Mon Oct 05 2026

Logo

સુખનો પાસવર્ડ : વીતી ક્ષણો અફસોસભરી ન બની રહે એ ખાસ યાદ રાખજો...

2026-10-04 08:17:00
Author: Ashu Patel
સુખનો પાસવર્ડ : વીતી ક્ષણો અફસોસભરી ન બની રહે એ ખાસ યાદ રાખજો...

 

 

 

- આશુ પટેલ

 

આશા ભોંસલે-આર.ડી .બર્મન

 

આનંદ બક્ષી લિખિત આ ગીતના શબ્દો જરા ધ્યાનથી સાંભળા- મમળાવો...

ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

 

ફૂલ ખિલતે હૈં, લોગ મિલતે હૈં

મગર પતઝડ મેં જો ફૂલ મુરઝા જાતે હૈં

વો બહારોં કે આને સે ખિલતે નહીં

કુછ લોગ જો સફર મેં બિછડ જાતે હૈં

વો હઝારોં કે આને સે મિલતે નહીં

ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉન કા નામ

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

 

આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ

સુનો દોસ્તોં શક દોસ્તી કા દુશ્મન હૈ

અપને દિલ મેં ઇસે ઘર બનાને ન દો

કલ તડપના પડે યાદ મેં જિન કી

રોક લો, રૂઠ કર ઉનકો જાને ન દો

બાદ મેં પ્યાર કે ચાહે ભેજો હઝારોં સલામ

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

સુબહ આતી હૈ, શામ જાતી હૈ

યૂંહી વક્ત ચલતા હી રહેતા હૈ રુકતા નહીં

એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ

આદમી ઠીક સે દેખ પાતા નહીં

ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ

એક બાર ચલે જાતે હૈં જો દિન-રાત, સુબહ-ઓ-શામ

 

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે.

 

1974માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આપ કી કસમ’નું, આનંદ બક્ષીએ લખેલું અને કિશોરકુમારે ગાયેલું આ ગીત લગભગ બધા વાચકોએ અનેક વાર સાંભળ્યું હશે અને રાજેશ ખન્ના પર પિક્ચરાઇઝ થયેલું આ ગીત થિયેટરના પડદે કે ટીવી સ્ક્રીન પર જોયું પણ હશે. આ ગીત માટે સંગીત આપનારા સંગીતકાર આર.ડી બર્મનના જીવનનો એક રસપ્રદ કિસ્સો છે.

 

‘પંચમદા’ તરીકે ઓળખાતા આર.ડી. બર્મન અને વિખ્યાત ગાયિકા આશા ભોંસલેની આત્મીયતા જગજાહેર હતી, પણ જીવનના એક તબક્કે બંને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. તેમનો ઝઘડો એટલો વધી ગયો કે ઝઘડતાં-ઝઘડતાં બંને થાકી ગયાં અને સોફા પર બેસી ગયાં. એ જ વખતે ટીવી પર ‘છાયાગીત’ કાર્યક્રમ શરૂ થયો અને એમાં ‘પંચમદા’નું જ ઉપરોક્ત ગીત ટેલિકાસ્ટ થયું: ‘ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ વો ફિર નહીં આતે...’ એ ગીત જોઈને તે બંને શાંત થઈ ગયાં.

 

સામાન્ય એવી માન્યતા છે કે હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ભલીવાર હોતી નથી, પરંતુ હિન્દી ફિલ્મોનાં કેટલાંક ગીતોમાં ખૂબ ઊંડાણ હોય છે. એંસીના દાયકા સુધી ફિલ્મો માટે ઘણાં સારાં ગીતો લખાતાં હતાં. એવાં ગીતો જેમાં જીવનની ફિલોસોફી પણ હોય અને જીવનને ઊંડાણથી સમજવાની વાત પણ હોય. જેમ આર.ડી. બર્મન અને આશા ભોંસલે વચ્ચે ઝઘડો થયો, પણ ઉપરોક્ત ગીતને લીધે એ ઝઘડાનો અંત આવી ગયો.

 

‘પંચમદા’ અને આશા ભોંસલેની વચ્ચે તો તરત જ સમાધાન થઈ ગયું, પણ આશાજીના બહેન લતા મંગેશકરે વિખ્યાત ગાયક મુહમ્મદ રફી વચ્ચે થયેલો ઝઘડો ચાર વર્ષના અબોલામાં ફેરવાઈ ગયો હતો. એ પછી આર.ડી. બર્મનના પિતા એસ.ડી. બર્મનને કારણે બંને વચ્ચે સમાધાન થયું હતું.

 

લતા મંગેશકર અને મુહમ્મદ રફી વચ્ચે એક તબક્કે એટલો મનભેદ થઈ ગયો હતો કે બંનેએ સાથે ગાવાનું બંધ કરી દીધું હતું. તે બંને વચ્ચે મનદુ:ખ થવાનો મુદ્દો હતો ગીતોની રોયલ્ટીનો. લતાજી એ વખતે પ્રોડ્યુસર્સને ફરજ પાડવાની કોશિશ કરી રહ્યાં હતાં કે ગાયકો અને ગાયિકાઓને ગીતની આવકમાંથી રોયલ્ટી મળવી જોઈએ. લતાજી ઈચ્છતા હતા કે રફીજી તેમને આ મુદ્દે સમર્થન આપે, પરંતુ રફીજીએ કહ્યું કે રેકોર્ડિંગ માટે આપણને જેટલું મહેનતાણું મળે છે એ પૂરતું છે. એ વખતે તેમણે લતાજીને થોડા કડવા શબ્દો પણ કહી દીધા. લતાજી નારાજ થઈ ગયા અને તેમણે રફીજી સાથે બોલવાનું બંધ કરી દીધું. મતભેદમાંથી થયેલા મનભેદને કારણે બંને વચ્ચે અબોલા થઈ ગયા અને બંનેએ 1963થી સાથે ગાવાનું બંધ કરી દીધું. 1967નાં વર્ષ સુધી તેમણે સાથે ગીતો રેકોર્ડ કર્યા નહોતા. આર.ડી. બર્મનના સંગીતકાર પિતા એસ.ડી. બર્મને બંનેને ફરી નજીક લાવવા માટે કોશિશ કરી. 1967માં મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં યોજાયેલી એસ.ડી. બર્મન નાઈટમાં લતાજી અને રફીજી એકસાથે સ્ટેજ પર આવે એવી તેમની ઇચ્છા હતી. તેમણે પ્રથમ રફીજીને કહ્યું.

 

એ પછી રફીજીએ લતાજીને પત્ર લખીને પોતાના કડવા શબ્દો માટે અફસોસ વ્યક્ત કર્યો. એ પછી એસ.ડી. બર્મને લતાજીને કહ્યું કે તમે બંને ફરી મારું માન રાખીને ભેગા થાવ. લતાજી અને રફીજીએ ચાર વર્ષ પછી ફરી વાર સાથે મળીને ગીતો ગાયાં. એ પછી તો તેમની વચ્ચે સરસ સંબંધ બંધાઈ ગયો હતો.

 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા કિસ્સાઓ છે. આપણા રોજબરોજના જીવનમાં પણ આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે ઘણી વખત બે ભાઈ કે ભાઈ બેન વચ્ચે કે બે બહેનો વચ્ચે મનદુ:ખ થઈ જાય અને આખી જિંદગી તેઓ અબોલા લઈ લે અને પછી એક ભાઈ કે એક બહેનનું મૃત્યુ થાય ત્યારે તેમને અફસોસ થતો હોય છે કે મેં અહંકારને લીધે કે હઠને લીધે (સગા ભાઈ કે સગી બેન સાથે) જિંદગીભર અબોલા રાખ્યા.

 

કુટુંબની વ્યક્તિ સાથે, મિત્ર સાથે કે સહકર્મચારી સાથે ઝઘડો થઈ જાય ત્યારે અબોલા લેવાને બદલે આ ગીત યાદ કરવું જોઈએ કે ‘ઝિંદગી કે સફર મેં ચલે જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે...’

 

જે ક્ષણો વીતી જાય છે એ પાછી નથી આવતી. જીવનની વીતી ગયેલી ક્ષણો અફસોસભરી ન હોય એ યાદ રાખીને જીવવું જોઈએ.