતિરિક્ત પ્રવાહિતા શોષવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત 31મી ઑગસ્ટ સુધીમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વિશેષ ફોરેક્સ પગલાં હેઠળ 136.38 અબજ ડૉલર એકત્રિત કર્યા હતા. જેમાં એફસીએનઆર (બી)મારફતે રૂ. 127.23 અબજ ડૉલર, ઓફસીબી મારફતે 5.26 અબજ ડૉલર અને ઈસીબી મારફતે 3.89 અબજ ડૉલર એકત્રિત કર્યા હતા.