Tue Oct 06 2026

Logo

મુંબઈ સહિત રાજ્યમાંથી નૈર્ઋત્યનું ચોમાસું પાછું ખેંચાયું

2026-10-04 08:34:04
Author: Sapna Desai
મુંબઈ સહિત રાજ્યમાંથી નૈર્ઋત્યનું ચોમાસું પાછું ખેંચાયું

Chat GPT Generated image


પાંચ દિવસ ચોમાસું વહેલું ખેંચાયુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આ વર્ષે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં મોડેથી દાખલ થયેલા દક્ષિણ-પશ્ર્ચિમ એટલે કે નૈર્ઋત્યનું ચોમાસું શનિવાર, ઑક્ટોબર ૩ ના રોજ મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી વિદાય લીધી હતી.  મુંબઈમાં ચોમાસું પાછું ખેંચાવાની સામાન્ય તારીખ આઠ ઑક્ટોબરના હતી, તેના પાંચ દિવસ વહેલી થયેલી  વિદાય  છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં શહેરમાંથી થયેલી સૌથી વહેલી વિદાય છે. રાજ્યના અન્ય જિલ્લામાંથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું પાછું ખેંચાશે.

દેશમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડી ગયો હતો. જોકે છેલ્લા થોડા દિવસથી વરસાદ ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ ગરમી અને ઉકળાટ કાયમ રહેશે એવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. અ દરમ્યાન શનિવારે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાયું હોવા ની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી હતી, જેમાં મુંબઈમાથી પાંચ દિવસ વહેલું એટલે કે ત્રણ ઑક્ટોબરના જ ચોમાસાએ વિદાય લઈ લીધી છે.

છેલ્લી વખત ચોમાસું આટલું વહેલું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ પાછું ખેંચાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું ઉત્તર ભારતના બાકીના ભાગો, સમગ્ર ગુજરાત અને મધ્યપ્રદેશ અને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી પાછું ખેંચ્યું છે. મહારાષ્ટ્ર માટે સામાન્ય રીતે ચોમાસાની વિદાયની તારીખ પાંચ ઓક્ટોબર છે.

એક તરફ નૈર્ઋત્યના ચોમાસાએ જલદી વિદાય લીધી છે, તો બીજી તરફ પવનની દિશામાંં  ફેરફાર કારણે તાપમાનમાં વધારો થતાં શહેરમાં ઑક્ટોબર હીટનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરના છૂટાછવાયા  વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપી છે.

શનિવારે ભારતીય હવામાન વિભાગના  સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે હતું અને એક દિવસ અગાઉ નોંધાયેલા ૩૬.૯ ડિગ્રી કરતાં વધુ હતું.
આ તાપમાન છેલ્લા આઠ વર્ષમાં ઑક્ટોબર મહિના દરમ્યાન નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું, જે ૨૨ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નોંધાયેલા ૩૭.૪ ડિગ્રી તાપમાનની બરોબર હતું. આ પહેલા સાંતાક્રુઝમાં ઑક્ટોબર ૨૦૧૮માં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.   તેની સરખામણીમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં મુંબઈમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૧૭ ઑક્ટોબરે ૩૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ દરમ્યાન ભારતીય હવામાન વિભાગ કોલાબા દ્વારા નોંધાયેલ મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

ભારતીય દવામાન વિભાગના  અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના પડોશના વિસ્તારમાં  ચક્રવાતી વિરોધી પરિભ્રમણને કારણે પ્રવર્તમાન પવનની પેટર્નમાં ફેરફાર થઈ ગયો છે. દિવસ દરમ્યાન સામાન્ય દરિયાઈ પવનોની જગ્યો પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. સૂકા પૂર્વીય પવનોએ દરિયાઈ પવનોને અસરકારક રીતે અટકાવી દીધા છે, જે સામાન્ય રીતે દરિયાકાંઠે તાપમાનમાં થોડો સાધારણ ઘટાડો લાવે છે.

બોકસ
તાપમાનમાં વધારો થશે


કેટલાક સ્વતંત્ર હવામાનશાસ્ત્રીઓના મતે એન્ટિ-સાયક્લોનિક પરિભ્રમણ ધીમે ધીમે આંતરિક તરફ આગળ વધવાની ધારણા છે, જે સ્થિતિમાં થોડો ફેરફાર લાવી શકે છે. આગામી એકાદ-બે દિવસમાં તાપમાન સ્થિર થઈને ફરી વધશે. હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ પાંચ - છ ઑક્ટોબરે ભેજ વધશે, તેથી આ સપ્તાહના અંતની સરખામણીમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવશે, પરંતુ ૭ ઑક્ટોબરથી સૂકી હવાના પ્રભાવને લીધે તાપમાનમાં ફરી વધારો થશે. શનિવારે કોલાબામાં મહત્તમ તાપમન ૩૬.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું.

બોકસ
મુંબઈમાં કઈ તારીખે ચોમાસું પાછું ખેંચાયું


વર્ષ        તારીખ
૨૦૨૫    ૧૦ ઑક્ટાબર
૨૦૨૪     ૧૫ ઑક્ટાબર
૨૦૨૩     ૨૩ ઑક્ટાબર 
૨૦૨૨     ૨૩ ઑક્ટોબર
૨૦૨૧     ૧૪ ઑક્ટોબર    
૨૦૨૦     ૨૮ ઑક્ટોબર
૨૦૧૯     ૧૪ ઑક્ટોબર
૨૦૧૮     ૦૬ ઑક્ટોબર
૨૦૧૭     ૨૪ ઑક્ટોબર 
૨૦૧૬    ૧૪ ઑક્ટોબર
૨૦૧૫           ૧૫ ઑક્ટોબર
૨૦૧૪    ૧૪ ઑક્ટોબર
૨૦૧૩    ૧૧ ઑક્ટોબર
૨૦૧૨    ૧૨ ઑક્ટોબર
૨૦૧૧    ૧૧ ઑક્ટોબર 
૨૦૧૦    ૨૬ ઑક્ટોબર
૨૦૦૯    ૧૨ ઓક્ટોબર
૨૦૦૬    ૦૯ ઑક્ટોબર
૨૦૦૫    ૧૭ ઑક્ટોબર
૨૦૦૪    ૧૧  ઑક્ટોબર
૨૦૦૩    ૧૧ ઑક્ટોબર 
૨૦૦૨    ૩૦ સપ્ટેમ્બર 
૨૦૦૧    ૧૩ ઑક્ટોબર 

બોકસ
મુંબઈનો સરેરાશ વરસાદ


મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ઓછો વરસાદ પડયો છે. કોલાબામાં સામાન્ય રીતે ૩૩૬ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૩૫૯.૬ મિ.મી. વરસાદ પડવો જોઈતો હતો, તેની સામે આ વર્ષે સપ્ટેમ્બરમાં કોલાબામાં માત્ર ૧૭૫.૧ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૨૭૫.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઑગસ્ટ મહિનામાં કોલાબા સરેરાશ ૧૬૪.૪ મિ.મી. સાંતાક્રુઝમાં ૩૧૫.૩ મિ.મી. પડયો તો જુલાઈમાં કોલાબામાં ૧,૧૭૬.૫ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧,૪૯૧.૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો જૂનમાં કોલાબામાં  ૪૪૧.૧ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૪૧૬.૪ મિ.મી. વરસાદ પડ્યો હતો.