નવીનતાના નગારે ડંકો વગાડતી જવાહર બક્ષીની ગિરનારી ગઝલ
- રમેશ પુરોહિત
જવાહર બક્ષી
ગુજરાતી ગઝલની શયદાના રંગમંડપમાં પધરામણી થઇ અને એક આખી પેઢી એ ક્ધયાને સોએ શણગારથી સજાવવા માટે પ્રવૃત્ત થઇ. ગુજરાતમાં અમૃત ઘાયલ જેવો સબળ સર્જક, ગુજરાતમાં પહેલાં અને પછી મુંબઇ આવેલા મહાન ગઝલનાયક શૂન્ય પાલનપુરી, મુંબઇમાં સ્થાયી થયેલા લયના માલુમી બરકત વીરાણી ‘બેફામ’ નિનુ મઝુમદાર ભાનુશંકર વ્યાસ બાદરાયર્ણ, વેણીભાઇ પુરોહિત, વગેરે શયદાની હાજરીમાં ગઝલનો મધુપર્ક, ગાય રહ્યાં હતા ત્યારે ગઝલનાં માંડવામાં સાવ નવાધાકોર મંગળાષ્ટક ઉચ્ચારતો એક તેજસ્વી નવયુવાન પ્રવેશ કેર છે. તેમના તેજ, વિદ્વતા અને ખુમારીથી બધાને આંજી દે છે અને ગઝલની ક્ષિતિજ પર એક નવું પ્રભાત ઉઘડે છે. આ યુવાન એટલે આજનો સર્વાંગસુંદર ગઝલકાર જવાહર બક્ષી.
ભારતની ધરતી પર આઝાદીના આગમનની છડીઓ પોકારાઇ હતી. દેશ સ્વતંત્ર બનવા માટે થનગની રહ્યો હતો. ત્યારે આઝાદીના ભૂંગળ વાગવાની મંગળ ઘડીઓને થોડીક વાર હતી ત્યારે નરસિંહ, ગિરનાર, ભવનાથ અને ગીરના સિંહોની ભૂમિ જૂનાગઢમાં 19 ફેબ્રુઆરી, 1947માં જવાહરનો જન્મ થયો હતો.
ગઝલ અરબસ્તાનમાંથી ઇરાનમાં આવી અને ઉર્દૂ મારફત ભારતમાં આવી. ભારતમાં રાજયોની ભાષામાં પ્રસરવા માંડી પણ તેનો વિકાસ, વિલાસ અને વિસ્તાર ગુજરાતમાં જ થયો. ગઝલમાં સૂફી વિચારધારા છે. સૂફીઓ અધ્યાત્મ ગુરુઓ હોય છે અને ભક્તની જેમ નિત્યનિરંતર પરમ પ્રિયતમની ઉપાસના કરતા રહે છે. આપણામાં ઇશ્ર્વર આશિક છે અને ભક્ત માશૂક છે. સૂફીમાં આરાધક આશિક છે અને પ્રભુ-અલ્લાહ ખુદા કે પછી અનલહક એમાં એ માશૂક છે. ગઝલ તેના ઊંચા અર્થમાં આશિક અને માશૂકની વાતચીત છે. ગુફ્તગૂ પર જેનો મદાર છે જે બે પ્રેમીઓ વચ્ચેની દાસ્તાન છે તે ગઝલ છે. જવાહરને કેટલાક લોકો ‘અધ્યાત્મરંગી’નું બિરુદ આપે છે. પણ તેને જાણ નથી કે દરેક ગઝલકાર આખરે પરમ પ્રિયતમ પરમેશ્ર્વર સાથે જ ગુફતગૂ કરતા હોય છે.
આથી જવાહર બક્ષીને માત્ર ‘અધ્યાત્મ’ ગઝલકાર તરીકે ઓળખવાથી તેમનું સર્જનપ્રદાન પૂરતું સમજાય નહીં. તેમના સર્જનમાં ગઝલનું પરંપરાગત શિલ્પ, આધુનિક સંવેદના, પ્રેમ-વિરહ, અસ્તિત્ત્વ ચિંતન, આધ્યાત્મિકતા, અને ગુજરાતી દેશી કાવ્યરૂપો સાથેના પ્રયોગો એક સાથે જોવા મળે છે.
જવાહર કાવ્ય સર્જન જેવા કોમળ ભાવાવોળા ક્ષેત્રમાં સર્જન કરે છે અને સાથે સાથે આંકડાની માયાજાળ સમા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી હાંસલ કરે છે. કવિતા જન્મજાત હતી, ભીંતમાં પીપળો ઊગે એમ એનો પ્રાદુર્ભાવ થયો હતો. એના માટે કવિતા આયાસનો કસબ ન હતો પણ આપદની એકધારી ઇશ્ર્વરીય સોગાદ હતી.
જવાહર બક્ષીના જીવન, સર્જન અને વિશિષ્ટ પ્રદાનની વાત કરીએ તો કહી શકાય તે તેઓ આધુનિક ગઝલના એવા સર્જક છે જેમણે ગઝલને માત્ર પ્રેમ, વિરહ કે રોમેન્ટિક લાગણીના માધ્યમ તરીકે ન રાખતા તેને અસિતત્વ, ચેતના, આધ્યાત્મિક અનુભવ અને જીવનદર્શનની અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ બનાવ્યું છે.
જવાહરના શબ્દોમાં કહીએ તો તેને ગઝલો લખી નાખવાનો અને છપાવી નાખવાનો વ્યામોહ નથી. એમણે પોતાની 700થી વધુ ગઝલો ગંગાના પાણીમાં વહાવી દીધી છે. પરિણામે જે નવનીત રહ્યું તે આપણને તેમના બે મુખ્ય ગઝલસંગ્રહો-‘તારાપણાના શહેરમાં’ (1999) અને ‘પરપોટાના કિલ્લા’ (2012)માં મળ્યા છે. આ ઉપરાંત 2026માં તેમની લગભગ છ દાયકાની સર્જનયાત્રામાંથી પસંદ કરાયેલી ગઝલોનો સંગ્રહ ‘ટોળાંની શૂન્યતા છું’ પ્રકાશિત થયો છે.
જવાહરનું વિશિષ્ટ પ્રદાન છે ગઝલને આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બનાવવું. એમની ગઝલમાં પોચટ, જીભના લપેડા મારતી લાગણી કે ઉપદેશાત્મક બનતી ફિલોસોફી નથી. આ સરવાણી અનુભવમાંથી પ્રગટે છે, અનુભૂતિના ચેતોવિસ્તારની સરળ યાત્રા બની રહે છે. સર્જક અંદરથી એકાકાર હોય તો જ તેના સર્જનમાં તત્ત્વ અને સત્ત્વ આપોઆપ મહેકયાં કરે છે, કવિકર્મની પ્રતિષ્ઠા થાય છે.
આપણે કવિતામાં અભિધા, લક્ષણા, વ્યંજના આદિને માણીએ છીએ. સર્જકના એક કરતાં વધુ સ્તર હોઇ શકે. જયારે કવિની સંવેદનશીલતા તારસ્વરે જીવનના સત્યને ચીંધી આપે છે. ત્યારે જ ભાવકના ભાવજગતમાં તેની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. જવાહર આવા અનેક મુકામો છે.
બક્ષીની દૃષ્ટિએ હું, તું જીવન, મૃત્યુ, પ્રેમ, વિરહ, શૂન્યતા વગેરે અલગ-અલગ વસ્તુઓ નથી. આ બધામાંથી પસાર થઇને કવિ અસ્તિત્વના મૂળ સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આથી એમની ગઝલમાં પ્રિયતમાં આખરે પરમ તત્ત્વ સુધી પહોંચવાનું પ્રતીક બની જાય છે.
તેમની કાવ્યસૃષ્ટિના એક સંવાદમાં બક્ષી પોતે સર્જનને એક મૂળ ચેતનાસ્રોત સાથે જોડે છે અને કવિતાને જીવનના આનંદ તથા સર્જનશક્તિના અનુભવ સાથે સાંકળે છે. આથી તેમને ‘આધ્યાત્મિક અનુભૂતિના ગઝલકાર’ તરીકે ઓળખાવવાનું કારણ ફકત વિશેષણ નથી, તેમની કાવ્યદૃષ્ટિનું આ કેન્દ્રીય લક્ષણ છે. ગુજરાતીમાં અવતરેલી બક્ષીની થોડીક ગઝલોની તાજગી, પ્રવાહિતા, રમણીયતા વગેરે એટલા આકર્ષક છે કે તેને આપોઆપ વિશિષ્ટતા અર્પે છે.
‘પરપોટો’ : કેન્દ્રીય પ્રતીક
બક્ષીના કવિતામાં ‘પરપોટો’ અત્યંત અર્થસભર પ્રતીક છે. પરપોટો ક્ષણિક છે, પારદર્શક છે, સુંદર છે પણ અસ્થિર છે. માનવજીવનનું પણ આવું જ છે. આથી ‘પરપોટો’ માત્ર પાણીનો પરપોટો નથી રહેતો, બે બની જાય છે-માનવ અસ્તિત્ત્વનું પ્રતીક.
‘પરપોટાના કિલ્લા’માં આ વિરોધાભાસ અત્યંત સુંદર છે. પરપોટો ક્ષણભંગુરતા, કિલ્લો સ્થાયિત્યની માન ઇચ્છા. અર્થાત્ માણસ ક્ષણભંગુર જીવનમાં શાશ્વતતાના મહેલ ઊભા કરવા માગે છે. આમ ‘પરપોટાના કિલ્લા’માત્ર કાવ્યસંગ્રહનુ નામ નથી. તે બક્ષીના સમગ્ર જીવનદર્શનને સમજવાની એક ચાવી છે.
બક્ષીની ગઝલ રચનાના તાણાવાણા કોઇ પણ વિષયને અંતે લૌકિકમાંથી અલૌકિક તરફ જાય છે. ગઝલના બે વિષયો બધા જ સર્જકો માટે ખાસ છે અને તે છે પ્રેમ અને વિરહ. બક્ષીની ગઝલમાં પ્રેમ ખૂબ જ મહત્ત્વનો વિષય છે, પરંતુ તેમનો પ્રેમ માત્ર શૃંગારિક નથી. પ્રિયતમની ગેરહાજરીમાંથી જન્મની શૂન્યતા ધીમે ધીમે અસ્તિત્ત્વની શોધ બની જાય છે. ઉદાહરણ તરીકે તેમની પ્રોષિતભર્તુકા ગઝલમાં.
તારા જવાનું જયારે મને સાંભરે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ
અહીં ‘આકાશ’ આંખમાં ટોળે વળે છે. આ એક સુંદર કાવ્ય કલ્પના બને છે. આથી બક્ષીની પ્રેમ ગઝલમાં વિરહ-શૂન્યતા-આત્મચિંતન-આધ્યાત્મિકતા એવો આંતરિક વિકાસ જોવા મળે છે.
‘આજના માણસની ગઝલ.’
જવાહરની પ્રસિદ્ધ રચના ‘આજના માણસની ગઝલ’ આધુનિક માનવની આંતરિક રિકતતાને-ખાલીપાને સ્પર્શેે છે.
‘ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી.’ આ પંક્તિમાં અદ્ભુત વિરોધાભાસ છે. ટોળું છે, પણ વ્યક્તિ એકલી છે. ભીડ છે, પણ આંતરિક સંવાદ નથી. વ્યવસ્થા છે, પણ અર્થ ખોવાઇ ગયો છે. આધુનિક મનુષ્યની સૌથી મોટી સમસ્યા કદાચ એકલતા નથી, પરંતુ ભીડમાં રહીને પણ પોતાની ઓળખ ગુમાવવાનું દુ:ખ છે. એટલે ‘ટોળાની શૂન્યતા’ એક મહત્ત્વનું આધુનિક માનસિક સામાજિક પ્રતીક બની જાય છે.
અહીં બક્ષી ફકત આધ્યાત્મિક કવિ નથી, તેઓ આધુનિક માનવના અસ્તિત્વસંકટના કવિ પણ છે.
ક્ષિતિજો પાર કરી...
જવાહર બક્ષીનુ બીજું મોટું પ્રદાન છે - ગઝલના પરંપરાગત સ્વરૂપમાં નવી શકયતાઓ તરફ પ્રમાણ, ગઝલને અન્ય ગુજરાતી કાવ્યસ્વરૂપો સાથે સર્જનાત્મક રીતે જોડવાનું મહત્ત્વનું કામ એમણે કર્યું છે. તેમના નિવેદન પ્રમાણે તેમણે ગઝલ ઉપરાંત ગીત, રૂબાઇ, મુકતક, અછાંદસ, ત્રિપદી વગેરેમાં પણ કામ કર્યું છે અને ગઝલ તથા દેશી, કાવ્ય પરંપરાના વિવિધ સ્વરૂપોનું સંમિશ્રણ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પ્રયોગોમાં ખાસ નોંધપાત્ર છે :
- ભજન - ગઝલ
- ગરબા - ગઝલ
- આખ્યાન ગઝલ
- દુહા સાથેનું સંમિશ્રણ
- કુંડળી પ્રયોગ
- ગીતાત્મક ગઝલ :
આને બક્ષીનું સ્વરૂપ વિસ્તારનું યોગદાન કરી શકાય.
‘ભજન-ગઝલ’ ગુજરાતી પરંપરા અને ગઝલનું અદ્ભુત મિલન છે. તેઓ ગઝલના બંધારણમાં ભજનની ભાવ ધારા લાવે છે.
એવો તે કંઇ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી
આ રચનામાં ‘જી’ જેવી ભજન પરંપરાની લયાત્મકતા અને ગઝલનું કાફિયા રદીફનું બંધારણ સાથે આવે છે. રચનાના સ્વરૂપ વિશેના કાવ્યા સ્વાદમાં પણ તેના બે કાફિયાના વિશિષ્ટ સંયોજનની નોંધ લેવાઇ છે.
આમ જોઇએ તો અહીં બક્ષીનું મહત્ત્વનું પ્રદાન છે. ઉર્દૂ-ફારસી પરંપરામાંથી આવેલી ગઝલને ગુજરાતી ભક્તિકાવ્યની આંતરિક પરંપરા સાથે સંવાદ કરાવવો આને ગુજરાતી ગઝલના સાંસ્કૃતિક સ્વદેશીકરણ તરીકે પણ જોઇ શકાય.
‘આખ્યાન ગઝલ’
આ શિલ્પની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રયોગ છે. બક્ષીની ‘એક કડવાની આખ્યાન ગઝલ’ તેમની પ્રયોગશીલતાનો અત્યંત મહત્ત્વનું ઉદાહરણ છે. તેમણે આખ્યાનની રચનાત્મક ગન્સ અને ગઝલના શેરબંધ સ્વરૂપને એકબીજા સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. રચનાના વિભાગો છે : મુખ્યબંધ, ઢાળ, વલણ, ઊથલો અને ફળશ્રુતિ. આ રચનાત્મક ગોઠવણી આખ્યાનને જીવંત કરે છે. જયારે શેર, કાફિયા અને રદીફ ગઝલની ઓળખ જાળવી રાખે છે.
આથી બક્ષી માટે ગઝલ માત્ર બંધાયેલું સ્વરૂપ નથી. તેઓ જાણે છે કે ‘સ્વરૂપની મર્યાદા જ સર્જનની અંતિમ મર્યાદા નથી.’
ભાષા : શિષ્ટ પણ ભાવસભર
બક્ષીની ભાષા વિશે ‘શિષ્ટ શૈલીમાં લખતા અધ્યાત્મરંગી ગઝલકાર એવી ઓળખ આપવામાં આવી છે.
તેમની ભાષામાં એક સાથે ત્રણ સ્તરો જોવા મળે છે.
1. તત્સમ - સંસ્કૃત મૂલક શબ્દભંડોળ
2. ગુજરાતી લોકપરંપરાનો શબ્દસ્વાદ
3. ગઝલની ઉર્દૂ : ફારસી પરંપરાનો સંગીતમય સ્પર્શ
આ ત્રણેયને બક્ષી સહજ રીતે ગૂંથી શકે છે. એટલે તેમની ભાષા ન તો સંપૂર્ણપણે લોકબોલીની છે, ન તો અતિશય સંસ્કૃતનિષ્ઠ અને ન તો માત્ર ઉર્દૂ- ફારસી-પ્રભાવિત આથી ગુજરાતી કાવ્યભાષામાં પોતાનો આગવો લય ઊભરી આવે છે.
બક્ષીની પ્રતીક અને રૂપ સૃષ્ટિ સંકુલ નથી અને છે. એમની ગઝલનો વિશેષ અભ્યાસ કરીએ તો અનેક પ્રતીકો વારંવાર જોવા મળે છે :
પ્રતીક-પરપોટો-સૂચિત અર્થ છે- ક્ષણભંગુર માનવજીવન, કિલ્લો-સ્થાયિત્વની માનવ-ઇચ્છા, આકાશ-અનંતતા, પવન-ચેતના-જીવન, પ્રાણી-પ્રવાહ અને અસ્તિત્વ, ઝાકળ-ક્ષણિક સૌંદર્ય, તરસ-અપૂર્ણતા- શોધ. ટોળું-સામૂહિક હયાતી, શૂન્યતા-આંતરિક ખાલીપો- પ્રકાશ-જ્ઞાન, આત્મસાક્ષાત્કાર, અંધકાર- અજ્ઞાન-અનિશ્ર્ચિતતા.
બક્ષીએ આપણામાં રહેલા પંચમહાભૂતોને તેના બાહ્ય અને આંતરિક અર્થમાં પ્રયોજયા છે. શરીરને જેમ ગઝલને પંચતત્ત્વની બનાવીને ‘શિવોડહમ્’ તરફ ઉર્ધ્વગતિ કરી છે. આ પ્રતીક પ્રણાલી બક્ષીની ગઝલને સીધી ભાવુકતા કરતાં વધુ ઊંડા દાર્શનિક અર્થક્ષેત્ર તરફ લઇ જાય છે. એમના એક શેરથી અટકીએ.
અટકવું એય ગતિનું જ કોઇ રૂપ હશે હું સાવ સ્થિર છું ને મારામાં રાસ ચાલે છે
(ક્રમશ :)